નમસ્કાર,
આજે સોમવાર છે, તારીખ 16 મે, વૈશાખ સુદ-પૂનમ (બુદ્ધ પુર્ણિમા).
આ મહત્ત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બુદ્ધ પૂર્ણિમાના અવસરે નેપાળની મુલાકાત લેશે
2) બાવળાના કેન્સવિલેમાં ભાજપની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ
3) કોરોના કાળના બે વર્ષ બાદ ઊંઝામાં આજે ઉમિયા માતાની નગરયાત્રા નીકળશે, સમગ્ર શહેર બંધ રહેશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) ખોડલધામમાં બેઠક:હાર્દિક પટેલે કહ્યું- હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર, નરેશભાઈ આવશે તો નારાજગી દૂર થશે
ખોડલધામમાં આજે પાસ આગેવાન અલ્પેશ કથીરિયા, દિનેશ બાંભણીયા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ સાથે નરેશ પટેલે બંધ બારણે બેઠક યોજી હતી. બેઠક બાદ હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, હું કોંગ્રેસથી નારાજ છું જ, કોણ ના પાડે છે, આ વાત જગજાહેર છે. કોઈ પણ પાર્ટીની અંદર કોઈ પણ નેતા હોય તેની જવાબદારી નક્કી હોય છે. આજે હું ગુજરાતનો કાર્યકારી પ્રમુખ છે તો મારી જવાબદારી નક્કી હોય ને. નરેશભાઈ કોંગ્રેસમાં આવશે તો મારી નારાજગી દૂર થશે, પછી તો મારે તેની સાથે જ ચર્ચા કરવાની થશે. કરણીસેનાની એકતા યાત્રા પણ ખોડલધામ પહોંચી હતી. જેનું સ્વાગત નરેશ પટેલે કર્યું હતું.
2) 43 ડિગ્રીમાં રિક્ષામાં ડિલિવરી:રાજકોટ નજીક સગર્ભાને પ્રસુતિની પીડા ઉપડતા 108ના કર્મીઓએ રિક્ષામાં જ સફળ ડિલિવરી કરાવી
રાજકોટના માલિયાસણ ગામ નજીક 43 ડિગ્રી તાપમાનમાં રિક્ષામાં સગર્ભા બેસીને જતી હતી. ત્યારે રસ્તામાં જ પ્રસુતિની પીડા થતા 108ને જાણ કરી હતી. 108ની ટીમ દોડી આવી સગર્ભાની તપાસ કરતા તેને 108માં ખસેડવાનો પણ સમય ન હોવાનું જણાવ્યું હતું. આથી 108ની ટીમે રિક્ષામાં જ સગર્ભાની સફળ ડિલિવરી કરાવી હતી. બાદમાં મહિલા અને તેના બાળકને સારવાર માટે 108 મારફત હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
3) AAPનો ચૂંટણી પ્રચાર શરૂ:આમ આદમી પાર્ટીની ગુજરાતમાં પરિવર્તન યાત્રા શરૂ,182 બેઠકોમાં યાત્રા યોજીને લોકો સુધી પહોંચશે
વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી તૈયારીઓમાં લાગી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં લોકો સુધી પહોંચવા માટે રવિવારથી આમ આદમી પાર્ટીની 182 બેઠકો પર પરિવર્તન યાત્રા શરૂ થઈ છે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતના છેવાડાના નાગરિકો સુધી પહોંચવા અને પ્રત્યેક નાગરિકોના પ્રશ્નોને વાચા આપવા આ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
4) 73 વર્ષ પછી ભારતે બેડમિન્ટનમાં રચ્યો ઈતિહાસ,પહેલીવાર થોમસ કપ જીત્યો, 14 વારની ચેમ્પિયન ટીમ ઈન્ડોનેશિયાને 3-0થી હરાવી
ઈન્ડિયન બેડમિન્ટન ટીમે બેંગકોકના ઇમપેક્ટ એરેના ખાતે રમાયેલી થોમસ કપ(બેડમિન્ટનના વર્લ્ડ કપ)ની ફાઈનલમાં ગોલ્ડ મેડલ જીતી લીધો છે. ભારતે આ ટાઈટલ મેચમાં 14 વારની ચેમ્પિયન ઈન્ડોનેશિયાને 3-0થી હરાવી દીધી છે. આ ટૂર્નામેન્ટના 73 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર ભારત થોમસ કપના ફાઈનલ સુધી પહોંચ્યું હતું. ભારતે આ મેચ બેસ્ટ ઓફ 5 ફોર્મેટમાં 3-0થી જીતી લીધી છે. ભારતે સિંગલ્સ, ડબલ્સ પછી બીજી સિંગલ્સમાં પણ જીત મેળવી હતી. જેમાં કિંદામ્બી શ્રીકાંતે જોનાથન ક્રિસ્ટીને 21-15, 23-21થી હરાવ્યો હતો.
