વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર:ઉત્તર ગુજરાત અને કચ્છમાં માવઠાની આગાહી, ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના

અમદાવાદ4 મહિનો પહેલા
  • ગુરુવારે ઉત્તર ગુજરાત, શુક્રવારે સૌરાષ્ટ્ર, શનિવારે વડોદરા, સુરત સહિતનાં સ્થળોએ માવઠાની આગાહી
  • સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે

ગુજરાતમાં છેલ્લા 10 દિવસથી કાતિલ ઠંડીમાં લોકો ઠૂંઠવાયા હતા, હવે રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થવાથી ઠંડી ઓછી થવા માંડી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી અઠવાડિયાથી ઠંડીમાં ઘટાડો થશે. મહત્તમ તાપમાનમાં 4 ડીગ્રી સુધીનો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળશે. એ ઉપરાંત હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે એ આગામી 21 અને 22 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે, જ્યારે 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ અને દાહોદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

21 અને 22 જાન્યુઆરીએ માવઠાની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલે 19 તારીખે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવ-દમણમાં વાતાવરણ વાદળછાયું રહેશે, જ્યારે 20 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા સહિત કચ્છના વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે, જ્યારે 21 જાન્યુઆરીએ મહેસાણા, દ્વારકા, જામનગર, જૂનાગઢ, મોરબી, રાજકોટ અને પોરબંદરમાં હળવો વરસાદ થવાની સંભાવનાઓ છે. એ ઉપરાંત દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેવાની શક્યતાઓ છે તેમજ 23 જાન્યુઆરીએ વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, છોટાઉદેપુર અને સુરતમાં હળવો વરસાદ થઈ શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી ( ફાઈલ ફોટો)
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી દરિયાકિનારે ભારે પવન ફૂંકાવાની આગાહી ( ફાઈલ ફોટો)

માછીમારોને હવામાન વિભાગે ચેતવણી આપી
આગામી પાંચ દિવસ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકિનારે ભારે પવન ફૂંકાશે, જખૌ, માંડવી, મુંદ્રા, ન્યૂ કંડલા, નવલખી, જામનગર, સલાયા, ઓખા અને પોરબંદરના દરિયાકિનારે 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જેથી હવામાન વિભાગે માછીમારોને દરિયો નહીં ખેડવા માટે ચેતવણી આપી છે, જ્યારે બેટદ્વારકા, વેરાવળ, દીવ, જાફરાબાદ પીપાવાવ, વિક્ટર, ભાવનગર, અલંગ, ભરૂચ, દહેજ, મગદલ્લા અને દમણના દરિયાકિનારા માટે હવામાન વિભાગે માછીમારો માટે કોઈ ચેતવણી જાહેર કરી નથી.

ઉત્તર ગુજરાતમાં આગામી બે દિવસ યલો એલર્ટ
રાજ્યમાં છેલ્લા એક મહિનામાં સાઇક્લોનિક સિસ્ટમને કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે, જેને કારણે કમોસમી વરસાદ પણ થયો છે. ત્યારે વધુ એક વખત માવઠાની વકીને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજથી ઠંડીમાંથી રાહત મળવાની શક્યતા છે. અનેક વિસ્તારોમાં 2થી 4 ડીગ્રી તાપમાન વધવાની આગાહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે 18, 19 અને 20,21 જાન્યુઆરીએ રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડશે, જેને કારણે રવી પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે. એટલું જ નહીં, ફેબ્રુઆરીમાં પણ માવઠાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરેલું છે.

વારંવાર માવઠાની અસરથી રવી પાકોને ભારે નુકસાન જવાની ભીતિ ( પ્રતીકાત્મક તસવીર)
વારંવાર માવઠાની અસરથી રવી પાકોને ભારે નુકસાન જવાની ભીતિ ( પ્રતીકાત્મક તસવીર)

3થી 4 દિવસમાં ઠંડી વધુ 4 ડીગ્રી ઘટી શકે છે
ઉત્તર-પૂર્વના કાતિલ ઠંડા પવનની અસરથી છેલ્લા એક અઠવાડિયાથી અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. જોકે રવિવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવન શરૂ થયા છે, જેને કારણે અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોના લઘુતમ તાપમાનમાં વધારો થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો થયો છે. આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીનો પારો 4 ડીગ્રી વધતાં ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા છે.

છેલ્લા ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો
હવામાન વિભાગના આંકડા મુજબ, ઠંડા પવનની અસરથી છેલ્લા અઠવાડિયાથી અમદાવાદનું લઘુતમ-મહત્તમ તાપમાન ગગડતાં શહેરમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળતાં અમદાવાદમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન ઠંડીનો પારો 10 ડીગ્રીની આસપાસ નોંધાયો હતો. જોકે સોમવારથી પવનની દિશા બદલાતાં ઉત્તરથી ઉત્તર-પૂર્વના પવન શરૂ થતાં ઠંડીમાં સામાન્ય ઘટાડો નોંધાતાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડીગ્રી અને લઘુતમ તાપમાન 4 ડીગ્રી વધીને 12.8 ડીગ્રી નોંધાયું હતું. અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં ઠંડીનો પારો 2થી 4 ડીગ્રી વધ્યો હતો. સમગ્ર રાજ્યમાં 5.0 ડીગ્રી સાથે નલિયા સૌથી ઠંડું શહેર બન્યું હતું. આ સિવાય ડીસામાં ઠંડીનો પારો 9.2 અને ભુજમાં 10.6 ડીગ્રી નોધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...