તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન લેવા ડોક્ટરોની અપીલ:ડો.માત્રાવડિયાએ કહ્યું-વેક્સિન લીધા પછી વેન્ટિલેટરની જરૂર પડે એવો કોરોના થતો નથી, વેક્સિનેશન બાદ કોરોના થયો, પણ બે દિવસમાં સાજો થયોઃ ડો. મહેન્દ્ર ચૌહાણ

અમદાવાદ2 મહિનો પહેલા
  • રાજ્યમાં મેથી 18થી ઉપરની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત થશે
  • 28 એપ્રિલથી વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન શરૂ થશે
  • સરકારી કેન્દ્રો પર ફ્રીમાં વેક્સિન આપવામાં આવશે

જિજ્ઞેશ કોટેચા, અનિરુદ્ધસિંહ મકવાણા, દેવેન ચિત્તે: સમગ્ર દેશની સાથે સાથે ગુજરાતમાં હાહાકાર મચાવી રહેલા કોરોનાને નાથવા સોશિયલ ડિસ્ટન્સિગ, માસ્ક અને સેનિટાઇઝરની સાથે સાથે જો કોઈ બીજું હથિયાર હોય તો એ વેક્સિન છે. જો 70 ટકા વસતિનું વેક્સિનેશન થઈ જાય તો હર્ડ ઈમ્યુનિટી આવી જશે. હાલ રાજ્યમાં દરરોજ 150થી વધુ મોત અને 14 હજારથી વધુ લોકો સંક્રમિત થઈ રહ્યા છે તેમજ ઓક્સિજન, ઈન્જેક્શન અને બેડ વિના દર્દીઓ ટળવળી રહ્યા છે. જો આ પરિસ્થિતિમાંથી બહાર આવવું હોય તો વેક્સિન...વેક્સિન...વેક્સિન સિવાય કોઈ ઈલાજ નથી. 1 મેથી 18થી ઉપરની ઉંમરના તમામ લોકોને વેક્સિન આપવાની શરૂઆત થઈ રહી છે, જેના માટે 28મીથી રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. આ વેક્સિન ડ્રાઈવને પગલે DivyaBhaskar વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા માટે એક સિરીઝ ચલાવી રહ્યું છે, જેમાં આજે ડોક્ટરોએ એના વિશે તેમનાં મંતવ્યો આપ્યાં છેઃ

વેક્સિન લીધી હોવાથી કોરોનાની ખૂબ ઓછી અસર જોવા મળી
આ અંગે સુરતના ડૉ.મહેન્દ્ર ચૌહાણે જણાવ્યું હતું કે વેક્સિનેશન કરાવવું ખૂબ જરૂરી છે. હું પોતે વેક્સિનના બે ડોઝ લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યો હતો, પરંતુ એ લીધી હોવાના કારણે કોરોના સંક્રમણની અસર ખૂબ ઓછી જોવા મળી હતી અને હું ઘરે જ સારવાર લઈને સાજો થઈ ગયો હતો, તેથી આ મારો વ્યક્તિગત અનુભવ છે. હું તમને કહું છું કે વેક્સિનેશન કરાવવાથી કોરોના સંક્રમણમાંથી મુક્તિ મળી શકે છે.

મેં અને મારા પરિવારે વેક્સિન લીધી છેઃ ડો.માત્રાવડિયા
રાજકોટની વોકહાર્ટ્સ હોસ્પિટલના ઈમર્જન્સી મેડિસિનના વડા ડો. ચિરાગ માત્રાવડિયાએ વેક્સિન અંગે વાત કરતાં જણાવ્યું હતું કે વેક્સિનને લઇ ઘણી અફવાઓ ચાલી રહી છે. એના પર ધ્યાન ન દેવું જોઈએ અને વેક્સિન લેવી જોઈએ. મેં અને મારા સમગ્ર પરિવારે વેક્સિન લીધી છે. મને બન્ને ડોઝ લીધા પછી કોવિડ થયો પણ માઇલ્ડ સિમ્પ્ટોમ્સ હતાં, જેમાં શરદી, ઉધરસ અને ગળામાં ખારાસ જેવાં લક્ષણો હતાં, પરંતુ આજે હું સ્વસ્થતા અનુભવું છું. વેક્સિન લીધા પછી કોઇને ICU કે વેન્ટિલેટરની જરૂરિયાત ઊભી થાય એવો સિરિયસ કોવિડ થતો નથી. તમામ લોકોને અવશ્ય વેક્સિન લેવા અપીલ કરું છું.

