• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Vaccination Of Children In Surat Bhavnagar Stopped Today, 4213 New Cases Of Corona In The State, Outbreak Of Corona From 1105 Cases In Surat

મોર્નિંગ ન્યૂઝ પોડકાસ્ટ:આજે સુરત-ભાવનગરમાં બાળકોનું વેક્સિનેશન બંધ, રાજ્યમાં કોરોનાના 4213 નવા કેસ, સુરતમાં 1105 કેસથી કોરોના વિસ્ફોટ

17 દિવસ પહેલા

નમસ્કાર,
આજે શુક્રવાર છે, તારીખ 7 જાન્યુઆરી, પોષ સુદ પાચમ

આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર

1) વેક્સિનનો સ્ટોક ખુટતા આજે સુરતમાં બાળકોનું વેક્સિનેશન બંધ 2) રાજકોટ,જામનગર, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છમાં માવઠાંની આગાહી 3) આજે PM મોદીની સુરક્ષામાં ખામીનો મામલો સુપ્રીમ કોર્ટમાં સુનાવણી 4) UPSC દ્વારા અમદાવાદના વિવિધ કેન્દ્રો પર સિવિલ સર્વિસની મેઈન એક્ઝામ યોજાશે

હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર

* કોરોના ગુજરાત LIVE: આખા ડિસેમ્બરમાં 4256 કેસ સામે આજે એક દિવસમાં જ રાજ્યમાં 4213 કેસ, સુરતમાં રેકોર્ડ 1105 કેસથી કોરોના વિસ્ફોટ

રાજ્યમાં નવા વર્ષમાં કોરોના-ઓમિક્રોનમાં કેસનો ધડાકો થયો છે. સાડા 7 મહિના બાદ પહેલીવાર 4200થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 4213નવા કેસ નોંધાયા હતા. એ પહેલા 22 મેના રોજ 4205 કેસ હતા. ગયા વર્ષે ડિસેમ્બર માસમાં 4253 નવા કેસ હતા. તેની સમકક્ષ જ 6 જાન્યુઆરીએ કેસ નોંધાયા છે. સુરત શહેરમાં કોરોના વિસ્ફોટ થયો છે અને ત્યાં એક હજારથી વધારે એટલે કે 1105 નવા કેસ નોંધાયા છે. રાજ્યના સૌથી વધુ 1835 કેસ અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં કેસ નોઁધાયા છે. તો આજે ઓમિક્રોનના એક પણ કેસમાં નોધાયા નથી.

વાંચો સમાચાર વિગતવાર

* અંતે સરકાર જાગી:ગુજરાતમાં કોરોના વિસ્ફોટને પગલે વાઇબ્રન્ટ સમિટ આખરે મોકૂફ, સળંગ બીજા વર્ષે સમિટને કોરોનાનું ગ્રહણ

રાજ્યમાં કોરોનાના કહેર વચ્ચે ગુજરાત સરકારે વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. વાઇબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટર્સ સમિટ યોજવા માટે સરકારે છેલ્લા 2 મહિનાથી તૈયારીઓ શરૂ કરી હતી.

વાંચો સમાચાર વિગતવાર

* DB Investigation:સુરતમાં 6નો ભોગ લેનાર ઝેરી કેમિકલ દહેજથી આવ્યું હતું, તંત્રની ઘોર બેદરકારીથી ઝેરી કેમિકલ ખુલ્લામાં ઠાલવવાના રેકેટમાં નિર્દોષ શ્રમિકોનો બલિ ચડ્યો

સુરતના સચિન GIDC વિસ્તારમાં ઝેરી કેમિકલ જાહેરમાં (ખુલ્લી ખાડીમાં) ઠાલવતી વખતે ગેસ ગૂંગળામણને કારણે 6 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 23 જેટલા લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કરની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લેતાં સામે અનેક બેદરકારીઓ આવી છે. સચિન વિસ્તારમાં રોજના મોટી સંખ્યામાં ટેન્કર કેમિકલ ભરીને ઠાલવવા આવતાં હોવાનું સામે આવ્યું છે. ઝેરી કેમિકલ અંકલેશ્વર, વડોદરા, દહેજ સહિતથી ઠાલવવા માટે અહીં આવે છે, જેમાં આજે આવેલું ટેન્કર દહેજથી આવ્યું હોવાનું સામે આવ્યું છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે ઝેરી કેમિકલ ઠાલવવાનું કૌભાંડ ચાલતું હોવાનું દિવ્ય ભાસ્કરના ઈન્વેસ્ટિગેશનમાં સામે આવ્યું છે.

