અમદાવાદમાં તાઉ-તે વાવાઝોડાની અસરના પગલે છેલ્લા 3 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે આજે સવારે નારણપુરામાં અંકુર કોમ્પલેક્ષ ખાતે આવેલા આનંદ દાળવડા નામની દુકાનમાં મોટી સંખ્યામાં અમદાવાદઓ પહોંચી ગયા હતા. વરસાદની મોસમમાં દાળવડા ખાવાની શોખીનોની મોટી ભીડ જોવા મળી હતી. જેથી AMC દ્વારા દુકાન બંધ કરાવી દેવાઈ હતી.
નારણપુરામાં દાળવડા માટે લાઈન લાગી
તાઉ-તે વાવાઝોડાના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં દાળવડાના શોખીન અમદાવાદીઓની અંકુર કોમ્પલેક્ષમાં આનંદ દાળવડા દુકાન બહાર લાઈનો લાગી ગઈ હતી. જેની તસવીર પર સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ હતી. જેથી આજે AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા આ મામલે ચેકીંગ કરવામાં આવ્યું હતું.
કોરોનાની ગાઈડલાઈન્સનું ઉલ્લંઘન થતા દુકાન બંધ
જેમાં દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાતા મોટી સંખ્યામાં ગ્રાહકોને એકઠા કરવા બદલ AMCના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ દ્વારા કાર્યવાહી કરીને દુકાન બંધ કરાવવામાં આવી હતી. નોંધનીય છે કે અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની મહામારીના કારણે હાલમાં કેટલાક પ્રતિબંધો મૂકવામાં આવેલા છે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ અને મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.