રસી લેવાથી કોરોના ફેલાવાનું પ્રમાણ ઓછું થઈ જાય છેઃ ડો.મમતા શાહ
અમદાવાદના કોસ્મેટોલોજિસ્ટ ડો.મમતા શાહે જણાવ્યું હતું કે કોરોનાથી બચવા માટે એકમાત્ર ઉપાય કોરોના વેક્સિનેશન છે. કોરોનાની રસી લેવાથી કોરોના ફેલાવવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે. વેક્સિન લીધા બાદ કોરોના થાય તો રિકવરી ઝડપી અને હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે. વેક્સિનેશનની આડઅસર થતી નથી. માસ્ક, સેનિટાઇઝેશન અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે.

કોરોના વેક્સિન અન્ય વેક્સિનની જેમ ફાયદાકારક છેઃ ડો.જલદીપ દલાલ
જ્યારે અમદાવાદના ENT સર્જન એવા ડોક્ટર જલદીપ દલાલે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન લેવી જ જોઈએ. વેક્સિન લેવા માટે ગેરમાન્યતાઓ છે, જેને કારણે લોકોમાં ભય છે, પરંતુ કોરોના વેક્સિન અન્ય વેક્સિનની જેમ ફાયદાકારક છે અને ગંભીર પ્રકારના કોરોના સામે રક્ષણ આપે છે. વેક્સિન લઈ રોગ સામે રક્ષણ મેળવવામાં સમાજને સહયોગી બનવું જોઈએ.

સામાન્ય આડઅસરને કારણે વેક્સિન ન લેવી મોટી ભૂલઃ ડો. સોનિતા ત્રિવેદી
અમદાવાદનાં બાળરોગ નિષ્ણાત ડોક્ટર સોનિતા ત્રિવેદી દલાલે જણાવ્યું હતું કે કોરોના વેક્સિન દરેક લોકોએ લેવી જ જોઈએ. વેક્સિન લેવાથી કોરોનાથી બચી શકાય છે. વેક્સિન લેવાને કારણે સામાન્ય કોરોનાથી 70 ટકા અને ગંભીર પ્રકારના કોરોનાથી 99 ટકા રક્ષણ મળે છે. વેક્સિન લેવાથી સામાન્ય આડઅસર જેવી કે તાવ આવવો, માથું દુખવું એવું થાય, પરંતુ એ થોડો સમય રહે છે, જેથી વિશ્વમાં ફેલાયેલા આવા ગંભીર કોરોનાના રોગ સામે સામાન્ય આડઅસરના કારણે વેક્સિન ન લેવી મોટી ભૂલ છે

મારાં માતા-પિતા અને હોસ્પિટલના સ્ટાફને વેક્સિન અપાવીઃ ડો. મયંક ઠક્કર
રાજકોટની પરમ કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડો. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે બધા લોકોએ વેક્સિન અવશ્ય લેવી જોઈએ મેં પણ વેક્સિન લીધી છે. મારાં માતા-પિતા, સાસુ-સસરા અને હોસ્પિટલના તમામ તબીબી સ્ટાફને વેક્સિન અપાવડાવી છે. વેક્સિન લીધા પછી પણ કોરોના થાય છે, પરંતુ એનાથી માઇલ્ડ સિમ્પ્ટોમ્સ જણાય છે, ગંભીર કે અતિગંભીર સ્થિતિ થતી નથી. વેક્સિન લીધા બાદ ગંભીર લક્ષણો નહિવત દર્દીમાં જોવા મળે છે.

જ્યારે વેક્સિન લેવાથી મૃત્યુ થવાના કોઇ ચાન્સ જણાતા નથી, પરંતુ એક વાત ચોક્કસ છે કે વેક્સિન લીધા બાદ પણ કોવિડ ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઈએ, જેમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટાઇઝરનો ઉપયોગ કરવો ફરજિયાત છે, જેનું પાલન ન થતું હોવાને કારણે લોકો સંક્રમિત થઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...