તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિનનો વેપાર:એક સમયે રૂ.250માં વેચાતી વેક્સિનની કિંમત આજે રૂ.1500, મફત લેવી હોય તો 10 દિવસનું વેઇટિંગ, પૈસા ખર્ચો તો 5 મિનિટમાં નંબર

અમદાવાદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરકાર દ્વારા ચાલતા વેક્સિનેશન પર વેક્સિન મફત મળે છે, પરંતુ ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે
  • ખાનગી હોસ્પિટલમાં 850થી લઈ 1500 રૂપિયા ચૂકવવા પડે છે, પણ ઓનલાઇન રજિસ્ટ્રેશનની જરૂર નથી
  • રાજ્યનાં 4 શહેરમાં એક જ કંપનીની વેક્સિનના અલગ-અલગ ભાવ રખાયા છે

રાજ્યમાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે ત્યારે વેક્સિનેશનની સ્પીડ ઝડપી બનાવવા માટે હવે સરકારની સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે જે વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં વેક્સિન લેવા માટે જાય છે તેમને 850થી લઈ 1500 રૂપિયાની આસપાસ ચૂકવવા પડે છે તેમજ પ્રાઈવેટમાં વેક્સિન લેવા માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની જરૂર નથી, વ્યક્તિ સેન્ટર પર જઈ રજિસ્ટ્રેશન કરાવી શકે છે. તો બીજી તરફ સરકાર દ્વારા ચાલતા વેક્સિનેશન પર વેક્સિન મફત મળે છે, પરંતુ એના માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી છે. એમાં છેલ્લા ઘણા દિવસોથી સતત સ્લોટ બુક કરવામાં લોકોને ઘણી મુશ્કેલીઓ પડી રહી છે. એને કારણે લોકો મજબૂરીમાં ખાનગી હોસ્પિટલોમાં પૈસા ખર્ચી વેક્સિન લઈ રહ્યા છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલો પણ વેક્સિનના મનફાવે રૂપિયા લઈ રહી છે.

મેથી 18+નું વેક્સિનેશન શરૂ થવાની સાથે જ વેક્સિનેશને ગતિ પકડી હતી.
મેથી 18+નું વેક્સિનેશન શરૂ થવાની સાથે જ વેક્સિનેશને ગતિ પકડી હતી.

મફત વેક્સિન માટે 8થી 10 દિવસ સુધીનું વેઈટિંગ
ગુજરાતમાં શરૂઆતમાં વેક્સિનેશનની સ્પીડ અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછી હતી, પરંતુ પહેલી મેથી 18+નું વેક્સિનેશન શરૂ થવાની સાથે જ વેક્સિનેશને ગતિ પકડી હતી. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં મોટી સંખ્યામાં યુવાનોમાં વેક્સિનનો ઉત્સાહ જોવા મળ્યો હતો, સાથે જ મોટી સંખ્યામાં અલગ-અલગ સેન્ટરો પર લાઈનો લાગતી હતી. જોકે હવેની સ્થિતિ એવી છે કે ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે 8થી 10 દિવસ સુધીનું વેઈટિંગ જોવા મળે છે. એ જોતાં સરકારે હવે ખાનગી હોસ્પિટલોને પણ વેક્સિન વેચવાની મંજૂરી આપી છે, જેને કારણે જે વ્યક્તિએ રજિસ્ટ્રેશન વગર તેમજ ઉતાવળમાં વેક્સિન લેવી હોય તે પૈસા ખર્ચી ખાનગી હોસ્પિટલમાં જઈ વેક્સિન લઈ શકે છે. જોકે હવે જનતા માટે ઊભી કરેલી સુવિધા જ મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. ખાનગી હોસ્પિટલો હવે અલગ-અલગ ભાવે વેક્સિન વેચી રહી છે.

અમદાવાદની શેલ્બી હોસ્પિટલ દ્વારા શરૂ થયેલું પેઈડ વેક્સિનેશન ફેલ રહ્યું.
અમદાવાદની શેલ્બી હોસ્પિટલ દ્વારા શરૂ થયેલું પેઈડ વેક્સિનેશન ફેલ રહ્યું.

એક જ કંપનીની વેક્સિનના અલગ-અલગ ભાવ
કોવિન પોર્ટલ પર ખાનગી હોસ્પિટલોમાં વેક્સિનના ભાવ તેમજ કેટલાક સ્લોટ ખાલી છે એ દર્શાવવામાં આવે છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા તેમજ સુરતની હોસ્પિટલો સામેલ છે. દર્શાવવામાં આવેલી તમામ હોસ્પિટલોમાં કોવિશીલ્ડ તેમજ કોવેક્સિનનો અલગ-અલગ ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે, જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં કોવિશીલ્ડની કિંમત રૂ.850થી 950 રૂપિયા છે જ્યારે કોવેક્સિનની કિંમત 1250થી 1500 રૂપિયાની આસપાસ દર્શાવવામાં આવી છે. નવાઈની વાત એ છે કે એક જ કંપનીની વેક્સિન હોવા છતાં ભાવમાં રૂ.100થી રૂ.150નો ફેરફાર જોવા મળી રહ્યો છે. બીજી તરફ આ જ વેક્સિન શરૂઆતમાં ખાનગી હોસ્પિટલોમાં પણ માત્ર 250 રૂપિયામાં મળતી હતી, જેની કિંમત હવે 1500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

લોકોએ પણ પેઈડ વેક્સિન લેવાનું છોડી સરકારી સેન્ટરો પર જઈ મફતમાં વેક્સિન લેવાનું શરૂ કરી દીધું.
લોકોએ પણ પેઈડ વેક્સિન લેવાનું છોડી સરકારી સેન્ટરો પર જઈ મફતમાં વેક્સિન લેવાનું શરૂ કરી દીધું.

વેક્સિનની કિંમતોથી પરેશાન જનતાનો સરકારી વેક્સિનેશન તરફ યુ-ટર્ન
સરકાર દ્વારા મળતી મફત વેક્સિન લેવા માટે મોટી સંખ્યામાં લોકો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી રહ્યા છે, જેને કારણે 8-10 દિવસ સુધીના સ્લોટ એડવાન્સમાં ભરાઈ જાય છે. બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન સરળતાથી થઈ જાય છે, કારણ કે અહીં મોટે ભાગે સ્લોટ ખાલી જોવા મળે છે. તો સવાલ એ છે કે આમ ગુજરાતમાં વેક્સિનની અછત છે, પરંતુ ખાનગી હોસ્પિટલો પાસે વેક્સિનનો જોઈએ એટલો જથ્થો ઉપલબ્ધ છે અથવા તો મનફાવે એવી કિંમતો વસૂલવાને કારણે હવે લોકોએ પણ પેઈડ વેક્સિન લેવાનું છોડી સરકારી સેન્ટરો પર જઈ મફતમાં વેક્સિન લેવાનું શરૂ કરી દીધું છે, જેને કારણે ખાનગી હોસ્પિટલોમાં સ્લોટ ખાલી જોવા મળી રહ્યા છે.