બારકોડ બન્યું મુસીબત:અમદાવાદ આવેલું કેનેડિયન ફેમિલી વેક્સિનેશન સર્ટિફિકેટમાં બારકોડ ન હોવાથી ફસાયું, કેનેડાની ગવર્નમેન્ટે હાથ અધ્ધર કર્યા

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: અદિત પટેલ
  • કેનેડિયન PR ધરાવતાં પતિ-પત્નીએ ફાઇઝરની વેક્સિન લીધી હતી
  • ભારતથી કેનેડાની સીધી કોઈ ફ્લાઈટ હાલ નથી, તેથી થર્ડ કન્ટ્રી થઈને જવું પડે છે
  • કેનેડા જવા દોહા એરપોર્ટ પર બારકોડ સ્ટિકર માગવામાં આવે છે
  • બારકોડ માટે કેનેડિયન સિટિઝનને મદદ કરવા તૈયારી, પણ PRને નહીં
  • કેનેડિયન PRએ દોહા થઈ કેનેડા જવાનું નક્કી કર્યું તો એરપોર્ટ પર પહોંચતાં મનાઈ ફરમાઈ

અમદાવાદમાં કેનેડાના PR(પર્મન્ટ રેસિડેન્ટ) ધરાવતો પરિવાર આવ્યો છે, પરંતુ હાલમાં તે કેનેડાની ફાઈઝરની વેક્સિન લીધા બાદ તેના સર્ટિફિકેટમાં બારકોડ સ્ટિકર ન હોવાથી કેનેડા પરત જઈ શકતું નથી. આ પરિવાર માટે બારકોડ સ્ટિકરે મુશ્કેલી ઊભી કરી છે. ભારતથી સીધી ફ્લાઈટ ન હોવાથી ડાયરેક્ટ કેનેડા જઈ શકાતું નથી. ત્યારે તમામ ડોક્યુમેન્ટ હોવા છતાં માત્ર સ્ટિકરને કારણે દોહા એરપોર્ટ પર આ પરિવારને પરત અમદાવાદ મોકલી દેવાયો છે. કેનેડાની એમ્બેસીએ પણ મદદની ના પાડી દીધી છે.

વેક્સિનેશનના સર્ટિ.માં બારકોડ સ્ટિકર ન હોવાથી ફસાયા
કોરોનાને કારણે ઘણી વ્યવસ્થાઓ બદલાઈ ગઈ છે, જેમાં માત્ર રહેણીકરણી નહીં, પરંતુ દેશવિદેશમાં કોરોનાને લઈને પોતાની અલગ-અલગ પોલિસી બનાવી છે, જેથી તેઓ તેમના સિટિઝનને સુરક્ષિત રાખી શકે. ત્યારે અમદાવાદમાં આવી જ રીતે કોરોનાની વિદેશની પોલિસીનો ભોગ બનેલા એક પરિવારના 2 કેનેડિયન PR સભ્ય હવે અટવાયા છે, જેમાં તેઓ કેનેડાના PR(પર્મન્ટ રેસિડેન્ટ) છે. તેઓ કોઈ કારણોસર થોડા સમય પહેલાં ઇન્ડિયા આવ્યા હતા.

અમદાવાદથી પતિ-પત્ની વાયા દોહા થઈ કેનેડા જતાં હતાં.
અમદાવાદથી પતિ-પત્ની વાયા દોહા થઈ કેનેડા જતાં હતાં.

પરિવારે કેનેડામાં વેક્સિનનો ડોઝ લીધો હતો
તેમણે કેનેડામાં જ અગાઉ P-FIZER વેક્સિન લીધી હતી. ત્યારે કેનેડાની ગવર્નમેન્ટે તેમને તેનું સર્ટિફિકેટ પણ ઉપલબ્ધ કરાવ્યું હતું. તેઓ હવે કેનેડા પાછાં જવા માટે તૈયારીઓ કરી ત્યારે વેક્સિનેશન સર્ટિફિકેટમાં માત્ર બારકોડ ન હોવાને કારણે તેમને કેનેડા જવા માટે મુશ્કેલીઓ પડી રહી છે. હાલ ઇન્ડિયા અને કેનેડા વચ્ચે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી, તેથી હવે કોઈને પણ કેનેડા જવું હોય તો તેને થર્ડ કન્ટ્રીનો સહારો લેવો પડે છે, જેમાં કટાર, માલદિવ્સ, સાઇબેરિયા અને મેક્સિકો વગેરે કન્ટ્રી થઈ કેનેડા જવું પડે છે.

કતારના દોહા એરપોર્ટથી કેનેડા જતાં ખર્ચ ઓછો થાય છે
આ અનેક દેશોમાં અલગ અલગ પોલિસી છે ત્યારે આ 2 વ્યક્તિએ જ્યારે કતારના દોહા એરપોર્ટ થઈને કેનેડા જવા માટે તૈયારી બતાવી ત્યારે તેઓ તમામ ડોક્યુમેન્ટ સાથે અમદાવાદ એરપોર્ટ પહોંચ્યાં હતાં. ત્યાર બાદ ત્યાંથી દોહા એરપોર્ટ પર. ત્યાં વેક્સિનેશન બારકોડ સ્ટિકર ન હોવાથી તેમને ના પાડી દેવામાં આવી હતી અને એરપોર્ટ પરથી ઘરે જ પાછા ફરવું પડ્યું હતું. હવે કેનેડા માટે દોહાએ જ એવી જગ્યા છે, જ્યાંથી કેનેડાની ફ્લાઇટ ઝડપી મળી રહે છે અને એમાં બીજા દેશ કરતાં ખર્ચો ઓછો થાય.