વાંચો સમાચાર વિગતવાર

* રાજકોટ IMAના પ્રમુખની ચેતવણી:હાલ સ્કૂલોમાં 40% વિદ્યાર્થીઓ ગેરહાજર, સરકાર જાગે એ પહેલા વાલીઓ ચેતજો, બાળકો સૌથી વધુ સંક્રમિત થશે

સમગ્ર રાજ્યમાં કોરોનાએ ફરી ઊથલો માર્યો છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ ગઇકાલે એક જ દિવસમાં ચાર ગણા વધ્યા હતા. આથી કલેક્ટર તંત્ર સફાળું જાગ્યું છે અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. આજે કલેક્ટરે IMAના તબીબો સાથે બેઠક કરી હતી. બેઠક બાદ રાજકોટ IMAના પ્રમુખ ડો.પ્રફૂલ કમાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનાના વધતા કેસને લઇને રાજકોટની મોટાભાગની સ્કૂલોમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહે છે. સરકારે સ્કૂલો બંધ કરવાની કોઇ ગાઈડલાઈન જાહેર કરી નથી પરંતુ વાલીઓએ ચેતવા જેવું છે અને સ્કૂલ સંચાલકો પણ આમાં ગંભીરતા દાખવે. સ્કૂલો દ્વારા ઓફલાઈન શિક્ષણ આપવામાં આવે છે, પરંતુ હાલ ગંભીર સ્થિતિ બની ગઈ છે. કારણ કે રાજકોટ અને સૌરાષ્ટ્રમાં ત્રીજી લહેર આવી ચૂકી છે.

વાંચો સમાચાર વિગતવાર

* કોરોનાનું ગ્રહણ લાગ્યું:ખોડલધામ પાટોત્સવ વર્ચ્યુઅલ યોજાશે, 20 લાખ લોકોને એકઠા કરવાનો કાર્યક્રમ રદ, કોર કમિટીએ નિર્ણય લીધો

લેઉવા પટેલ સમાજના એકતાના પ્રતિક સમા ખોડલધામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 21 જાન્યુઆરીએ પાંચ વર્ષ પૂર્ણ થશે. આથી ખોડલધામમાં 21મી જાન્યુઆરીએ પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ હાલ કોરોનાની સ્થિતિ વણસી હોવાથી પાટોત્સવ વર્ચ્યુઅલ યોજવાનો ખોડલધામ કોર કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે આવતીકાલે ટ્રસ્ટીઓની બેઠક બોલાવી છે. પહેલા પાટોત્સવમાં 20 લાખ લોકો એકઠા કરવાની વાત હતી પરંતુ કોરોનાની સ્થિતિ જોતા જનમેદની એકઠી કરવાનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

* AMC કહે છે ગભરાશો નહીં:અમદાવાદમાં કોરોનાના રોજ 1600 કેસ, બજારોમાં માસ્ક વિનાની ભીડ છતાં કોઈ નવા પ્રતિબંધો નહીં

અમદાવાદ સહિત રાજ્યભરમાં કોરોનાના કેસો વધતા રાજ્ય સરકારે વાઇબ્રન્ટ અને ફલાવર શો સહિતના મેળાવડા બંધ કર્યા છે. અમદાવાદમાં પણ રોજ 1600થી વધુ કોરોનાના કેસો આવી રહ્યાં હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ્યાં પણ ભીડ ભેગી થાય છે એવા જાહેર સ્થળોએ ક્યાંય નિયંત્રણ મુકવાની હજી સુધી વિચારણા કરી નથી. મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો અને મ્યુનિસિપલ કમિશનર માત્ર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું લોકો પાલન કરે તેના માટે કાર્યવાહી કરીશું એવી વાતો કરે છે. જાહેર સ્થળો જેવા કે શાકમાર્કેટ, પાનના ગલ્લા, ચાની કિટલીઓ, કાંકરિયા, બાગ બગીચાઓ પર હજી કોઈ નિયંત્રણ લાવવા અંગે ચર્ચા કરાઇ નથી.

