આ વખતે 10 વર્ષની બેસ્ટ ઉત્તરાયણ:પતંગરસિયાઓને તો મજા-મજા પડી જશે, આખો દિવસ એવો તે પવન રહેશે કે ફુલ મોજ આવી જશે!

અમદાવાદએક મહિનો પહેલાલેખક: મયંક વ્યાસ

અમદાવાદીઓ જ નહીં, પરંતુ આખા ગુજરાતના પતંગરસિયાઓને આનંદમાં લાવી દે એવા એક સમાચાર છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાતીઓએ ઉત્તરાયણના દિવસે નહીં કરી હોય એટલી મજા આ વખતે આવશે. ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ એટલે કે 14મી અને 15મી જાન્યુઆરીએ પવન 10થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિનો રહેશે. એટલું જ નહીં, બંને દિવસ મહત્તમ તાપમાન 28થી 30 ડીગ્રી સેલ્સિયસની આજુબાજુ રહેશે. છેલ્લાં ચારેક વર્ષથી ઉત્તરાયણના દિવસે બપોર પછી પવન સાવ પડી જવાની રસિયાઓ ફરિયાદ કરતા હતા, એ આ વખતે દૂર થઈ જશે એ નક્કી છે.

હાલની ઠંડી-પવનના સુસવાટા 10મી પછી શમી જશે
અત્યારે ઉત્તર ભારતના ઠંડા પવનોને કારણે આખું ગુજરાત ઠૂંઠવાઈ ગયું છે. દિવસે પણ તાપમાનનો પારો 20-25 ડીગ્રીથી ઉપર જતો નથી. આવામાં ઠારની સાથે તેજ પવન, જે 25-30 કિ.મી.ની ગતિએ ફૂંકાય છે, એને કારણે ઠંડી વધી ગઈ છે. દિવસે પણ લોકોએ ગરમ વસ્ત્રો પહેરી રાખવા પડે છે. આવામાં ઉત્તરાયણે આવું વાતાવરણ રહેશે તો પતંગ કેમના ચગાવાશે એવી પતંગરસિયાઓમાં ફડક પેઠી હતી. જોકે હવામાન વિભાગ અનુસાર, આગામી 10 જાન્યુઆરીથી ઠંડી દૂર થવાની સાથે પવનની ગતિમાં પણ ઘટાડો જોવા મળશે.

મકરસંક્રાંતિએ હવામાન-ગરમીનો આ છે વરતારો
હવામાનની આગાહી કરતી વિવિધ સાઈટ્સ અનુસાર, આગામી ઉત્તરાયણના દિવસે બપોરે 12 વાગ્યા સુધી તાપમાનનો પારો 20 ડીગ્રીની આસપાસ જ રહેશે. સવારના સમયે પવનની ગતિ સહેજ તેજ રહેશે અને કલાકના 20 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જોકે બપોર પછી પતંગ ચગાવવાની ખરી મજા આવશે, કારણ કે તાપમાન વધવા લાગશે અને ધીરે-ધીરે 4 વાગ્યા સુધીમાં 25 ડીગ્રીએ પહોંચશે. જ્યારે પવનની ગતિ પણ નિયંત્રિત થઈને કલાકના 10-12 કિ.મી.ની ઝડપ સુધી પહોંચી જશે. આ સમય અને હવા તથા પવનની ઈશાન તરફની દિશા પતંગ ચગાવવા માટે ખૂબ અનુકૂળ રહેશે.

વાસી ઉત્તરાયણે વધશે પવનની ગતિ, પણ જલસો પડી જશે
ઉત્તરાયણની તુલનાએ વાસી ઉત્તરાયણના દિવસે તાપમાન થોડુંક ઘટશે, પરંતુ પવનની ગતિમાં ત્રણથી ચાર કિ.મી.નો વધારો થઈ શકે છે. આ સ્થિતિ જોતાં વાસી ઉત્તરાયણના દિવસે બપોરના સમયે પણ કલાકના 14થી 15 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વાસી ઉત્તરાયણના દિવસે પવનની દિશા નૈઋત્યની રહે એવી પૂરેપૂરી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન પણ 29 ડીગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ વખતે વાસી ઉત્તરાયણના દિવસે રવિવાર હોવાથી પતંગરસિયાઓ એને પણ ભરપૂર માણે એવી શક્યતા છે.