દંપતીએ કેનેડામાં ફાઇઝરની વેક્સિન લીધી હતી, પરંતુ તેનું બારકોડ સર્ટિફિકેટ નથી.
દંપતીએ કેનેડામાં ફાઇઝરની વેક્સિન લીધી હતી, પરંતુ તેનું બારકોડ સર્ટિફિકેટ નથી.

ચાર્ટડ ફ્લાઈટમાં જવું પડે એવી સ્થિતિ
પરિવારના બંને સભ્યએ આ મામલે કેનેડા એમ્બેસી દિલ્હીને રજૂઆત કરી હતી. આથી કેનેડાના ઓટાવામાં આવેલી એમ્બેસીમાં પણ રજૂઆત કરી તો તેમણે પણ હાથ ઊંચા કરી લીધા હતા. એમ્બેસી દ્વારા કહેવામાં આવ્યું કે અમે કેનેડા સિટિઝનની મદદ કરીએ, તમે સિટીઝન નથી. જેથી હવે આ 2 કેનેડિયન PR ઇન્ડિયામાં અટવાયા છે. હવે તેઓ પાંચ ગણા પૈસા ખર્ચીને ચાર્ટડ ફ્લાઇટમાં ત્યાં જવા માટે કવાયત કરી રહ્યા છે.

કેનેડામાં વેક્સિનેશન સર્ટિફિકેટમાં બારકોડ નથી
આ મામલે કેનેડિયન PR શ્વેતા દવેએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમે જ્યારે ઇન્ડિયા આવ્યા હતા ત્યારે તમામ ગાઈડલાઈન્સ મુજબ વેક્સિનેશન અને RT-PCR રિપોર્ટ કરાવીને આવ્યા હતા. હવે અહીંથી પાછા જવું છે. તો આ બારકોડ અમારા માટે અવરોધ બન્યો છે. અમને કેનેડિયન ગવર્નમેન્ટે વેક્સિનેશન વખતે જે સર્ટિફિકેટ આપ્યું હતું એમાં એ સમયે બારકોડ ન હતો અને આજે પણ તેઓ નથી આપતા, પરંતુ બીજા દેશની પોલિસી અલગ છે. તેઓ બારકોડ માગે છે. મારું માનવું છે કે અમને જે સરકારે વેક્સિન આપી હોય તેની જવાબદારી છે કે બારકોડ ઉપલબ્ધ કરાવે અથવા તેઓ અમને આ જ સર્ટિફિકેટના આધારે કેનેડા જવા માટે મદદ કરે.

કેનેડિયન PR શ્વેતા દવેએ પતિ સાથે દોહાથી કેનેડાને બદલે ભારત પરત ફરવું પડ્યું છે.
કેનેડિયન PR શ્વેતા દવેએ પતિ સાથે દોહાથી કેનેડાને બદલે ભારત પરત ફરવું પડ્યું છે.

ચાર્ટડ ફ્લાઈટમાં જવા પ્રયાસ કરીશું
શ્વેતાએ વધુમાં જણાવ્યું હતું કે અમે તેમનો સંપર્ક કર્યો તો તેમણે અમને એવું કહ્યું કે તમે કેનેડાના સિટિઝન નથી. એટલે અમે તમને મદદ નહીં કરીએ. આવી રીતે તેઓ જવાબદારીથી હટી ન શકે અને બીજું અમે પહેલાં જે ટિકિટના રૂ. 50 હજાર ચૂકવવતા હતા એના આજે રૂ. 2.50 લાખથી લઈને 5 લાખ ચૂકવવા છતાં પણ આ મુસીબત છે. હવે આખરે અમે પાંચ ઘણું ભાડું આપીને ચાર્ટડ ફ્લાઇટમાં જઈશું, એ પણ હવે જ્યારે બીજા પેસેન્જર તૈયાર થાય ત્યારે જશે.

કેનેડા વેક્સિન આપે તો એની સમસ્યાનું સમાધાન પણ કરે
કેનેડિયન PRના પરિવારના વડીલ મુકેશભાઈએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારો પુત્ર અને તેની વાઈફ એ બંને કેનેડિયન PR છે. તેઓ હવે માત્ર વેક્સિનેશન સર્ટિફિકેટમાં બારકોડને કારણે અટવાયાં છે. આવા કેનેડા જેવા વિકસિત દેશે નાના-મોટા દેશના નાગરિકને સરળતા રહે એવી પોલીસી બનાવી જોઈએ. દોહા એરપોર્ટ પણ પોતાના દેશની અલગ પોલિસી બતાવે છે, એમાં પણ ક્યાંક એવો બારકોડ ફરજિયાત હોય એવો ઉલ્લેખ નથી. તેમ છતાં તેઓ ના પડે છે. કેનેડા ગવર્નમેન્ટની જવાબદારી છે કે વેક્સિન આપે તો એને લગતી સમસ્યાનો નિકાલ પણ તેમને કરવાનો હોય છે. આજે પાંચ લાખ ખર્ચતાં પણ આવી મુશ્કેલી પડે છે. આવી પોલિસી શું કામની, જેમાં લોકોને જ હેરાન થવું પડે.