વાંચો સમાચાર વિગતવાર

* સુરક્ષા ચૂકનો મામલો:રાષ્ટ્રપતિ કોવિંદને મળ્યા PM મોદી, પોતાના પંજાબ પ્રવાસમાં સુરક્ષામાં ચૂક રહી હોવાની માહિતી આપી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિ ભવનમાં મળ્યા છે. મોદીએ રાષ્ટ્રપતિને તેમના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે માહિતી આપી છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે PMની સુરક્ષા મામલે ચિંતા વ્યક્ત કરી છે. પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ PMની સુરક્ષામાં રહી ગયેલી ચૂક અંગે ટ્વિટ કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકનો મામલો એક તરફ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. તો બીજી તરફ પંજાબની ચન્ની સરકારે પણ મામલાની તપાસ માટે હાઈ લેવલની કમિટી બનાવી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા ચૂકના મામલાને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ એનવી રમન્ના સમક્ષ મેન્શન કરવામાં આવ્યો છે.

વાંચો સમાચાર વિગતવાર

* મોદીની સુરક્ષા મુદ્દે ચન્નીને સોનિયાની ફટકાર:પંજાબના CMને કહ્યું- મોદી સમગ્ર દેશના પ્રધાનમંત્રી છે, તેમની સુરક્ષામાં બેદરકારીના જવાબદારો પર એક્શન લો

પંજાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની સુરક્ષાના 24 કલાક બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની સાથે વાત કરી છે. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ચન્ની પાસેથી આ મામલાની વિગતવાર માહિતી લીધી છે. તેમણે ચન્નીને કહ્યું કે મોદી આખા દેશના વડાપ્રધાન છે, તેથી તેમની સુરક્ષાનું સંપૂર્ણ ધ્યાન રાખવું જોઈએ.સોનિયાએ ચન્નીને કહ્યું કે આ મામલામાં જે પણ જવાબદાર છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. આ પ્રવાસ માટે સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા કરવી જોઈતી હતી.ચન્નીએ સોનિયા ગાંધીને કહ્યું કે પંજાબ સરકાર સમગ્ર મામલાની તપાસ કરાવી રહી છે. આ માટે નિવૃત્ત જસ્ટિસ મહેતાબ સિંહ ગિલ અને રાજ્યના ગૃહ સચિવ અનુરાગ વર્માની તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. કમિટીને 3 દિવસમાં પોતાનો રિપોર્ટ આપવા માટે કહેવામાં આવ્યું છે. તેમાં જે પણ જવાબદાર હશે તેની સામે સરકાર કાર્યવાહી કરશે.

વાંચો સમાચાર વિગતવાર

* પંજાબ પોલીસ શંકાના દાયરામાં:ખેડૂત સંગઠનોએ કહ્યું- ખેડૂતો હાઇવે બ્લોક કરવા નહીં, જિલ્લા મથકે વિરોધ કરવા જઈ રહ્યા હતા, પંજાબ પોલીસે તેઓને મોદીના રુટ પર રોકી દીધા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંજાબ પ્રવાસ દરમિયાન સુરક્ષામાં ચૂકનું કારણ ખેડૂતો નહીં પણ પંજાબ પોલીસ જ હતી. ખેડૂતો જિલ્લા મથકે વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. તેમને એ પણ ખબર ન હતી કે મોદી સડક માર્ગે ફિરોઝપુર જઈ રહ્યા છે. ભટિંડા-ફિરોઝપુર નેશનલ હાઈવે પ્યારેઆના ગામ પાસે રસ્તો જામ થઈ ગયો હતો અને મોદીનો કાફલો આ હાઈવેના ફ્લાઈઓવર પર અટવાઈ ગયો હતો. પંજાબ પોલીસના કારણે જામ સર્જાયો હતો, કારણ કે ખેડૂતો નિર્ધારિત કાર્યક્રમ મુજબ ફિરોઝપુર ડીસી ઓફિસમાં વિરોધ કરવા જઈ રહ્યા હતા. પોલીસે તેમને રોક્યા અને તેના કારણે હાઈવે બ્લોક થઈ ગયો. આ કારણોસર PMને 20 મિનિટ સુધી રસ્તા પર ઉભા રહેવું પડ્યું હતું.

