તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજ્યમાં વેક્સિન ખૂટી?:ગુજરાતમાં 8 અને 9 જુલાઈએ વેક્સિનેશન બંધ, 6 મહિનામાં પહેલીવાર સતત ત્રણ દિવસ સુધી રસીકરણ બંધ

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બુધવારે મમતા દિવસના બહાને વેક્સિનેશન બંધ કર્યું
  • હવે ગુરૂ અને શુક્રવારે પણ વેક્સિનેશન બંધ રાખવાની જાહેરાત

રાજ્યમાં ચાલી રહેલી કોરોના વેક્સિનેશનની કામગીરી આગામી બે દિવસ એટલે કે ગુરુવાર અને શુક્રવાર બંધ રહેશે. આરોગ્ય વિભાગની યાદીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં 8 અને 9 જુલાઈએ વેક્સિનેશન બંધ રાખવામાં આવશે. આ પહેલા મમતા દિવસના બહારે 7 જુલાઈએ પણ વેક્સિનેશન બંધ રાખ્યું હતું. આમ જાન્યુઆરીમાં વેક્સિનેશનનો પ્રારંભ થયા બાદથી લઈ અત્યાર સુધીમાં પહેલીવાર સતત 3 દિવસ રસીકરણ બંધ રાખવામાં આવ્યું છે.

આરોગ્ય વિભાગના આ નિર્ણયને લઈ સૌ કોઈના મનમાં એક જ સવાલ છે કે ત્રીજી લહેરના ભય વચ્ચે ત્રણ ત્રણ દિવસ માટે કેમ વેક્સિનેશન બંધ રાખવામાં આવ્યું છે? શું વેક્સિન ખૂટી ગઈ છે?

45 ટકા જથ્થાની ઘટ
ગુજરાતની વેક્સિનની જરૂરિયાત સામે 45 ટકા જેટલો જથ્થો ઓછો આવી રહ્યો હોવાનું રાજ્ય સરકારનાં સૂત્રો જણાવે છે. હાલ ગુજરાતને દૈનિક ચાર લાખ જેટલો રસીનો જથ્થો જોઈએ છે, તેની સામે સવા બે લાખ જેટલો જ ડોઝ મળે છે. અઠવાડીયા પહેલા દૈનિક 4 લાખ ડોઝ પ્રમાણે 28 લાખ કરતાં વધુ ડોઝ ગુજરાતને મળ્યા હતા. ત્યાર બાદ 15થી 17 લાખ જેટલાં ડોઝ મળતા હતા. પરંતુ જરૂરિયાત સામે આ ડોઝ ઘણાં ઓછા પડ્યા છે.

વોક ઈન વેક્સિનેશન શરૂ થતા સ્ટોક ખૂટવા લાગ્યો
​​​​​​​અગાઉ ગુજરાતને 2થી 2.5 લાખ ડોઝ મળતા હતા, જેને કેન્દ્ર સરકારે 10-12 દિવસ પહેલા વધાર્યા હતા. આ ઉપરાંત અગાઉ રસી મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન જરૂરી હતું, તેથી રસી માટે આવનારની સંખ્યા પણ ઓછી રહેતી હતી, તેથી રસીનો સ્ટોક પડ્યો પણ રહેતો હતો, જે પાછલા સપ્તાહમાં કામે લાગતાં સરકારે એક જ સપ્તાહમાં 28 લાખ ડોઝ આપ્યા હતા. જોકે સરકારે જ્યારથી રસી માટે 18થી 45 વર્ષની વયના લોકોમાં ઓનલાઇન રજિસ્ટ્રેશન મરજિયાત કર્યું ત્યારથી મોટી સંખ્યામાં નાગરિકો રસીકેન્દ્રો પર આવે છે. તેની સામે રસીના ડોઝની સંખ્યા ઘટતાં રસીકરણ ખૂબ ઘટી ગયું છે.

રાજ્યમાં 65 નવા કેસ અને શૂન્ય મોત
રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. ત્યારે 119 દિવસ એટલે કે ચાર મહિના બાદ રાહતના સમાચાર આવ્યા છે. અગાઉ 11 માર્ચે એક પણ મોત નોંધાયું ન હતું. રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી મોત થયું નથી. 24 કલાકમાં 65 નવા કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ શહેર અને સુરત શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. 289 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રિક્વરી રેટ સુધરીને 98.51 ટકા થયો છે.

1969 એક્ટિવ કેસ અને 10 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 29ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 72 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 11 હજાર 988 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 969 એક્ટિવ કેસ છે, જેમાંથી 10 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 959 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...