રિસર્ચ:કોરોનાની ત્રીજી વેવ સામે ટકવા વેક્સિન જ જડીબુટ્ટી, કોવિડથી સંક્રમિત થયા હશો તોપણ વાયરસ વધુ સમય ટકી નહીં શકે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
પ્રતીકાત્મક તસવીર.
  • વેક્સિનની અસરકારકતાને લઈને કરેલા રિસર્ચમાં જાણવા મળ્યું કે વેક્સિન જ હાલ એક શસ્ત્ર છેઃ ડૉ સ્વીટી શાહ
  • હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓમાં વેક્સિન લેનારી અને નહીં લેનારી વ્યક્તિઓના ડેટાના આધારે રિસર્ચ કરાયું હતું

છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે લોકોની સ્થિતિ બદલાઈ ગઈ છે. કોરોના નિયંત્રિત થતાં હવે અન્ય બીમારીઓએ માથું ઊંચક્યું છે. ત્યારે આ મહામારીમાં ડૉક્ટર, પેરામેડિકલ સ્ટાફ, નસિંગ સ્ટાફ અને અન્ય મેડિકલ સાથે જોડાયેલા લોકોએ જે સેવા આપી છે. એની જેટલી પ્રશંસા કરો એટલી ઓછી છે, જેમાં ડોક્ટર્સ રાત-દિવસ લોકોના જીવ બચાવવામાં પોતાના પરિવારથી પણ દૂર રહ્યા છે. આજે ડોક્ટર્સ ડે છે. ત્યારે અમદાવાદના એક ડોક્ટર અને તેમની ટીમે વેક્સિનની અસરકારકતાને લઈને રિસર્ચ કર્યું હતું.

ડોક્ટર્સની ટીમે વેક્સિનની અસરને લઈને રિસર્ચ કર્યું
અમદાવાદની SVP હોસ્પિટલના એક ડૉક્ટર અને તેમની ટીમે વેક્સિનની અસરકારકતાને લઈને રિસર્ચ કર્યું હતું, જેમાં તેણે SVP હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના ડેટા ભેગા કરી એને 2 ગ્રુપમાં વહેંચી દીધા હતા. તેણે એક ગ્રુપ વેક્સિન લેનાર કોવિડ દર્દીઓ અને બીજું ગ્રુપ વેક્સિન નહિ લેનાર કોવિડ દર્દીઓ એમ વહેંચણી કરીને રિસર્ચ કર્યું હતું. એમાં તેણે આ બંને ગ્રુપના દર્દીઓના લેબ ઇન્વેસ્ટિગેશન એટલે કે તેમનો CRP સ્કોર, D-DIMMER અને CT વેલ્યુ એમ આ રીતે પેરામીટર નક્કી કર્યા અને એમાં સ્ટડી કર્યું હતું એમ તેઓ રિસર્ચના આધારે તમામ ડેટાને મેચ કર્યા, જેમાં વેક્સિન લેનાર દર્દીઓમાં કોરોનાની અસરકારકતા નબળી પડતી જોવા મળી હતી. રિસર્સમાં દર્દીઓનો હોસ્પિટલ સ્ટે પણ ઘટેલો જોવા મળ્યો હતો.

રિસર્ચ કરનારા કાર્ડિયો-પલ્મોનરીના નિષ્ણાત ડૉ સ્વીટી શાહ.
રિસર્ચ કરનારા કાર્ડિયો-પલ્મોનરીના નિષ્ણાત ડૉ સ્વીટી શાહ.

કયા આધાર પર રિસર્ચ કરવામાં આવ્યું
અમે દર્દીઓના લેબ ઇન્વેસ્ટિગેશન અને તેઓના સિટીસ્કેન પરથી ફેફસાનાં ઇન્ફેક્શનને નોંધ્યું અને તેને ઓબ્ઝર્વ કર્યું જેના આધારે આ રિસર્ચ કરવામાં આવ્યું છે.અમે લેબ ઇન્વેસ્ટિગેશનમાં CRP, D-DIMMER અને અન્ય પેરામીટર્સને નોંધ્યા હતા. જે શરીરમાં વાયરસનું ઇન્ફેક્શન દર્શાવે છે જે વેક્સિન લીધેલ દર્દીઓમાં ઓછું જોવા મળ્યું હતું.આ રિસર્ચ દરમિયાન વેકસીન લેનાર દર્દીઓને નું ફંક્શનલ સ્ટેટ્સ એટલે કે રોજિંદી પ્રક્રિયામાં સુધારો થતો જોવા મળ્યો અને તેઓની QAULITY LIFE પણ સુધરી હોય તેવું સામે આવ્યું.