વાંચો સમાચાર વિગતવાર

* રાજસ્થાનના CM ગેહલોત બીજી વખત કોરોનાગ્રસ્ત

રાજસ્થાનના CM અશોક ગેહલોત કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓએ ટ્વીટ કરીને આ વાતની જાણકારી આપી છે. ગેહલોતના પુત્ર વૈભવ પહેલાથી જ સંક્રમિત છે. તેઓ હાલ ઘરમાં રહીને પોતાની સારવાર કરાવી રહ્યાં છે. અશોક ગેહલોત ગત વર્ષે એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન સંક્રમિત થયા હતા. ત્યારે તેમની પત્ની સુનિતા પણ કોરોના પોઝિટિવ થયા હતા.

વાંચો સમાચાર વિગતવાર

મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં

1) ત્રીજી લહેરથી એલર્ટ:વાઇરલ ઇન્ફેક્શનમાં અપાતી 7 કરોડથી વધુ દવા ગુજરાત સરકાર ખરીદશે, હોસ્પિટલમાં એડમિટથી ઓપરેશન સુધી આ 64 પ્રકારની દવાઓનો સ્ટોક કરશે 2) કોરોના રાજકોટ:1 દિવસમાં ચાર ગણા કેસ નોંધાતા મનપાનું 5 સ્થળે 24 કલાક ટેસ્ટિંગ શરૂ, કલેક્ટર કચેરીમાં સ્પેશિયલ વોર રૂમ તૈયાર 3) ગુજરાત વાઇબ્રન્ટ સમિટ મોકૂફ રખાતા સ્ટોલ ધારકોને મોટું નુકશાન, 200 થી વધુ સ્ટોલ ઉભા કરી દેવાયા હતા 4) માસ્ક જ મસ્ટ:વડોદરામાં માસ્કના વેચાણમાં 1000 ટકાનો વધારો, રોજનું વેચાણ 10 હજારથી વધીને 1 લાખે પહોંચ્યું, દવાઓનું વેચાણ 10 ટકા વધ્યું 5) ડેનમાર્કમાં વેક્સિનના બંને કે બૂસ્ટર ડોઝ લેનાર 90% લોકો ઓમિક્રોનથી સંક્રમિત, વધુ ડોઝ ઈમ્યૂન સિસ્ટમને નબળો પાડી રહ્યો છે 6) ફારુક અબ્દુલ્લા સહિત જમ્મુ કાશ્મીરના ચાર પૂર્વ મુખ્યમંત્રીઓની સુરક્ષામાં ઘટાડો, SSG સુરક્ષા દૂર થશે 7) 16 પૂર્વ DGP સહિત 27 IPS ઓફિસર્સે રાષ્ટ્રપતિને લખ્યો પત્ર, PMની સુરક્ષામાં થયેલી ચૂકને લઈને કાર્યવાહીની કરી માગ 8) ઓઈલની કિંમત વધતા દેશ ભડકે બળ્યો; કઝાકિસ્તાનમાં લોકો રોષે ભરાતા રાષ્ટ્રપતિ સહિત અનેક નેતાઓના ઘર સળગાવ્યા, 300થી વધુ લોકો ઘાયલ

આજનો ઈતિહાસ
1980ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટી જોરદાર જીતની સાથે ઈન્દિરા ગાંધી આજના દિવસે જ સત્તામાં પરત ફર્યા હતા. આ ચૂંટણીમાં કોંગ્રેસે 350થી વધુ સીટ જીતી હતી. આ ચૂંટણી એટલા માટે પણ મહત્વની હતી કેમકે 1977માં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો.

અને આજનો સુવિચાર
આત્મવિશ્વાસ જ અદ્દભુત, અદશ્ય અને અનુપમ શક્તિ છે જેને આધારે જ તમે તમારા ધ્યેય તરફ આગળ વધો છો. તે જ તમારો આત્મા છે, તે જ તમારો પથદર્શક છે

તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું..

અન્ય સમાચારો પણ છે...