કોરોનાએ બે વર્ષ બગાડી ઉત્તરાયણની મજા
2021 અને 2022ની ઉત્તરાયણ કોરોના મહામારીને લીધે સાવ નીરસ રહી હતી, જોકે ગત વર્ષે ઓમિક્રોન વેરિયન્ટના અતિક્રમણ વચ્ચે પણ લોકોએ ઉત્સાહથી વહેલી સવારથી જ પતંગ ઉડાવી હતી. બપોર સુધી પવન પણ સારો હોવાને કારણે લોકોને પતંગ ઉડાવવામાં વધુ રસ પડ્યો હતા, પરંતુ દર વખતની જેમ બપોર પછી પવન અચાનક ધીમો પડી ગયો હતો. આ કારણથી ધાબા ઉપર લોકોની ભીડ ઓછી થઈ હતી. બપોરના સમયે તડકો હોવાતી અને હવાનું વારંવાર પરિવર્તન થતું હોવાથી લોકો થાક્યા હતા, જેથી ટેરેસ પર લોકોનો પાંખી હાજરી જોવા મળી હતી. બપોર બાદ સાંજે ફરી લોકો ધાબે ચઢ્યા હતા, પરંતુ પવન ન રહેવાને કારણે છેલ્લે ડીજેના તાલે ગરબે ઘૂમ્યા હતા અને વહેલી આતશબાજી કરી દીધી હતી.

2013થી સળંગ પાંચ વર્ષ પવન વિલન બન્યો હતો
ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષની ઉત્તરાયણ કેવી રહી એની વાત કરીએ તો 2013ની સાલથી સળંગ પાંચ વર્ષ મકરસંક્રાંતિના દિવસે લોકો કંટાળ્યા હતા. આ પાંચ વર્ષ એવા હતા, જ્યારે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સવારમાં 7થી 10 કિ.મી. પ્રતિ કલાકની રહી હતી, પરંતુ બપોરે 12 વાગ્યા પછી તો પવન જાણે ગાયબ જ થઈ ગયો હતો અને કલાકના 3-4 કિ.મી.ની જ સરેરાશ ગતિ રહી હતી. આ કારણે મોંઘા ભાવના પતંગ-દોરી લાવવા છતાં રસિયાઓ નિરાશ થયા હતા. બપોરના સમયે તો ધાબા રીતસર સૂનકાર ભાસતા હતા અને પવનને કારણે ઉત્તરાયણની મજા બગડી ગયાનું લોકોના મોઢે ચર્ચાતું હતું.

2018થી 2020 સુધી પવન ઉત્તરાયણે ઠીક-ઠીક રહ્યો
જોકે 2018, 2019 અને 2020ની ઉત્તરાયણના દિવસે ઠીક-ઠીક પવન રહ્યો હતો. આ કારણે પતંગરસિયાઓને મજા પડી ગઈ હતી. 2018માં 14મી જાન્યુઆરીએ 9થી 14 કિ.મી. પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાયો હતો. ગરમી પણ 30-32 ડીગ્રીની આસપાસ મહત્તમ રહેવાને લીધે લોકોએ પતંગ ચગાવવાની મજા લીધી હતી, પરંતુ ઉત્તરાયણના દિવસે પવન પડી જવાનો સિલસિલો તો ત્યારે પણ ચાલુ જ રહ્યો હતો. આ કારણથી બપોરના બે-ત્રણ કલાક તો પતંગ ચગાવવાની ખાસ કોઈ મજા રહી જ નહોતી.

ઉત્તરાયણ કરતાં વાસી ઉત્તરાયણે પવન કેમ વધુ?
છેલ્લાં દસેક વર્ષથી સતત જોવા મળી રહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવન સાવ પડી જાય કે ઓછો રહે અને વાસી ઉત્તરાયણે ભરપૂર પવન રહે. આનું ભૌગોલિક કારણ સૂર્યનું રાશિ પરિવર્તન હોઈ શકે છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરતો હોવાથી ઉત્તરના પવનોનું જોર ઘટી જાય છે. અલબત્ત, આ વાતનો હજી સુધી કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળી શક્યો નથી, પરંતુ લોકો એવું જ ફીલ કરે છે કે ઉત્તરાયણની તુલનામાં વાસી ઉત્તરાયણના દિવસે પવન વધુ જ રહેતો હોય છે. ક્યારેક તો કલાકના 30 કિ.મી. સુધીની ઝડપે પવન ફૂંકાવાને લીધે પતંગ હાથમાં પણ રહેતો નથી.

2020 અને 2021માં પવને રીતસર મજા બગાડી હતી
વિસ્તૃત રીતે જોઈએ તો 2020 અને 2021ની ઉત્તરાયણે પવનની ગતિ બપોરે 12 વાગ્યા પછી વધતી જશે અને અમદાવાદ સહિત રાજ્યભરમાં સરેરાશ 10 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, એવી આગાહી હતી. પતંગરસિયાઓ પણ સવારે વહેલા સજ્જ થઈને પતંગ ચગાવવા ધાબે ચઢી ગયા હતા, પરંતુ ઉત્તરાયણના દિવસે માંડ 5-7 કિ.મી.ની ઝડપનો પવન રહેતાં પતંગબાજોની મજા બગડી ગઈ હતી. આવામાં વાસી ઉત્તરાયણે પણ પવનની ગતિ ખાસ રહી નહોતી અને બંને દિવસ માથે પડ્યાનું પતંગરસિયાઓએ અનુભવ્યું હતું. વળી, આ અરસામાં કોરોના પણ જોરમાં હોવાથી પતંગબાજોની મજા બગડી હતી.

અન્ય સમાચારો પણ છે...