ગુજરાતમાં 22 ઓગસ્ટ રવિવારે રક્ષાબંધનનો તહેવાર છે. આ દિવસે બહેનો ભાઈઓને રાખડી બાંધે છે. આ પવિત્ર દિવસે આરોગ્ય વિભાગની સેંકડો મહિલા કર્મચારીઓ જેઓ વેક્સિનેશનની કામગીરી સાથે જોડાયેલી છે તેઓ પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો પર્વ ઉજવી શકે તે માટે રવિવારે વેક્સિનેશનની કામગીરી બંધ રાખવાનો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નિર્ણય કર્યો છે.
વેક્સિનેશનથી રાજ્યમાં ત્રીજી લહેરની શક્યતા ઓછી થઈ
રાજ્યમાં કુલ રસીકરણ 4.17કરોડ થયું છે. 3.15કરોડ લોકોએ પહેલો ડોઝ લીધો છે જ્યારે 1.02 કરોડ લોકોને બીજો ડોઝ અપાઇ ગયો છે. 18 વર્ષથી ઉપરના અંદાજે 4.93 કરોડ લોકોમાંથી 80 ટકાનું રસીકરણ અત્યાર સુધી થયું છે. જેમાં 65 ટકાને પહેલો ડોઝ, 20%ને બન્ને ડોઝ અપાયા છે. બીજી તરફ રાજ્યના 13 જિલ્લામાં એક્ટિવ કેસ શૂન્ય થયા છે જ્યારે 14 જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 5થી નીચે છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત જિલ્લાઓમાં જ એક્ટિવ કેસની સંખ્યા ડબલ ડિઝિટમાં છે.
સંક્રમણ વધે તો પણ રસીને કારણે મૃત્યુ નહીં થાય
જો સંક્રમણ વધશે તો પણ રસી મોટા પ્રમાણમાં લીધેલી હશે તો તેની અસર ઓછી જોવા મળશે. દર્દીના મૃત્યુનું જોખમ પણ ઘટી જાય છે. આવો અનુભવ બ્રિટનના થયેલો જોવા મળે છે. ત્યાં રસી આપ્યા છતાં દર્દી વધ્યાં પણ મોતમાં ઘણો ઘટાડો થયો હતો. લગભગ 1000 દર્દીએ માત્ર 1 વ્યક્તિનું મોત નોંધાયું હતું. રસીકરણને કારણે જ આમ થવા પામ્યું છે. આથી મહત્તમ રીતે રસી અપાવવી જોઈએ. - પ્રો. જુગલકિશોર, વાઈરોલોજિસ્ટ
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 255ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 255ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 78 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 994 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 183 એક્ટિવ કેસ છે, જેમાંથી 6 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 177 દર્દીની હાલત સ્થિર છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.