તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:સતત બીજા દિવસે ગુજરાતમાં વેક્સિનેશન બંધ, મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ, ગુજરાતમાંથી 3 નવા મંત્રી, રૂપાલા-માંડવિયાને પ્રમોશન, દિલીપ કુમારનું નિધન

અમદાવાદએક મહિનો પહેલા

નમસ્કાર,
આજે ગુરુવાર છે, તારીખ 8 જુલાઈ, જેઠ વદ ચૌદસ.

આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) સમગ્ર ગુજરાતમાં આજે અને આવતીકાલે કોરોના વેક્સિનેશન બંધ રહેશે.
2) અમદાવાદના જગન્નાથ મંદિરમાં ભગવાનના મામેરાનાં દર્શન યોજાશે. સવારે 9 વાગ્યાથી મંદિરમાં લોકો મામેરાનાં દર્શન કરી શકશે.
3) સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં PG અને UGના વિદ્યાર્થીઓની ઓફલાઇન પરીક્ષા, 30 હજાર 743 વિદ્યાર્થી પરીક્ષા આપશે.

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચારો

1) મોદી સરકારમાં કેબિનેટનું વિસ્તરણ, 15 કેબિનેટ-28 રાજ્યકક્ષાના મંત્રીઓએ શપથ લીધા, માંડવિયાને સ્વાસ્થ્ય-રસાયણ તો શાહને સહકાર મંત્રાલય
મોદી કેબિનેટનું સૌથી મોટું વિસ્તરણ થયું છે. મોદી કેબિનેટમાં સાંજે 43 મંત્રીએ શપથ લીધા હતા. શપથ લેનારાં 28 રાજ્યોના મંત્રીઓમાં 7 મહિલા છે. મોદીનાં 8 વર્ષના શાસનમાં આ વખતે સૌથી વધારે મંત્રીઓ કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય, કેમિકલ બાબતોની જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે અમિત શાહને સહકાર મંત્રાલય સોંપાયું છે.

વાંચો સમાચાર વિગતવાર

2) મેરિટના આધારે માંડવિયા-રૂપાલાનું પ્રમોશન, 2022ની ચૂંટણીના રાજકીય સમીકરણો, જ્ઞાતિ-ઝોન પ્રમાણે મંત્રીપદ
ગુજરાતથી દિલ્હી પહોંચેલા PM મોદીની સરકારની બીજી ટર્મના મંત્રીમંડળ વિસ્તરણમાં ગુજરાતના ચારેય ઝોનને મંત્રીપદ મળ્યું છે. નવા મંત્રીમંડળમાં દેવુસિંહ ચૌહાણ, દર્શના જરદોશ, ડો.મહેન્દ્ર મુંજપરાને સ્થાન આપવામાં આવ્યું છે, જ્યારે રૂપાલા અને માંડવિયાને મેરિટના આધારે પ્રમોટ કરીને કેબિનેટ મંત્રી બનાવાયા છે. આ સાથે ઈતિહાસમાં પહેલીવાર ગુજરાતમાંથી કેન્દ્રમાં 7 સાંસદ મંત્રી બન્યા છે.

વાંચો સમાચાર વિગતવાર

3) જામનગરમાં માતાએ ત્રણ સંતાનને કૂવામાં નાખી પોતે પણ ઝંપલાવ્યું, ત્રણેય બાળકનાં મોત, માતાનો બચાવ
જામનગરના ધ્રોલ નજીક આવેલા મોરારદાસ ખંભાળિયામાં સામાન્ય માણસના હૃદયને હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે. એક માતાએ પોતાનાં ત્રણ સંતાનને કૂવામાં ફેંકી દેતાં તેમનાં ડૂબી જવાથી મોત નીપજ્યાં હતાં. સંતાનોને કૂવામાં ફેંક્યા બાદ માતાએ પણ કૂવામાં ઝંપલાવ્યું હતું, જોકે તેનો આબાદ બચાવ થયો હતો.

