ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:રાજ્યનાં મહાનગરોમાં રસીની શોર્ટેજ, અમદાવાદ-સુરતમાં ઓક્સિજનની અછત; માત્ર 10% બેડ જ ખાલી, ઇન્જેક્શન ગાયબ

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં કોરોનાનો કહેર છતાં ઉમટેલી ભીડની તસવીર - Divya Bhaskar
સુરતમાં કોરોનાનો કહેર છતાં ઉમટેલી ભીડની તસવીર
  • 61 ટકા કેસ ધરાવતાં 4 મોટાં શહેરમાં કોરોના સામે 4 હથિયારની શું સ્થિતિ છે?

કોરોના સામેની લડાઈ માટે જરૂરી એવાં ઇન્જેક્શન, વેક્સિન, હૉસ્પિટલમાં બેડ અને ઓક્સિજનને લઈને ભાસ્કરે કોરોનાના 61 ટકા કેસ જ્યાં નોંધાયા છે એવાં ચાર મોટાં શહેરોમાં સ્થિતિની ચકાસણી કરી હતી. સુરતમાં હાલ 97 ટકા બેડ ફુલ છે તો અમદાવાદમાં પણ 80થી 85 % બેડ ફુલ છે. સૌરાષ્ટ્રના વાંકાનેરની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનની તંગીને કારણે એક જ રાતમાં ત્રણ કોરોના દર્દીનાં મોત નીપજતાં ખળભળાટ મચી ગયો હતો. રાજકોટ-વડોદરામાં રસી કે ઓક્સિજનની તંગી જોવા મળી નહોતી. આરોગ્ય સચિવ જયંતી રવિએ જણાવ્યું હતું કે 15 લાખ રસીના ડોઝ આવી ગયા હોવાથી દૈનિક પોણાચાર લાખને રસીકરણનું લક્ષ્યાંક મેળવી શકાશે.

અમદાવાદમાં બેડ ખૂટતાં સ્ટ્રેચર પર સારવાર લેવાની જરૂર પડી.
અમદાવાદમાં બેડ ખૂટતાં સ્ટ્રેચર પર સારવાર લેવાની જરૂર પડી.

અમદાવાદઃ 80 % બેડ ફુલ, ઇન્જેક્શનના અભાવે મહિલાનું મોત
ઇન્જેક્શનઃ રેમડેસિવીર અને ટોસિલિઝુમેબ બંને ઈન્જેક્શનની તંગી છે. ડૉક્ટર લખી આપે છે પણ માર્કેટમાં ઉપલબ્ધ નથી. ટોસિલિઝુમેબ ઈન્જેક્શન નહીં મળતાં બુધવારે 65 વર્ષીય મહિલાનું બુધવારે મૃત્યુ થયું હતું.
હોસ્પિટલ બેડઃ ખાનગી હોસ્પિ.નાં બેડ 85 ટકા, સરકારી બેડ 80 % ફુલ છે. સિવિલ હોસ્પિ.માં 400 બેડ રિઝર્વ કરાયાં છે.
ઓક્સિજનઃ 9 સરકારી હોસ્પિટલમાં જે ઓક્સિજન બે દિવસ ચાલતો હતો એ હવે દિવસમાં બે વખત ભરવો પડે છે, પ્રાઈવેટ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટ્યો હોવાનું નોંધાયું છે.
વેક્સિનેશનઃ અમદાવાદમાં રસીનો સ્ટોક ઓછો આવવાથી તથા અન્ય કારણોસર રસીકરણમાં 52 ટકાનો ઘટાડો થયો છે. જોકે સરકાર રસી ખૂટી હોવાનો ઈનકાર કરે છે.

વડોદરામાં જનજાગૃતિ કાર્ય કરતા લોકો.
વડોદરામાં જનજાગૃતિ કાર્ય કરતા લોકો.

