દિવાળીનો માહોલ:1,500 કરોડનું ટર્નઓવર ધરાવતા ન્યૂ ક્લોથ માર્કેટમાં તહેવારો પર 80 ટકા સુધીની રિકવરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીજી લહેર બાદ દિવાળીને લીધે ન્યૂ ક્લોથ માર્કેટમાં ડિમાન્ડ વધી પણ પ્રોડક્શન ઘટ્યું

દિવાળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે કોરોનાની બીજી લહેર પછી મહિને 1,500 કરોડનું ટર્નઓવર ધરાવતાં ન્યૂ ક્લોથ માર્કેટમાં 80 ટકા રિકવરી છે. હાલ ડિસેમ્બરથી ફેબ્રુઆરી માટેના ઓર્ડરને લઈને કામ ચાલે છે તો બીજી તરફ નારોલ, શાહવાડી, નરોડા અને વટવા સહિતના વિસ્તારોમાં કાપડ તૈયાર કરતાં 1 હજાર જેટલા પ્રોસેસિંગ હાઉસમાં કેમિકલ, કોલસો સહિત રૉ-મટિરિયલના ભાવમાં 100 ટકા સુધીનો વધારો થતાં સરકારે રૉ-મટિરિયલના ભાવ વધારા પર અંકુશ લાવવો જોઈએ તેવી માગણી પણ ઊઠી છે.

દિવાળીને લઈને પોઝિટિવ માહોલ છે
આ વખતે 1500 કરોડ જેટલું ટર્નઓવર ધરાવતાં ન્યૂ ક્લોથ માર્કેટમાં દિવાળીને લઈને પોઝિટિવ માહોલ જોવા મળી રહ્યો છે. જોકે, કોરોનાકાળ પહેલાની દિવાળી અને અત્યારની સ્થિતિની વાત કરીએ તો માર્કેટ હજુ 80 ટકા સુધી રિકવર થયું છે. જોકે, ડિમાન્ડની સામે છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડિઝલમાં ભાવ વધારો તેમજ કોલસાની તંગીને લઈને પ્રોસેસિંગ હાઉસ મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે - ગૌરાંગ ભગત, પ્રમુખ, મસ્કતી-ન્યૂ ક્લોથ માર્કેટ

ભાવ વધારાથી પ્રોડક્શન ઘટાડ્યું
સ્વાભાવિક છે કે કાપડ તૈયાર કરવા માટે અમારે રૉ-મટિરિયલની જરૂર પડે. તેમાં કેમિકલ, બોઈલર ચલાવવા કોલસો વગેરેનો સમાવેશ થાય છે. આ બધામાં બેથી ત્રણ ગણો વધારો થયો છે જેને લઈને કાપડના ભાવમાં ઓલઓ‌વર 40 ટકાનો વધારો થયો છે. જોકે, કેટલાક હાઉસે રૉ-મટિરિયલના ભાવમાં દિવાળી પછી ઘટાડો થશે તેમ માનીને હમણાં પ્રોડક્શન ઓછુ કર્યું છે. -ચેતન જૈન, પ્રોસેસિંગ હાઉસ ઓનર

ડિમાન્ડને પહોંચી વળવું ખૂબ મુશ્કેલ છે
નારોલ, નરોડા અને વટવા સહિતના વિસ્તારોમાં 1 હજાર જેટલા પ્રોસેસિંગ યુનિટ છે જે હાલ 24 કલાકને બદલે માત્ર 12 કલાક જ ચાલે છે. તેમાં પણ કોલસાની તંગી તેમજ રૉ-મટિરિયલના ભાવો વધતાં 30 ટકા તો બંધ જ છે. આ સ્થિતિમાં આગામી ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીની ડિમાન્ડને પહોંચી વળવું કપરું છે. કેમ કે હવે કોરોનાની બીજી લહેર આવવાની શક્યતા ઓછી છે તેમ લોકો માને છે અને પ્રસંગોનું પણ આયોજન કરી રહ્યાં છે. આ બધાને લઈને માર્કેટમાં ડિમાન્ડ ઉભી થશે. -નરેશ શર્મા, ATPA, વા. પ્રેસિડેન્ટ

અન્ય સમાચારો પણ છે...