કોરોના વેક્સિનેશન:અમદાવાદના ટાગોર હોલમાં રસીકરણની કામગીરી બંધ, અર્બન હેલ્થ સેન્ટરો અને ઘરે બેઠાં જ રસીકરણ ચાલુ રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ટાગોર હોલ ખાતે અચોક્કસ મુદત માટે વેક્સિનેશન બંધ - Divya Bhaskar
ટાગોર હોલ ખાતે અચોક્કસ મુદત માટે વેક્સિનેશન બંધ
  • શહેરમાં ધીમે ધીમે કોર્પોરેશનના અન્ય હોલ અને શાળામાં પણ વેક્સિનેશન બંધ કરાશે

અમદાવાદ શહેરમાં કોરોનાની મહામારી સામે લડવા માટે વેક્સિનેશનની કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી હતી. જોકે હવે શહેરમાં હવે પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા 100 ટકા સુધી થવા આવી છે. એવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય કરાતા ટાગોરહોલ ખાતે વેકસીનેશન સેન્ટર બંધ કરવામા આવ્યું છે. આગામી સમયમાં માત્ર અર્બન હેલ્થ સેન્ટરો તથા ઘરે બેઠા જ વેક્સિનેશનની કામગીરી કરવામાં આવશે.

શહેરમાં પ્રથમ ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 100 ટકા નજીક પહોંચી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના ટાગોર હોલ ખાતે વેક્સિનેશનની કામગીરી બંધ કરવામાં આવી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં, ઘરે બેઠા વેક્સિનેશનની કામગીરી થતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ ડોઝ લેનારા નાગરિકોની સંખ્યા 100 ટકા થવા આવી હોવાથી ટાગોરહોલ ઉપર વેક્સિનેશન પણ પ્રમાણમાં ઓછું થતું હતું. બીજી તરફ સરકારે સાંસ્કૃતિક કાર્યક્રમને મર્યાદિત લોકો સાથે મંજૂરી આપી છે. એવામાં ટાગોર હોલનો ઉપયોગ આ કામ માટે કરવામાં આવશે. આગામી દિવસોમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ટાગોર હોલ ફાળવવામાં આવી શકે છે.

અન્ય હોલ તથા સ્કૂલોમાં પણ વેક્સિનેશન બંધ કરાશે
અન્ય હોલ તથા સ્કૂલોમાં પણ વેક્સિનેશન બંધ કરાશે

અન્ય હોલ અને સ્કૂલોમાં વેક્સિનેશન બંધ કરાશે
મ્યુનિ. કોર્પોરેશનના અન્ય હોલ તેમજ સ્કૂલોમાં ચાલતી વેક્સિનેશન કામગીરી પણ ધીમે ધીમે બંધ કરવામાં આવશે. માત્ર અર્બન હેલ્થ સેન્ટરો અને ઘરે બેઠા વેક્સિનેશન કામગીરી કરવામાં આવશે. બીજી તરફ વેક્સિનેશન કરતા નર્સિંગ સ્ટાફ પણ માંગણીઓને લઈ હડતાળ પર જતાં વેક્સિનેશન કામગીરી ધીમી થવાને કારણે વેક્સિનેશન બંધ કરાયાની ચર્ચા થઈ રહી છે.

ઘરે બેઠા 50થી વધુ ઉંમરના લોકોને વેક્સિન
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વેક્સિનેશન કેમ્પથી લઈ ઘરે ઘરે વેક્સિન આપવા સુધીની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે હવે અમદાવાદમાં રહેતા 50 વર્ષથી ઉપરના લોકો અને 18 વર્ષથી ઉપરના દિવ્યાંગ લોકોને મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ ઘરે જઈ વેક્સિન આપશે. જેના માટે તેઓએ જાહેર કરેલા નંબર 6357094244, 6357094227 પર ફોન કરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સવારે 9થી રાતે 9 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉપરાંત કોર્પોરેશનની વેબસાઈટ ahmedabadcity.gov.in પર ઓનલાઇન લિંક દ્વારા પણ રજિસ્ટ્રેશન કરાવી આ સેવાનો લાભ લઈ શકશે.

શહેરમાં 70 લાખ જેટલા લોકોનું રસીકરણ
નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં અંદાજે 70 લાખ જેટલા લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે. જેમાં 46 લાખથી વધુ લોકો પ્રથમ ડોઝ અને 23 લાખથી વધુ લોકોએ વેક્સિનનો બીજો ડોઝ લઈ લીધો છે. હાલમાં શહેરમાં 247 જેટલા સ્થળોએ વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે.