વિદ્યાર્થીઓના વેક્સિનેશનનો વારો:ગુજરાતમાં આવતીકાલથી 35 લાખ બાળકોનું વેક્સિનેશન, એક ક્લિકથી જાણો રજિસ્ટ્રેશનથી લઈને વેક્સિન લેવા સુધીની સંપૂર્ણ પ્રક્રિયા

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે
  • 3થી 9 જાન્યુઆરી દરમિયાન ખાસ રસીકરણ અભિયાન માટે આજથી રજિસ્ટ્રેશન શરૂ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બાળકોમાં રસીકરણની જાહેરાત કર્યા બાદ ગુજરાત સહિત દેશભરના વાલીઓને મનમાં સતત વેક્સિન કેવી રીતે અપાશે તે અંગે સવાલે ઉઠી રહ્યા છે. રાજ્યમાં આગામી 3થી 9મી જાન્યુઆરી, 2022થી ખાસ મેગા ડ્રાઈવના ભાગરૂપે 15-18 વર્ષ વય જુથના બાળકોને કોવિડ-19ની કોવેક્સિન રસી મુકવામાં આવનાર છે. આ કેમ્પેઇનમાં રાજ્યમાં આશરે 35 લાખથી વધુ બાળકોને રસી આપવામાં આવશે. આ માટે સમગ્ર રાજ્યમાં 3 જાન્યુઆરી 2022થી શાળા અને અન્ય સ્થળે જ્યાં આ વય જૂથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને પ્રકારે વેક્સિન લઈ શકશે.

શાળામાં વેક્સિનેશન કેવી રીતે થશે?
શાળાઓમાં વેક્સિનેશન પ્રક્રિયા સોમવારથી શરૂ થઈ રહી છે, આ માટે ઘણી સ્કૂલોએ અત્યારથી વાલીઓ પાસેથી સંમતિ પત્રક મગાવવાનું શરૂ કરી દીધું છે. શાળામાંથી વેક્સિને લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓનું ત્યાં જ રજીસ્ટ્રેશન કરાશે અને રસી અપાશે. આ માટે સ્કૂલના 3-4 રૂમનો ઉપયોગ કરાશે. જેમાં એક રૂમમાં રજીસ્ટ્રેશનની પ્રોસેસ રહેશે. બીજા રૂમમાં વેક્સિન અપાશે અને અન્ય રૂમમાં વિદ્યાર્થીઓને ઓબ્ઝર્વેશન રૂમમાં રાખવામાં આવશે.

પુરાવા ન હોય તો મોબાઈલ નંબરથી રસી
રસીકરણ માટે 1લી જાન્યુઆરીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયુ છે, તેમજ ઓન ધ સાઈટ પર પણ રજિસ્ટ્રેશન કરી શકાશે. રજીસ્ટ્રેશન સમયે આધારકાર્ડ, વાહનનું લાઈસન્સ હોય તો તેનાથી રજીસ્ટ્રેશન થશે. આવા કોઈ પુરાવા ન હોય તો પણ બાળક રસીથી વંચિત ન રહે એ માટે કોઈ એક મોબાઈલ નંબર આપવાનો રહેશે. જેમાં માતા-પિતા, મિત્ર કે શાળાના શિક્ષક-આચાર્યનો મોબાઇલ નંબરથી પણ રજિસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

સ્કૂલના આઈકાર્ડનો પણ ઉપયોગ કરી શકાય
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈન મુજબ, લાભાર્થી પોતાના સ્કૂલના આઈ કાર્ડનો ઉપયોગ કરીને CoWIN પર હાલના એકાઉન્ટના માધ્યમથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકે છે. બાળકોના રજીસ્ટ્રેશન માટે પોતાના માતા-પિતાના હાલના CoWIN એકાઉન્ટનો ઉપયોગ પણ કરી શકાય છે.

સમગ્ર વિશ્વમાં હાલ 100થી વધુ દેશો કોરાનાની રસી બાળકોને આપી રહ્યાં છે
યુનિસેફ દ્વારા વિશ્વના 105 દેશોમાં નોંધાયેલા 115 મિલિયન કોરાનાના કેસનો અભ્યાસ કરીને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ મુજબ 20 વર્ષની અંદરની વ્યક્તિને થયેલા કોરોનાના સંક્રમણ માટે 16 ટકા કોરોનાના કેસ જ જવાબદાર છે. આ સિવાય કોરોનાના સંક્રમણનો ભોગ બનતા મોટાભાગના બાળકોમાં કોરોનાના કોઈ પણ લક્ષણો જોવા મળતા નથી. હાલ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન(WHO) દ્વારા બાળકોની ત્રણ રસીને માન્યતા આપવામા આવી છે. આ રસીમાં ફાઈઝર-બાયોટેક વેક્સિન, સિનોફાર્મ વેક્સિન અને સિનોવેક વેક્સિન સામેલ છે. કેટલાક દેશો બાળકો અને પુખ્તવયની વ્યક્તિને ફાઈઝર-બાયોટેક વેક્સિનના બે સંપૂર્ણ ડોઝ આપે છે. જ્યારે કેટલાક દેશ વેક્સિનનો એક જ ડોઝ આપે છે. લંડન સ્કુલ ઓફ હાઈજીન એન્ડ ટ્રોપિકલ મેડિસિનના જણાવ્યા અનુસાર, હાલ 18 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓ માટેની 20 વેક્સિનનું ક્લિનિકલ ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...