વેક્સિનેશન બાદ ગુજરાતના ગામ:આદિવાસીઓની ભાષામાં ગીતો રચી રસીકરણ જાગૃતિ અભિયાન, હોસ્પિટલોમાં બેડ ખાલી, બજારો-બાગ, બગીચામાં રોનક પાછી ફરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દક્ષિણ ગુજરાતનાં 74% ગામોમાં પ્રથમ ડોઝનું 100% રસીકરણ, વ્યારા જિલ્લામાં સૌથી વધુ 92%

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે લોકો નિશ્ચિંત થઈને રજાઓ માણે છે તો બાગબગીચામાં પહેલાની જેમ વડીલો ટહેલતા, ગપશપ કરતા જોવા મળે છે. જ્યારે અગાઉ સૂના પડેલા બજારો ફરી ધમધમતા થયા છે. આ કમાલ છે રસીકરણનો. દક્ષિણ ગુજરાતના મહત્તમ જિલ્લા પણ 100 ટકા રસીકરણ ભણી આગળ વધી રહ્યાં છે. દ.ગુજરાતના પાંચ જિલ્લામાં સરેરાશ 74 ટકા ગામોમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થઈ ગયું છે, જેમાં સૌથી વધુ આદિવાસી બહુસંખ્યક તાપી જિલ્લામાં 92 ટકા ગામોમાં તો આદિવાસી બહુસંખ્યક જ એવા ડાંગ જિલ્લામાં સૌથી ઓછુ 25 ટકા ગામોમાં જ 100 ટકા રસીકરણ થયું છે. ઓગસ્ટ બાદ રસીકરણ ઝડપી બન્યું છે, જેમાં વડાપ્રધાનના જન્મદિને પ્રથમ મેગા ડ્રાઈવ અને 10 ઓકટોબરે બીજી મેગા ડ્રાઈવ ‘ગેમ ચેન્જર’ સાબિત થઈ છે. તેજ ગતિએ રસીકરણને કારણે ભયનો માહોલ દૂર થયો છે.

સુરત જિલ્લાનાં 696 ગામોમાંથી 562 ગામમાં 100% પ્રથમ ડોઝ
સુરત જિલ્લામાં 89 ટકા વેક્સિનેશન થઈ ગયું છે. સુરત જિલ્લામાં 9 તાલુકાના 696 ગામડા છે. જેમાં 562 ગામોમાં 100 ટકા વેક્સિનશન થઈ ગયું છે. જિલ્લાના મુખ્ય તાલુકા મથક સમાન બારડોલીમાં પણ 92 ટકા વેક્સિન થઈ ચૂક્યું છે. કોરોનાનો ડર લોકોમાંથી ગાયબ થઈ રહ્યો છે કારણ પહેલા માસ્ક વગરના ભાગ્યે જ જોવા મળતા હતા. બારડોલીનું બાબેન ગામ 100 ટકા રસીકરણ ધરાવનાર પ્રથમ ગામ છે. જિલ્લામાં માત્ર 11 ટકા લોકોની રસી બાકી છે. હવે રોજ કોરોનાના માંડ 2-3 કેસ નોંધાય છે.

નવસારીના 22 ગામમાં 20 દિવસ અગાઉથી જ 100% રસીકરણ
નવસારી જિલ્લામાં રસી મુકવાની કામગીરી 4 જૂનના રોજ શરૂ થઈ હતી. એક જ મહિનામાં 6 જુલાઈએ જલાલપોર તાલુકાનું ભૂતસાડ ગામ જિલ્લાનું 100 ટકા રસીકરણવાળું ગામ બની ગયું હતું. ખેરગામ તાલુકાના તમામ 22 ગામોમાં 100 ટકા રસીકરણ 20 દિવસ અગાઉનું થઈ ગયું છે. 2 ગામો એવા પણ છે જેમાં વધુ લોકોએ એક પણ ડોઝ લીધો નથી. જેમાં ડાભેલ અને વાંસદાનો સમાવેશ થાય છે. જિલ્લામાં 100 ટકા રસીકરણથી વંચિત એવાં માત્ર 44 ગામો છે.

વલસાડ જિલ્લો કોરોનાનો ભય દૂર થતા સ્કૂલોમાં 100 ટકા હાજરી
વલસાડ જિલ્લામાં કુલ 468 ગામ પૈકી 311 ગામમાં પ્રથમ ડોઝનું 100 ટકા રસીકરણ થયું છે. સૌપ્રથમ વલસાડ તાલુકાના ઉંટડી ગામમાં 13 જુલાઇએ 100 ટકા વેક્સિનેશન થયું હતું. હવે ગામની શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા પણ 100 ટકા જોવા મળી છે. બીજી તરફ સૌથી ઓછું માત્ર 19.43% વેક્સિનેશન કપરાડા તાલુકાના અંતરિયાળ પીપરોટી ગામમાં થયું છે. ઉંટડી ગામમાં બે મહિના પહેલા 100% રસીકરણ તો પીપરોટીમાં માત્ર 19 ટકાને રસી.

તાપીમાં અંધશ્રદ્ધા મોટો અવરોધ હતો,જાગૃતિ બાદ સ્થિતિ બદલાઈ
આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં આરોગ્ય વિભાગ પોલીસ તંત્રને વહીવટ વિભાગે સ્થાનિક ભાષામાં લોકગીતો રચી લોકોને રસી માટે પ્રોત્સાહિત કર્યા. એ પછી રસીકરણમાં ઝડપ આવી. હાલ જિલ્લામાં પ્રથમ ડોઝના 103.7 % વેક્સિનશન થયું છે. જિલ્લાના સાત તાલુકાના 480 ગામોમાં તો પ્રથમ ડોઝના 100 % વેક્સિનેશનની કામગીરી પૂર્ણ થઈ છે. જિલ્લામાં કુલ 89 % વેક્સિનેશન થયું છે. વ્યારા તાલુકાના 91માંથી 89 ગામમાં 100 ટકાને રસી મળી છે.

ડાંગના લોકોમાં રસીનો ભય દૂર કરવા ઘરે જઈ સમજાવવા પડ્યા
ડાંગમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન સૌથી પહેલા ઉમરીયા અને ભૂંરભેડી ગામોમાં થયું હતું,જ્યારે સૌથી ઓછું વેક્સિનેશન સુબીર તાલુકામાં છે. સુબીર તાલુકામાં લોકોમાં વેક્સિનેશનને લઇને ભય ફેલાયેલો હતો અને માન્યતાઓના લીધે ઓછુ વેક્સિનેશન થયું છે. લોકોમાં રસીનો ભય હોવાથી આરોગ્ય કર્મચારીઓને પહાડી જિલ્લામાં ઘરેઘરે જઈને સમજાવી રહ્યા છે. ડાંગ જિલ્લામાં 311 ગામમાંથી 77 ગામમાં પ્રથમ ડોઝનું 100 ટકા વેક્સિનેશન પૂર્ણ થઈ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...