ત્રીજી વેવ સામે ટકવા વેક્સિન જડીબુટ્ટી
બીજી તરફ વેક્સિન નહીં લેનારા દર્દીઓમાં કોરોનાની અસરકારકતા વેક્સિન લેનારી વ્યક્તિ કરતાં વધારે જોવા મળી હતી, સાથે તેમનો હોસ્પિટલ સ્ટે પણ વેક્સિન લેનારા દર્દીઓ કરતાં વધારે જોવા મળ્યો હતો. આ રિસર્ચ પરથી હવે ચોક્કસ કહી શકાય કે ખરેખર ત્રીજી વેવ સામે પોતાના બોડીને લડવા માટે તૈયાર રાખવા માટે વેક્સિન જ જડીબુટ્ટી છે. આ રિસર્ચ કરનારા કાર્ડિયો-પલ્મોનરીનાં નિષ્ણાત ડૉ સ્વીટી શાહએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં મારી ટીમ સાથે એક રિસર્ચ કર્યું હતું, જેમાં અમે હાલ લોકોમાં પ્રવતી રહેલી ગેરમાન્યતાઓને દૂર કરીને વેક્સિન અંગેની સાચી અને તારણો આધારિત માહિતી લોકો સુધી પહોંચાડવા માગતાં હતાં.

ડો. સ્વીટીના પીજી સ્ટુડન્ટ ડો. વીધી પણ રિસર્ચમાં જોડાયેલ હતાં
ડો. સ્વીટીના પીજી સ્ટુડન્ટ ડો. વીધી પણ રિસર્ચમાં જોડાયેલ હતાં

હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના ડેટા એકત્રિત કર્યા
અમે વેક્સિનની અસરકારકતા પર એક રિસર્ચ કર્યું, જેમાં અમે હોસ્પિટલમાં દાખલ કોરોનાના દર્દીઓના ડેટા એકત્રિત કર્યા. અમે વેક્સિન લેનારી અને વેક્સિન નહીં લેનારી વ્યક્તિના લેબ ઈન્વેસ્ટિગેશનને લઈને ઘણા દિવસો સુધી સ્ટડી કર્યું હતું, જેમાં અમે તેમના બ્લડ રિપોર્ટ આધારિત ટેસ્ટ અને વાયરસની CT વેલ્યુને સતત મોનિટર કરી હતી, જેમાં અમને આખરે જાણવા મળ્યું કે વેક્સિન ખૂબ જ અસરકારક છે. અમે જે ડેટા મેચ કર્યા એમાં વેક્સિન લેનારા લોકોને કોરોના થવાની શક્યતાઓ ઓછી જોવા મળે છે.

SVP હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રિસર્ચ કર્યું.
SVP હોસ્પિટલના ડોક્ટરોની ટીમે રિસર્ચ કર્યું.

વેક્સિન અને કસરત બંને પાસા દર્દીઓ માટે ઉપયોગી
તેમણે ઉમેર્યું હતું કે વેક્સિન લેનાર ગ્રુપના કોરોનાના દર્દીઓમાં અમે ઓબ્ઝર્વ કર્યું કે, તેમનામાં વાયરસની અસરકારકતા વધતી નથી. જેથી દર્દી એટલા ગંભીર સ્ટેજ સુધી પહોંચી શકતો નથી. માત્ર સામાન્ય સારવારથી જ સાજો થઈ જાય છે. સામાન્ય રીતે અમે જે રિસર્ચ કર્યું છે તેમાં બંને ગ્રપુના દર્દીઓ હોસ્પિટલમાં હતાં. પરંતુ જે દર્દીએ વેક્સિન લીધી હતી તે વેક્સિન નહીં લેનાર દર્દી કરતાં ઝડપથી સાજા થયાં છે. જે દર્દી ઓક્સિજન કે વેન્ટિલેટર પર ના હોય અને વેક્સિન લીધી હોય તે સામાન્ય કસરત કરે તો પણ વેક્સિનની અસરકારકતા વધે છે. એટલે વેક્સિન અને કસરત બંને પાસા દર્દીઓ માટે ઉપયોગી છે.

વેક્સિનથી વાયરસની અસર ઘટે છે
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે વેક્સિનથી વાયરસની અસરકારકતા લોકોની બોડીમાંથી ઘટતી જોવા મળી એટલે તેઓ બીજા દર્દી કરતાં ઝડપથી સાજા થઈ જાય છે. હું લોકોને કહેવા માગું છે કે આ રિસર્ચના આધારે અમને હકીકત જાણવા મળી છે કે વેક્સિન લેવી કેટલી જરૂરી છે. મારી અપીલ છે તમામ લોકો વેક્સિન લે અને ત્રીજી વેવ સામે બીજી ઘણી સાવચેતી પણ રાખે અને કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન કરે.

અન્ય સમાચારો પણ છે...