હવે બાળકોનો વારો:કેન્દ્રની લીલી ઝંડી મળતા જ ગુજરાતમાં બાળકોનું રસીકરણ શરૂ થશે, 15 દિવસમાં 1.40 કરોડથી વધુ બાળકોનું રસીકરણ પૂર્ણ કરવાની તૈયારી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
આ તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
આ તસવીર પ્રતિકાત્મક છે
  • દેશમાં અત્યારે કોવેક્સિન અને ઝાયકોવ-ડી રસીને બાળકોને આપવા મંજૂરી અપાઈ છે
  • ભારતે હાલમાં જ 100 કરોડ રસીના ડોઝ આપવાનો આંક પ્રાપ્ત કર્યો

કોરોના વાયરસની મહામારી સામે લડતા ભારતે હાલમાં જ 100 કરોડ રસીના ડોઝ આપવાનો આંક પ્રાપ્ત કર્યો. ગુજરાતમાં પણ અત્યાર સુધીમાં 6 કરોડ 86 લાખથી વધુ વેક્સિનના ડોઝ આપી ચૂકાયા છે. એવામાં હવે નાના બાળકોને વેક્સિન આપવાની તૈયારીઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ થોડા દિવસો અગાઉ જ 5થી 18 વર્ષના બાળકો-યુવાનો માટેની વેક્સિનને મંજૂરી આપી છે. કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકે બાળકો પરના ટ્રાયલનાં પરિણામો કેન્દ્ર સરકારને સોંપ્યા હતા. એકસપર્ટ કમિટીએ પરિણામોના વિશ્લેષણ બાદ જણાવ્યું હતું કે, કોવેક્સિનથી બાળકોને કોઈ હાનિ નથી. તેથી કંપની બાળકો માટે વેક્સિનનું બ્રાન્ડિંગ કરી શકે છે. પુખ્તવયના લોકોને અપાતી કોવેક્સિન હવે બાળકોને પણ આપવાનું શરૂ થશે.

બાળકોનું 15 દિવસમાં રસીકરણ કરવાની તૈયારી
ત્યારે હવે ગુજરાતનું આરોગ્ય વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બાળકોને વેક્સિન આપવા અંગે મંજૂરી મળ્યાના 15 દિવસમાં સમગ્ર રાજ્યના બાળકોનું રસીકરણ કરવા તૈયારી કરી રહ્યું છે. આ માટે 8000 જેટલી ટીમોને કાર્યરત કરવામાં આવી છે.

કેવી રીતે થશે બાળકોનું રસીકરણ?
ગુજરાતના 5થી 18 વર્ષની વયજૂથના અંદાજે 1.40 કરોડ બાળકો સરકારી ચોપડે નોંધાયેલા છે. કેન્દ્ર સરકારની મંજૂરી મળતા જ બાળકોને રસી આપવાની શરૂઆત થશે. કેન્દ્ર સરકાર વેક્સિનેશન બાળકોમાં કરવાનું કહે તો આરોગ્ય વિભાગની ટીમ શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને બાળકોને શાળા ખાતે જઇને વેકસીન આપવામાં આવશે. જેથી મોટાભાગના તમામ બાળકો વેકસીનથી સજ્જ થઈ જાય, આમ શાળાના ડેટાના આધારે તથા જિલ્લા શિક્ષણ અધિકારીના ડેટાના આધારે તમામ બાળકોને રસી આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ તસવીર પ્રતિકાત્મક છે
આ તસવીર પ્રતિકાત્મક છે

દિવાળી પહેલાં બાળકોને રસી આપવાની મંજૂરી મળી શકે
રસીકરણ અંગે કંપની કે સરકારે કોઈ તારીખ આપી નથી પણ કંપની એવું માનીને ચાલે છે કે દિવાળી પહેલાં બાળકોનું રસીકરણ શરૂ કરી દેવામાં આવશે. બાળકો માટે મંજૂર થયેલી કોવેક્સિન બીજી રસી છે. આ અગાઉ ઝાયડસ કેડિલાની ઝાયકોવ-ડીને મંજૂરી મળી હતી. આ રસી 12 વર્ષથી વધુ વયનાં બાળકોને આપી શકાશે. દેશમાં અત્યારસુધી ગંભીર બીમારી ધરાવતા લોકોને રસી અપાતી હતી, જેમ કે 45 કરતા વધુ વયના લોકોના કેસમાં થયું હતું.

બાળકો માટેની 4 રસી, હાલ 2ને મંજૂરી મળી
હાલ દેશમાં બાળકો માટેની કુલ 4 રસી પર કામ ચાલી રહ્યું છે, જેમાંથી 2 રસીને મંજૂરી મળી ચૂકી છે. મંગળવારે મંજૂરી મેળવનાર કોવેક્સિનના બે ડોઝ અપાશે. ઝાયકોવ-ડી 12 વર્ષથી વધુ વયના લોકો માટે છે, જેના ત્રણ ડોઝ અપાશે. કંપનીએ મહિનામાં 1 કરોડ ડોઝ બનાવવાનો દાવો કર્યો છે. આ ઉપરાંત સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કોવાવેક્સ રસીની દેશમાં 23 જગ્યાએ ટ્રાયલ ચાલી રહી છે. જ્યારે હૈદરાબાદની કંપની બાયોલોજિકલ-ઇ દ્વારા કોર્બેવેક્સ બનાવવામાં આવી રહી છે જેની દેશમાં 10 સ્થળે ટ્રાયલ થશે.