અમદાવાદમાં વેક્સિનેશન:શહેરમાં 25289 લોકોનું વેક્સિનેશન, મહિલાઓ કરતાં પુરૂષની સંખ્યા વધારે, શહેર કોંગ્રેસે મેયરને વેક્સિનનો જથ્થો ખૂટતાં આવેદન આપ્યું

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન - Divya Bhaskar
વેક્સિનેશન
  • અત્યાર સુધી 12,170 સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ
  • મહાઅભિયાન શરૂ થયાના ચાર દિવસમાં જ વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો
  • સોમવારે મ્યુનિ.ને કોવિશીલ્ડના 22 હજાર અને કોવેક્સિનના 6 હજાર ડોઝ મળ્યા

કોરોનાની બીજા લહેર બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રાજ્ય સરકારે તૈયારીઓના ભાગરૂપે લોકોને વેક્સિન આપવા માટે વેક્સિનેશન મહા અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ સરકાર પાસે રસીનો સ્ટોક જ ઉપલબ્ધ નથી. જેથી મહા અભિયાન હવે અભિયાન જેવું પણ રહ્યું નથી. ત્યારે શહેર કોંગ્રેસે મેયર કિરીટ પરમારને વેક્સિનનો જથ્થો ખૂટતાં આવેદન આપ્યું છે. આજે મંગળવારે અમદાવાદ શહેરના 100થી ઓછા વેક્સિનેશન કેન્દ્રો ઉપર ફક્ત 25,289 લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં 14,234 પુરૂષ અને 11, 055 મહિલાઓનો સમાવેશ થાય છે. 18થી 44 વય જૂથના 12, 829 અને 45 વર્ષ ઉપરના 8284 લોકોને વેક્સિન અપાઈ હતી. 60 વર્ષથી ઉપરના માત્ર 1897 લોકોને જ વેક્સિન આપવામાં આવી હતી. મંગળવારે 1157 જેટલા સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન આપવામાં આવી હતી. અત્યાર સુધી 12,170 સુપર સ્પ્રેડર કેટેગરીમાં આવતા લોકોને વેક્સિન અપાઈ ચૂકી છે.

કોંગ્રેસ દ્વારા મેયરને વેક્સિન ખૂટતાં આવેદન
અમદાવાદ શહેરમાં વેક્સિનેશન કેન્દ્ર પર વેક્સિન ખૂટી પડતા નાગરિકો વેક્સિન લઈ શક્યા નથી. જેને લઈ આજે અમદાવાદ શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા મેયર કિરીટ પરમારને આવેદનપત્ર આપવામા આવ્યું હતું. કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી છે કે તંત્ર દ્વારા વેપારીઓ અને ઓફિસમાં લોકોને ફરજિયાત વેક્સિન માટે નિયમો લાગુ કર્યા છે અને વેપારીઓ તેમજ લોકો વેક્સિનેશન સેન્ટર પર લાઈનો લગાવે છે. ધક્કા ખાય છે પરંતુ વેક્સિન ઉપલબ્ધ ન હોય નિરાશ થઈ પરત ફરવું પડે છે. ભાજપના સત્તાધીશો અને કોર્પોરેટરો દ્વારા નાગરિકોને વેક્સિન આપવા બદલ સરકારનો આભાર માનતા બોર્ડ લગાવ્યા છે જે નિંદનીય છે. ઝડપથી લોકોને વેક્સિનના ડોઝ મળે તેવી વ્યવસ્થા કરવાની કોંગ્રેસે રજૂઆત કરી હતી.

શહેર કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન અપાયું છે
શહેર કોંગ્રેસ દ્વારા મેયરને આવેદન અપાયું છે

ગાંધીનગરથી રોજેરોજનો વેક્સિનનો સ્ટોક આવી રહ્યો છે
રાજ્યમાં લોકોને વેક્સિન લેવા માટે તૈયાર ત્યારે વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ બંધ થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી કોવિન પોર્ટલ પર વેક્સિન માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ રહ્યું નથી. સોમવારે સાંજે પાંચ કલાકે અમદાવાદમાં કોવિશીલ્ડનો એક પણ ડોઝ બચ્યો ન હતો. અમદાવાદમાં સોમવારે સાંજે કોવેક્સિનના 1640 ડોઝનો સ્ટોક બચ્યો હતો. અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસમાં 400 રસી કેન્દ્રો ઉપર કુલ 81 હજાર લોકોને વેક્સિન આપી હતી. સોમવાર મોડી સાંજે અમદાવાદ મ્યુનિ.ને કોવિશીલ્ડ 22 હજાર અને કોવેક્સિન 6 હજાર ડોઝ મળ્યા હતા. મ્યુનિ.ના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી સેન્ટ્રલ સ્ટોર પાસે વેક્સિનનો ચાર દિવસનો એડવાન્સ સ્ટોક રહેતો હતો, પણ હવે ગાંધીનગરથી રોજેરોજનો સ્ટોક આવી રહ્યો છે. એક લાખ વેક્સિનની માગણી સામે સોમવારે ફકત 28 હજાર વેક્સિન આપી હતી. મહાઅભિયાન શરૂ થયાના ચાર દિવસમાં જ વેક્સિનનો સ્ટોક ખૂટી પડ્યો છે.

સોમવાર સાંજ સુધી 3,76,350 વેક્સિન સ્ટોકમાં હતી
રાજ્યમાં ત્રણ-ત્રણ લાખ વેક્સિનનો એડવાન્સ સ્ટોક રહેતો હતો. ત્યાં હવે સોમવારે ફકત 82,350નો સ્ટોક બચ્યો હતો. જેમાં કોવિશીલ્ડ 14,410 અને કોવેક્સિન 67,940નો સમાવેશ થયો હતો. સોમવારે કેન્દ્રમાંથી 2.94 લાખ વેક્સિનનો સ્ટોક આવ્યો હતો. આમ સોમવાર સાંજની સ્થિતિએ રાજ્ય પાસે કોવિશીલ્ડ 2,21,865 અને કોવેક્સિન 79,235 આમ કુલ 3,76,350 વેક્સિન સ્ટોકમાં હતી.

NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી આવેદન પત્ર આપવામાં આવ્યું
NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી આવેદન પત્ર આપવામાં આવ્યું

UG અને PGની પરીક્ષા રદ કરવા તથા ફ્રી વેક્સિનેશન કરવા NSUIની માંગણી
સરકાર દ્વારા તમામ યુનિવર્સિટીમાં ઑફલાઈન પરીક્ષા માટે આદેશ આપ્યા છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટીની પણ 6 જુલાઈથી ઓફલાઈન પરીક્ષા શરૂ થવાની છે. હાલ વેક્સિનેશન પણ ચાલી રહ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થીઓની ફ્રીમાં વેક્સિનેશન કરવા તથા UG અને PGની ઓફ્લાઈન પરીક્ષા રદ કરવા NSUIએ માંગણી કરી છે. NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં UG અને PGની ઓફલાઈન પરીક્ષા માટે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તો ઓફલાઈન પરીક્ષા રદ કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પાસેથી જે ફી વસૂલવામાં આવી છે. તેની સામે વિદ્યાર્થીઓને જે તે કોલેજમાં જ ફ્રીમાં વેક્સિન આપવામાં આવે છે.અત્યારે કોરોનાની ત્રીજી લહેર આવવાની છે તો આ વિદ્યાર્થીઓના હિતમાં ઓફલાઈન પરીક્ષા ના યોજવી તેવી NSUI દ્વારા માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...