આજથી 5 દિવસ માવઠાં વરસશે:અડધા ગુજરાતમાં કડાકાભડાકા સાથે કમોસમી વરસાદ પડશે, અમદાવાદમાં સવારથી વાદળિયું વાતાવરણ

14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી રાજ્યમાં વાદળિયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમદાવાદમાં આગામી 24 કલાક વાદળિયું વાતાવરણ રહેવા સાથે ગરમીનું જોર યથાવત્ રહેશે. આજે રાજ્યમાં છૂટોછવાયો અને મધ્યમ વરસાદ પડશે. તો 16 અને 17 માર્ચે દિવસ કડાકા-ભડાકા સાથે વરસાદ પડશે. જ્યારે 18 અને 19એ છૂટોછવાયો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. તો 30-40 કિમીની ગતિએ પવન ફૂંકાશે. અમદાવાદના વાતાવરણમાં સવારથી પલટો આવ્યો છે અને વાદળિયું વાતાવરણ થઈ ગયું છે.

અમદાવાદ શહેરના તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, મંગળવારે અમદાવાદનું મહત્તમ તાપમાન 37.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 20.2 ડિગ્રી નોંધાયું હતું.

કચ્છના વાતાવરણમાં પલટો, કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ
કચ્છમાં આજે સવારથી જ ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો છે. ભચાઉ, માધાપર સહિતના વિસ્તારમાં ઝરમર વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય કેટલાક સ્થળે ભારે ગાજવીજ સાથે સામાન્ય છાંટા પડ્યા છે. ઉનાળાના આગમને ગગનમાં અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે ખેડૂત વર્ગ ચિંતિત બન્યો છે. ખાસ કરીને હાલ જીરું અને ઇસબગુલ જેવા પાક ઉપર વ્યાપક આડઅસર થવાની ભીતિ છે.
કચ્છમાં ગાજવીજ સાથે વરસાદનો વીડિયો જોવા અહીં ક્લિક કરો

કઈ તારીખે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા
15 માર્ચે દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ અને વલસાડ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.16 માર્ચે ગાજવીજ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, સુરત, તાપી, નર્મદા, ડાંગ, વલસાડ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં માવઠાની સંભાવના છે. 17 માર્ચે અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, છોટાઉદેપુર, ડાંગ, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે માવઠાની સંભાવના છે. 18 માર્ચે દાહોદ , ડાંગ, નવસારી, તાપી, વલસાડ, અમરેલી અને જૂનાગઢ તથા દમણ અને દાદરાનગર હવેલીમાં કમોસમી વરસાદની સંભાવના છે. જેની રાજ્યના 7 જિલ્લામાં 19 માર્ચ સવારે સાડા આઠ વાગ્યા સુધી માવઠાની શક્યતા છે.

બે દિવસ રાહત પછી ગરમીનો પારો ઊંચકાશે
સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી મંગળવારે રાજ્યનાં મોટાભાગનાં શહેરોમાં વાદળિયું વાતાવરણ રહ્યું હતું. તેમ છતાં રાજ્યનાં 4 શહેરોમાં ગરમીનો પારો 38 ડિગ્રી અને 7 શહેરોમાં 37 ડિગ્રીથી વધુ રહેતા લોકોએ ગરમીની સાથે બફારાનો અનુભવ કર્યો હતો. રાજકોટમાં સૌથી વધુ 38.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

હજુ 24 કલાક વાદળિયું વાતાવરણ રહેશે
આગામી 24 કલાક દરમિયાન વાદળિયા વાતાવરણ વચ્ચે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે 16 અને 17 માર્ચના રોજ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમી ઘટવાના સંકેત હવામાન વિભાગે દ્વારા પ્રાપ્ત થયા છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે કેટલાક વિસ્તારમાં ભારે પવન પણ ફૂંકાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...