તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નીતિન પટેલની જાહેરાત:31મી જુલાઈ સુધી જેમને રસી લેવી ફરજિયાત છે તેમના માટે રવિવારે પણ રાજ્યમાં વેક્સિનેશન ચાલુ રહેશે

અમદાવાદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર. - Divya Bhaskar
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ફાઈલ તસવીર.
  • વેપારીઓ, દુકાનદારો, ફેરિયાઓને 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત
  • રાજ્યમાં બુધવારે મમતા દિવસ પર વેક્સિનેશન બંધ રખાય છે
  • રાજ્યમાં અત્યારસુધીમાં 3.1 કરોડ લોકોને વેક્સિન અપાઈ

કોરોના વાયરસની મહામારી સામે લડવા માટે વેક્સિન જ અમોઘ શસ્ત્ર છે. જોકે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વેક્સિનેશનની ઝડપ ઘટી ગઈ છે. બીજી તરફ, સરકારે પણ વેપારીઓ, દુકાનદારો, નોકરિયાત લોકો સહિત સુપરસ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકો માટે 31મી જુલાઈ સુધી વેક્સિન લેવી ફરજિયાત કરી દીધી છે, સાથે જ સરકાર દ્વારા બુધવાર તથા રવિવારે વેક્સિનેશન બંધ રાખવામાં આવે છે, એવામાં ધંધાકીય એકમો સાથે જોડાયેલા લોકોને વેક્સિન મેળવવામાં તકલીફ પડી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં રવિવારે પણ વેક્સિનેશન ચાલુ રહેશે.

રવિવારે વેપારીઓ-દુકાનદારો માટે રસીકરણ ચાલુ રહેશે
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આજે જાહેરાત કરી હતી કે જેમણે 31 જુલાઈ સુધી રસી લેવી ફરજિયાત છે તેવા લોકો માટે આ રવિવારે રસીકરાણ યોજાશે. 25 જુલાઈને રવિવારના રોજ ધંધાકીય એકમો સાથે સંકળાયેલાને રસી આપવામાં આવશે. નોંધનીય છે કે વેક્સિનનો ઓછો સ્ટોક આવતો હોઈ 6 મહિનામાં પહેલીવાર 7,8 તથા 9 જુલાઈના રોજ વેક્સિનેશનની કામગીરી બંધ રહી હતી.

સરકારની અસરકારક કામગીરીથી કોરોનાનું સંક્રમણ ઘટ્યું: DyCM
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે કોરોનાનું સંકમણ ઘટ્યું છે અને ઉત્તરોત્તર કેસોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. હવે છેલ્લા બે-ત્રણ દિવસથી 25થી નીચે કેસો નોંધાય છે. રાજ્યમાં નાગરિકોના સહયોગથી સંક્રમણ રોકવામાં સફળતા મળી છે ત્યારે આગામી સમયમાં પણ નાગરિકો આવો સહયોગ કાયમ રાખે તો ગુજરાતને ચોક્કસ કોરોના મુક્ત બનાવીશું.

આ પ્રતીકાત્મક તસવીર છે.
આ પ્રતીકાત્મક તસવીર છે.

વેપારીઓ-કર્મચારીઓએ 31 જુલાઈ સુધીમાં વેક્સિન લેવી પડશે
રાજ્ય સરકારે 13 દિવસ અગાઉ જાહેરનામું બહાર પાડીને ધંધાકીય એકમો સાથે સંકળાયેલા તમામ માલિકો, સંચાલકો, કર્મચારીઓએ ફરજિયાત વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાની સમયમર્યાદા વધારીને 31 જુલાઈ સુધીની કરી હતી. જો વેક્સિનનો પહેલો ડોઝ નહીં લીધો હોય તો જે-તે ધંધાકીય કે વાણિજ્ય અથવા મનોરંજક એકમો ચાલુ રાખી શકાશે નહીં.

વેક્સિન ન મળતી હોવાની વેપારીઓની ફરિયાદ
સરકારની SOP મુજબ વેક્સિન નહીં લેનારા વેપારી અને અન્ય લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, પરંતુ રાજ્યમાં સતત ધીમું વેક્સિનેશન થતું હોવાથી વેપારીઓને વેક્સિન લેવામાં મુશ્કેલીઓ થઈ રહી છે. એક તરફ સરકારની ગાઈડલાઇન્સને અનુસરવાનું અને બીજી તરફ વેક્સિનેશન સપ્તાહમાં બે દિવસ બંધ હોવાથી રસી નથી મળતી, જેને લઈને વેપારી એસોસિયેશને સરકારને અપીલ કરીને ફરજિયાત રસીકરણની સમયમર્યાદામાં વધારો કરી 31 જુલાઈ કરવાની માગણી કરી હતી.

આ પ્રતીકાત્મક તસવીર છે.
આ પ્રતીકાત્મક તસવીર છે.

'અમે વેક્સિન લેવા ગયા ત્યારે ડોઝ નહોતો મળ્યો'
રાજકોટ ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિયેશનના પ્રમુખ પી. કલ્યાણીએ જણાવ્યું હતું કે જ્યારે અમે વેક્સિન લેવા ગયા હતા ત્યારે અમારે એ લીધા વગર પરત ફરવું પડ્યું હતું. અમને ડોઝ નહોતો મળ્યો તો અમે કાંઈ સરકારને દંડ નહોતો કર્યો. સરકારને અમે સહકાર દેવા માટે તૈયાર છીએ, પરંતુ જ્યારે વેપારીને હેરાન કરવાની વાત આવશે ત્યારે અમે વેપારીની સાથે જ ઊભા રહીશું.

રાજકોટમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે બધાં સેન્ટર પર વેક્સિનેશન શરૂ કરી દેવામાં આવે તોપણ આપેલી મુદતમાં વેક્સિનેશન શક્ય નથી. આ તો વેપારીઓ પર દબાણ ઊભું કરવાની વાત છે. વેપારીઓ પર દબાણ ઊભું કરવાને બદલે વેક્સિનેશનનો ડોઝ ઉપલબ્ધ કરાવવા જોઇએ. જો મહાનગરપાલિકા તરફથી સાથ-સહકાર મળે તો ચેમ્બર કેમ્પ કરવા માટે તૈયાર છે.