શિક્ષણ માટે વિદેશની દોડ:ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ જતા ભારતીય વિદ્યાર્થીઓમાં અમેરિકા હોટ ફેવરિટ, 1.67 લાખ વિદ્યાર્થીઓને USAએ આવકાર્યાં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • એક વર્ષમાં 9,14,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકાએ આવકાર્યા

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ઉચ્ચ શિક્ષણ માટે અમેરિકા હંમેશાની જેમ જ પહેલી પસંદ રહ્યું છે. વર્ષ 2021ના ઓપન ડોર્સના અહેવાલ પ્રમાણે કુલ 200થી વધારે સ્થળો પર 9,14,000 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અમેરિકાએ આવકાર્યા છે. જેમાંથી વર્ષ 2020-21માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 1,67,582 રહી છે. જે કુલ વિદ્યાર્થીઓના 20 ટકા જેટલી છે. કોવિડ-19ની વૈશ્વિક મહામારી દરમિયાન પણ અમેરિકાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આવકાર્યા છે. ગત વર્ષે અમેરિકન સરકાર અને અમેરિકા ખાતેની ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વ્યક્તિગત ધોરણે, ઓનલાઈન, અને શિક્ષણ માટેની હાઈબ્રિડ પદ્ધતિઓ દ્વારા પણ શિક્ષણની તકો તથા માધ્યમો તેમના માટે સતત ઉપલબ્ધ રહે એની તકેદારી રાખતા સલામત પગલાં લીધાં હતાં.

માત્ર ઉનાળામાં જ 62,000 સ્ટુડન્ટ વિઝા મંજૂર થયા
ઓપન ડોર્સ અહેવાલ રજૂ કરતી વખતે કોન્સ્યુલર અફેર્સના મિનિસ્ટર કોન્સ્યુલર ડોન હેફલિને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ સંદર્ભે જણાવ્યું હતું કે “વૈશ્વિક મહામારી હોવા છતાંય ભારતીય વિદ્યાર્થીઓ વિઝા માટે અરજી ઉપરાંત અમેરિકાનો પ્રવાસ પણ કરી શક્યા હતા. અમે ગત વર્ષે માત્ર ઉનાળા દરમિયાન 62,000 સ્ટુડન્ટ વિઝા મંજૂર કર્યા હતા, જે પહેલાના કોઈ પણ વર્ષ કરતા મોટી સંખ્યા છે. આ આંકડો દર્શાવે છે કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓમાં અમેરિકા સૌથી પહેલી પસંદ બની રહે છે. આ વર્ષે પણ અમે વધારે ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકામાં શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ કરવા મદદરૂપ થવા માગીએ છીએ. તેથી જ વધારે વિદ્યાર્થીઓના વિઝા મંજૂર કરવાની આશા રાખીએ છીએ.”

અમેરિકન સહપાઠીઓ સાથે આજીવન સંબંધોનું નિર્માણ થાય છે
સાંસ્કૃતિક અને શૈક્ષણિક બાબતોના કોન્સ્યુલર એન્થની મિરાન્ડાએ આ બાબતે જણાવ્યું હતું કે “આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓ અમેરિકાની વ્યૂહાત્મક નીતિઓ, રચનાત્મકતા, આર્થિક સદ્ધરતા અને રાષ્ટ્રીય સુરક્ષાના કેન્દ્રમાં રહેલી છે. ઉચ્ચ અભ્યાસ ક્ષેત્રે અમેરિકા સર્વોચ્ચ ધારાધોરણ ધરાવે છે. વૈશ્વિક કક્ષાની તથા પ્રાત્યક્ષિક ઉપયોગમાં આવે એ સ્તરની તાલીમ તથા અનુભવોથી સમૃદ્ધ અમારા સ્નાતકો વૈશ્વિક અર્થતંત્રમાં અગ્રેસર રહે છે.” તેમણે ઉમેર્યું હતું કે “અમે ભારતીય વિદ્યાર્થીઓનું મૂલ્ય સમજીએ છીએ. અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ દરિમયાન એમના અમેરિકન સહપાઠીઓ સાથે આજીવન સંબંધોનું નિર્માણ થાય છે. આ સંબંધો જ આપણી આંતરરાષ્ટ્રીય ભાગીદારી તથા વર્તમાન અને ભવિષ્યની વૈશ્વિક સમસ્યાઓના સહિયારા ઉકેલ માટેના પ્રયાસોને મજબૂત તથા વિકસિત કરે છે.”

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ જાણે છે અમેરિકન ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ
વર્ષ 2021માં રજૂ થયેલા ઓપન ડોર્સનો શૈક્ષણિક વર્ષ 2021-22નો અહેવાલ આ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલા નોંધપાત્ર વધારાને દર્શાવે છે. આ આંકડા સાબિત કરે છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અમેરિકન ઉચ્ચ શિક્ષણનું મહત્ત્વ જાણે છે અને અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે કટિબદ્ધ પણ છે.

USA ઈન્ડિયા એપ પરથી મળશે માર્ગદર્શન
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ સંદર્ભે માર્ગદર્શન મેળવવા માટે વિદ્યાર્થીઓએ એજ્યુકેશન USA ઈન્ડિયા એપ ડાઉનલોડ કરવી ઉચિત રહેશે. આ એપ એન્ડ્રોઈડ અને એપલના વપરાશકર્તાઓ માટે નિઃશુલ્ક છે. માત્ર એક ક્લિક પર કોલેજ એપ્લિકેશન પ્રક્રિયા બાબતેની તમામ નવીનતમ માહિતી આ એપ પર ઉપલબ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...