અકસ્માતની સંખ્યામાં વધારો:ગુજરાતમાં ઉત્તરાયણ પર 108ને 2916 ઇમરજન્સી કોલ આવ્યા, ગત વર્ષ કરતા 278 કેસ વધુ નોંધાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં એક તરફ ઉત્તરાયણના પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ આ ઉત્સાહનો માહોલ દુ:ખમાં ફેરવાયો છે. રાજ્યમાં મોટી સંખ્યામાં લોકોને દોરી વાગવાથી ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી સામે આવી છે. 108 દ્વારા સાંજે 6 વાગે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર આ વર્ષે એટલે કે 2023માં 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 કેસ વધુ નોંધાયા છે.

સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઇમરજન્સી કોલ
ઉત્તરાયણના પર્વને લઇને રાજ્યમાં ઇમરજન્સી સેવા માટે 108 સતત કાર્યરત છે. ત્યારે 108 દ્વારા આજના દિવસના ઇમરજન્સી કોલના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં સવારે 9 વાગ્યા સુધીમાં 807 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 698 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આમ 2022ની સરખામણીએ વર્ષ 2023માં 109 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા.

બપોર 12 વાગ્યા સુધીમાં 1355 ઇમરજન્સી કોલ
જોકે, ત્યારબાદ 108 દ્વારા બપોર 12 વાગે ઇમરજન્સી કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 1355 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 1196 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આ સાથે વર્ષ 2022ની સરખામણીએ 2023માં બપોર 12 વાગ્યા સુધીમાં 159 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા.

બપોર 3 વાગ્યા સુધીમાં 2097 ઇમરજન્સી કોલ
જોકે, 108 દ્વારા બપોર 3 વાગે ઇમરજન્સી કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં 2097 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે વર્ષ 2022માં 1914 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. આ સાથે 2022ની સરખામણીએ આ વર્ષે 183 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા હતા. આમ સવારથી સાંજે 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં આજના દિવસે 2916 ઇમરજન્સી કોલ મળ્યા હતા. જ્યારે 2022માં 2638 ઇમરજન્સી કેસ નોંધાયા હતા. 2022ની સરખામણીએ 2023માં 278 ઇમરજન્સી કેસ વધુ નોંધાયા છે.

ઉત્તરાયણમાં 6 હજારથી વધુ પોલીસકર્મીઓ તૈનાત
ઉલ્લેખનીય છે કે, કોરોના બાદ 3 વર્ષે ઉત્તરાયણનો તહેવાર નિયંત્રણ વિના લોકો ઉજવી રહ્યા છે. ત્યારે તહેવારના રંગમાં ભંગ ના પડે તે માટે અમદાવાદ પોલીસ બંને દિવસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. અમદાવાદમાં ધાબા, રોડ રસ્તા, સોસાયટી સહિત તમામ જગ્યાએ પોલીસ તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. ઉત્તરાયણના બંદોબસ્ત માટે SRP અંશ રેપીડ એક્શન ફોર્સની કંપની પણ બહારથી બંદોબસ્ત માટે બોલાવવામાં આવી છે.

14 અને 15 જાન્યુ. પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત
ઉત્તરાયણમાં લોકો ધાબે સ્પીકર વગાડે, રસ્તા પર પતંગ ઉડાવે કે પતંગ પકડવા જાય, પ્રતિબંધિત દોરીથી પતંગ ના ઉડાવે, ધાબા પર ઉજવણીમાં ઝગડો ના થાય તે તમામ બાબતને ધ્યાને રાખીને અમદાવાદ પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. અમદવાદમાં 6 હજાર પોલીસકર્મીઓ, 4000 હોમ ગાર્ડ જવાન, 4 SRP કંપની, 1 RAFની કંપની સવારે 6 વાગ્યાથી સ્ટેન્ડ ટુ રાખવામાં આવી છે. 14 અને 15 જાન્યુઆરી બંને દિવસ પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા પુરી તકેદારી રાખવામાં આવી રહી છે.

ચાઇનીઝ દોરીના વેચાણ કે ખરીદી ઉપર પ્રતિબંધ
આ ઉપરાંત 17 ડિસેમ્બરથી ચાઇનીઝ કે પ્લાસ્ટિક દોરીના વેચાણ કે ખરીદી ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે ચાઈનીઝ કે પ્લાસ્ટિક દોરીનો ખરીદી કે વેચાણ કરનાર સામે કુલ 383 ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાંથી 316 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અલગ અલગ કેસ કરીને 10,737 પ્રતિબંધિત દોરીની રીલ કબ્જે કરવામાં આવી છે. કુલ 17,60,090 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...