અમદાવાદમાં પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણ એમ બે કોરિડોર પર મેટ્રો ટ્રેન શરૂ થયાના ત્રણ મહિનામાં અમદાવાદીઓનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ બાબત ધ્યાનમાં લઇ ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (જીએમઆરસી)એ ઓપરેટિંગ કોસ્ટમાં ઘટાડો કરવા આગામી દિવસોમાં તમામ મેટ્રો સ્ટેશનોને ગ્રીન સોલાર એનર્જીથી ઓપરેટ કરવાની યોજના ઘડી છે. હવે અમદાવાદના તમામ મેટ્રો સ્ટેશન પર ખાલી જગ્યામાં સોલાર પેનલ ગોઠવવામાં આવશે.
જીએમઆરસીના સૂત્રોના જણાવ્યાનુસાર, મેટ્રોના પૂર્વ-પશ્ચિમના 13 એલિવેેટેડ અને ચાર અન્ડરગ્રાઉન્ડ એમ કુલ 21.13 કિ.મી. અને ઉત્તર-દક્ષિણમાં 18.89 કિ.મી. 15 એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ કરાયો છે. મુસાફરો માટે ટિકિટ રૂ. પાંચથી 25 રખાઈ છે. બીજી તરફ, અમદાવાદ મેટ્રોનું એક મહિનાનું વીજ બિલ જ રૂ. 1.39 કરોડની આસપાસ આવે છે. હાલ ફક્ત એપરલ પાર્ક ડેપો જ સોલાર એનર્જીથી ઓપરેટ કરાય છે. હવે ગ્યાસપુર ડેપોમાં પણ સોલાર એનર્જી પ્લાન્ટ નાખવાની યોજના છે. આ માટે ટેન્ડર પણ જારી કરી દેવાયું છે.
આમ, આ બંને ડેપોમાં સોલાર એનર્જીનો ઉપયોગ કરાશે તો વીજ બિલમાં પાંચ ટકા સુધી રાહત મળી શકે છે. એટલે કે રૂ. 1.39 કરોડના વીજ બિલમાં આશરે રૂ. આઠેક લાખની રાહત મળશે એટલે વાર્ષિક રૂ.84 લાખનો ઘટાડો થશે. જો આગામી સમયમાં સ્ટેશનો પર સોલાર નાખવામાં આવશે તો બિલમાં વધુ 10 થી 15 ટકા સુધીની રાહત થશે.
એટલે કે મહિને બિલમાં રૂ.14થી 21 લાખનો ઘટાડો થશે. જીએમઆરસીના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે, મેટ્રો સ્ટેશન અને ડેપોમાં વીજળીના ફિક્સ યુનિટ વપરાતા હોવાથી બિલ મહિને 1.39 કરોડ આવે છે એટલે યુનિટના ભાવ ના વધે ત્યાં સુધી વીજ િબલમાં વધારો નહીં થાય, પણ અમે સોલાર થી વીજળી જનરેટ કરી બિલમાં ઘટાડો કરવાનો પ્રયાસ છે.
બે ડેપોમાં 406 કિલો વોટ સોલર પ્લાન્ટ નખાશે
જીએમઆરસીએ હવે વીજ બિલમાં ઘટાડો કરવા ગ્યાસપુર અને એપરલ પાર્કમાં કુલ 406 કિલોવોટની ક્ષમતાનો સોલાર પ્લાન્ટ નાખવા ટેન્ડર પણ બહાર પાડ્યું છે. હાલ મેટ્રો પાર્ક થાય છે તે એપરલ પાર્કમાં 200 કિલોવોટ સોલાર પ્લાન્ટ ઉપલબ્ધ છે, જેમાં અન્ય વિભાગોનો પણ સમાવેશ થાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.