વાંચો સમાચાર વિગતવાર

4) દિલીપ કુમારને સાંજે 5 વાગે જુહુમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા, મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા, PM મોદીએ સાંત્વના પાઠવી
બોલિવૂડના 98 વર્ષીય અભિનેતા દિલીપ કુમારનું વહેલી સવારે નિધન થયું હતું. મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે સવારે 7.30 વાગે અંતિમ શ્વાસ લીધા હતા. 30 જૂને શ્વાસ લેવામાં તકલીફ પડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ICUમાં હતા. દિલીપ કુમારને સાંજે 5 વાગે જુહુમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દિગ્ગજ અભિનેતાને શ્રદ્ધાંજલિ પાઠવી.

વાંચો સમાચાર વિગતવાર

5) કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિની હત્યા, જોવેનેલ મોઇસેની તેમના ઘરમાં જ હત્યા કરાઈ, હુમલામાં પત્ની પણ ગંભીરરૂપે ઈજાગ્રસ્ત
કેરેબિયન દેશ હૈતીના રાષ્ટ્રપતિ જોવેનેલ મોઇસેની તેમના ઘરમાં હત્યા થઈ છે. હુમલા બાદ તેમની પત્નીની સ્થિતિ પણ ગંભીર છે. હૈતીના વડાપ્રધાને આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ મોઇસેની તેમના ઘરમાં હત્યા થઈ ગઈ છે. મોઇસની પત્ની અંગે કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિ ક્વાર્ટરમાં હુમલા દરમિયાન તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. 53 વર્ષીય મોઇસે 2 વર્ષથી વધુ સમયથી શાસન કરી રહ્યા હતા.

વાંચો સમાચાર વિગતવાર

6) કેબિનેટ વિસ્તરણ અંગે કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા, પર્ફોર્મન્સની દૃષ્ટિએ જો મંત્રીઓને હટાવવામાં આવે છે તો સૌ પહેલા PMએ હટવું જોઈએ
મોદી સરકારનું પહેલું કેબિનેટ વિસ્તરણ આજે થયું છે. કેબિનેટમાં મોટા પાયે કરવામાં આવેલા ફેરફારોમાં પર્ફોર્મન્સના આધારે મંત્રીઓને હટાવવા અને પ્રમોટ કરવામાં આવ્યા છે. આ સંજોગોમાં આ અંગે કોંગ્રેસે તીખી પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કટાક્ષ કરતાં કહ્યું કે જો પર્ફોર્મન્સની દૃષ્ટિ એ આ ફેરબદલ છે તો સૌ પહેલા વડાપ્રધાને પોતાના પદ પરથી હટી જવું જોઈએ.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) મોદી સરકારમાં ચોંકાવનારા રાજીનામા, હવે રવિશંકર-પ્રકાશ જાવડેકર સહિત 13 મંત્રીનાં રાજીનામાં; કોરાના-બંગાળ ચૂંટણીની દેખાઈ અસર.
(2) PM મોદીનું સૌથી યુવાન કેબિનેટ, સરેરાશ ઉંમર 58 વર્ષ; ડોકટર, એન્જિનિયર અને રિટાયર્ડ IAS અધિકારીઓ સહિત 4 પૂર્વ CMનો સમાવેશ.
(3) સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ, CEC અને પ્રદેશ ઇલેક્શન કમિશનર જમ્મુ-કાશ્મીર વિધાનસભા બેઠકોનું પરિસિમનની રૂપરેખા તૈયાર કરશે
(4) ભારતીય શેરબજાર 194 પોઇન્ટ ઊછળી પ્રથમ વખત સેન્સેક્સ 53,000 સપાટીથી ઉપર બંધ આવ્યું છે.

આજનો ઈતિહાસ
524 વર્ષ પહેલાં આજના દિવસે વર્ષ 1497માં વાસ્કો ડી ગામાએ ભારતનો સમુદ્રી માર્ગ શોધ્યો હતો.

અને આજનો સુવિચાર
જગતમાં માણસ સિવાય જેમ બીજું કોઈ મોટું નથી, તેમ માણસના ચારિત્ર્ય સિવાય બીજું કંઈપણ મોટું નથી.

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...

અન્ય સમાચારો પણ છે...