વડોદરાઃ 6000 ઇન્જેક્શનની ડિમાન્ડ, રોજ 4 હજાર આવે છે
ઇન્જેક્શનઃ હોસ્પિટલ એસો.ના મતે 6000 રેમડેસિવીર ઇન્જેકશનની ડિમાન્ડ છે, પણ રોજ 4000 ઇન્જેકશન આવી રહ્યાં છે.
હોસ્પિટલ બેડઃ વડોદરામાં ખાનગી-સરકારી હોસ્પિટલોમાં કુલ 71.65 % બેડ ફુલ છે. ( 9763માંથી 6983 બેડ ઓક્યુપાઇડ).
ઓક્સિજનઃ કુલ 100 ટનની ડિમાન્ડ સામે સ્થાનિક સ્તરે 117 ટન ઉત્પાદન છે. ઓક્સિજન સિલિન્ડરની કમી છે
વેક્સિનેશનઃ વડોદરામાં રસીકરણ અગાઉ કરતાં ઘટ્યું નથી. અહીં રસીકરણમાં ગુરુવારે 0.3 ટકાનો વધારો નોંધાયો હતો.

હોસ્પિટલોમાં બેડ ફુલ હોવાથી મહિલા સ્ટ્રેચર પર સૂતેલા પતિને તાપથી બચાવવા માટે દુપટ્ટો ઓઢાડતી નજરે ચડે છે.
હોસ્પિટલોમાં બેડ ફુલ હોવાથી મહિલા સ્ટ્રેચર પર સૂતેલા પતિને તાપથી બચાવવા માટે દુપટ્ટો ઓઢાડતી નજરે ચડે છે.

રાજકોટઃ સરકારી હોસ્પિટલોમાં પથારીની સંખ્યા વધારવામાં આવી છતાં 90% બેડ ભરેલાં રહે છે
ઇન્જેક્શનઃ રાજકોટમાં રેમડેસિવિર તથા અન્ય ઇન્જેક્શન માટે ગંભીર તંગી નથી. હાલ 5000 ઇન્જેક્શનનો સ્ટોક છે.
હોસ્પિટલ બેડઃ સરકારી હોસ્પિટલોમાં બેડની અછત છે, સતત બેડની સંખ્યા વધારવા છતાં 90 ટકા બેડ ભરેલાં જ રહે છે. જોકે મૃતકોની સંખ્યા વધતાં સ્મશાનમાં હજુ પણ વેઇટિંગની સ્થિતિ છે અને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત અને દર્દીઓની સંખ્યા વધતાં અરાજકતા સર્જાઈ છે.
ઓક્સિજનઃ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દરરોજ 13 હજાર લિટર ઓક્સિજનની જરૂર પડે છે, જોકે પુરવઠો પૂરતો હોવાથી ગંભીર તંગી સર્જાતી નથી.
વેક્સિનેશનઃ રાજકોટ શહેરમાં દરરોજ સરેરાશ 10 હજાર લોકોને રસી આપવામાં આવી રહી છે, જે અગાઉ કરતાં નજીવો વધારો છે.

સુરતઃ 97 ટકા બેડ ફૂલ, રસીનો જથ્થો ખૂટી પડતા રસીકરણ ઘટ્યું
ઇન્જેક્શનઃ
હાલ 1305 રેમડેસિવીર ઇન્જેક્શન સ્ટોકમાં પડ્યા છે. ઇન્જેક્શન માટે કુલ 814 ઓનલાઇન અરજી પ્રાપ્ત.
હોસ્પિટલ બેડઃ શહેરની ખાનગી હોસ્પિટલોમાં સરેરાશ 97 ટકા બેડ ફૂલ. જ્યારે કેટલીક હોસ્પિટલો 100 ટકા ફૂલ.
ઓક્સિજનઃ કુલ 5-10 ટકા સુધીની સપ્લાય ઘટી. મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાંથી લિક્વિડ ઓક્સિજન મગાવવો પડ્યો.
વેક્સિનેશનઃ 3 એપ્રિલે 56,342 લોકોને રસી અપાઈ. એ પછી રસી ખૂટી જતા અંદાજે 26થી 32 હજારને રસી આપવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...