5) કોંગ્રેસની ચિંતન શિબિર, સીનિયર નેતાઓને રાહુલે કહ્યું- ડિપ્રેશનમાં ન આવી જાવ, લડાઈ લાંબી છે, સોનિયાનું નિવેદન- આપણે સત્તામાં પરત ફરીશું
રાજસ્થાનના ઉદયપુરમાં કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર ફાઈનલ સ્ટેજમાં પહોંચી ગઈ છે. પાર્ટીના વન ફેમિલી-વન ટિકિટ, સંગઠનમાં યુવકનો અનામત, દેશભરમાં પદયાત્રા કાઢવા જેવા અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. પાર્ટીની કાયાકલ્પનો મંત્રી રાહુલ ગાંધીએ આપ્યો. ચિંતન શિબિરમાં તેમને લગભગ 35 મિનિટ સ્પીચ આપી. કહ્યું... અમે ફરી જનતા વચ્ચે જઈશું, તેનાથી આપણાં સંબંધો મજબૂત કરીશું અને આ કામ શોર્ટસર્કિટથી નહીં થાય. આ પરસેવાથી થશે એટલે કે કડક મહેનતથી. રાહુલે નેતાઓને પ્રોત્સાહિત કરવાના પ્રયાસ કર્યા. કહ્યું કે તેઓ ડિપ્રેશનમાં ન જાય, કેમકે લડાઈ લાંબી છે.
6) ક્રિકેટપ્રેમીઓ માટે દુઃખદ સમાચાર,પૂર્વ ઓસી. ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું કાર દુર્ઘટનામાં નિધન, શનિવારે રાતે ક્વીન્સલેન્ડમાં ઘટના સર્જાઈ
ક્રિકેટ રસિકો માટે દુઃખદ સમાચાર આવ્યા છે. પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર એન્ડ્રુ સાયમન્ડ્સનું એક કાર અકસ્માતમાં નિધન થયું છે. અહેવાલો અનુસાર, ક્વીન્સલેન્ડમાં એક કાર દુર્ઘટનામાં તેમનું મોત થયું છે. ઓસ્ટ્રેલિયન મીડિયા દ્વારા અપાયેલી જાણકારી અનુસાર, કાર દુર્ઘટનામાં સાયમન્ડ્સને ગંભીર ઈજા થઈ હતી.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) હાઈ-વે મરણ ચીસોથી ગુંજી ઉઠ્યો:પાલનપુર-અમદાવાદ હાઈવે પર ઉભેલી ટ્રક પાછળ બસ ઘૂસી જતા અકસ્માત, ત્રણ લોકોના મોત, 10 થી વધુ ઈજાગ્રસ્ત
2) જામનગરમાં ડબલ મર્ડર:પ્રેમલગ્ન કરનાર યુવકને યુવતીના પરિવારજનોએ મોતને ઘાટ ઉતાર્યો, યુવકના પરિજનોએ યુવતીના માતાની હત્યા નિપજાવી
3) શંકાસ્પદ ગોળાનું રહસ્ય ઘેરાયું:ચરોતર બાદ આજે ઝાલાવાડમાં આકાશમાંથી ગોળા જેવો ભેદી પદાર્થ પડ્યો, લોકોમાં આશ્ચર્ય સાથે કુતૂહલ સર્જાયું
4) USAમાં બફેલો શહેરના ગ્રોસરી સ્ટોરમાં ગોળીબારમાં એક પોલીસ અધિકારી સહિત 10નાં મોત, 3 ઘાયલ; તેમાં 11 અશ્વેત
5) નવા PM વિક્રમસિંઘે કેબિનેટમાં 4 મંત્રીઓને સામેલ કર્યા, પૂર્વ PM રાજપક્ષે સહિત 7ની ધરપકડ કરવાના આદેશ
6) નેપોટિઝ્મ પર 'ધાકડ' ગર્લ:કંગનાએ કહ્યું, સ્ટાર કિડ્સ બાફેલા ઈંડા જેવા દેખાય છે, લોકો તેમની સાથે રિલેટ કરી શકતા નથી
7) ખિલાડી કુમાર બીજીવાર કોરોના પોઝિટિવ:કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેશે નહીં, BMCએ કહ્યું- અમને ખબર નથી
આજનો ઈતિહાસ
વર્ષ 1996માં આજના દિવસે અટલ બિહારી વાજપેયીએ ભારતના 10મા વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યાં હતા
અને આજનો સુવિચાર
સુધારાની શરૂઆત આજથી થવી જોઇએ, કાલે વધુ વિલંબ થઇ શકે છે.
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.