વેક્સિનેશનમાં વિઘ્ન:અમદાવાદમાં વેક્સિન ખૂટી પડી, સ્ટોક ખૂટી પડતાં 45થી વધુ વયનાને રસી આપવાનું હાલ મોકૂફ, વધુ સ્ટોક આવે પછી જ ફરીથી રસી અપાશે

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 18 થી 44 વર્ષના લોકો www.cowin.gov. in કે આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે
  • વાડજના રસીકેન્દ્ર પર લોકો રસી મુકાવવા સવારે 9 વાગે આવી ગયા પણ 10.45 સુધી સ્ટોક ન આવતા હોબાળો

શહેરમાં 3 દિવસથી 18થી 44 વયજૂથના લોકોને રસીનો પ્રારંભ થવા સાથે લગભગ તમામ કેન્દ્રો પર રસી ખૂટી પડતાં મ્યુનિ.એ મહત્ત્વનો નિર્ણય લઇ હવે 45 વર્ષથી વધુ વયની વ્યક્તિઓને હાલ રસી આપવાનું સ્થગિત કર્યું છે. પૂરતો વેક્સિનનો જથ્થો મળે પછી 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. મ્યુનિ.એ જાહેરાત કરી છે કે શહેરમાં અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર તેમજ મ્યુનિ. સંચાલિત હોસ્પિટલ અને કોમ્યુનિટી હોલ ખાતે હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર તેમજ 45 ‌વર્ષથી વધારે ઉંમરના લોકોને રસીકરણ મુલત્વી રાખવામાં આવ્યું છે. જોકે 18થી 44 વર્ષના લોકો www.cowin.gov.in પર અથવા આરોગ્ય સેતુ એપ પર રજિસ્ટ્રેશન કરાવી ટાઇમ સ્લોટ મેળવી શકશે અને તે મુજબ તેમને રસી આપવામાં આવશે.

વાડજની હિન્દી શાળા નંબર-1માં રસી સ્ટોક મોડો આવતા લોકોએ રાહ જોવી પડી.
વાડજની હિન્દી શાળા નંબર-1માં રસી સ્ટોક મોડો આવતા લોકોએ રાહ જોવી પડી.

વાડજના રસીકેન્દ્ર પર હોબાળો
વાડજ શાળામાં ચાલતા રસીકરણના કાર્યક્રમમાં યોગ્ય સમયમાં રસી પહોંચી ન હતી. લોકો સવારે 9 વાગે રસી લેવા માટે લાઈનમાં ગોઠવાઈ ગયા હતા પરંતુ સવારે 10.45 સુધી રસીનો સ્ટોક ન આવતા લોકોએ હોબાળો કર્યો હતો તો કેટલાક રસી મુકાવ્યા વગર પાછા ગયા હતા. આ ઉપરાંત અન્ય કેટલાક કેન્દ્રો પર પણ રસી ખૂટી હોવાના બનાવો સામે આવ્યા હતા. જોકે આજે એકંદરે અન્ય કેન્દ્ર પર ભારે હંગામો થયો ન હતો.

રજિસ્ટ્રેશન વગરનાને રસીથી વિવાદ
45 વર્ષથી ઉપરની વ્યક્તિ, હેલ્થ કેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર રજિસ્ટ્રેશન સિવાય જ કોઇપણ વેક્સિનેશન સેન્ટર પર પહોંચી જાય છે. તેમને વેક્સિન આપવાને કારણે ટાઇમ લઇને આવેલા નાગરીકોને ધક્કો પડી રહ્યો છે.

શહેરના 5મા ભાગની વસ્તીને રસી
શહેરની અંદાજે 60 લાખની વસ્તીમાંથી 12.65 લાખે રસી લીધી છે. એટલે કે કુલ વસ્તીના પાંચમા ભાગનું રસીકરણ થયું છે. આ પૈકી 2.99 લાખે બંને ડોઝ જ્યારે 9.65 લાખ નાગરિકોએ પહેલી વખત વેક્સિનેશનનો લાભ લીધો છે.

રાજ્યમાં 1.25 કરોડથી વધુ લોકોનું વેક્સિનેશન થયું
સોમવારે રાજ્યમાં 1 લાખ 41 હજાર 843ને રસી આપવામાં આવી છે. અત્યાર સુધી 99 લાખ 41 હજાર 391 લોકોને પ્રથમ ડોઝ અને 26 લાખ 31 હજાર 820 લોકોને બીજા ડોઝનું વેક્સિનેશન પૂર્ણ થયું છે. કુલ મળીને 1 કરોડ 25 લાખ 73 હજાર 211નું વેક્સિનેશન પૂર્ણ થયું છે. આજે રાજ્યમાં 18થી 44 વર્ષના 27 હજાર 272ને પ્રથમ ડોઝનું વેક્સિનેશન કરવામાં આવ્યું હતું. તેમજ 60થી વધુ વયના અને 45થી 60 વર્ષના કુલ 36 હજાર 177 વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને 67 હજાર 368 વ્યક્તિઓને બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એકેય વ્યક્તિને આ રસીના કારણે કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.

ગુજરાતમાં સોમવારે 12,820 કેસ અને 140ના મોત
રાજ્યમાં ત્રણ મેના રોજ કોરોનાના 12,820 નવા કેસ નોંધાયા છે. જ્યારે રિકવર થયેલા દર્દીની સંખ્યા 11,999 રહી છે. તો નવ દિવસ બાદ 150થી ઓછા કેસ નોંધાયા છે, અગાઉ 24 એપ્રિલે પહેલીવાર 152 કેસ નોંધાયા હતા, આજે રિક્વરી રેટ સુધરીને 74.46 ટકા થયો છે.1,47,499 એક્ટિવ કેસ અને 747 વેન્ટિલેટર પર છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6 લાખ 7 હજાર 422ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 7,648 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 4 લાખ 52 હજાર275 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,47,499 એક્ટિવ કેસ છે, જેમાંથી 747 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1,46,752 દર્દીની હાલત સ્થિર છે.