વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત-ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો સહિત સૌરાષ્ટ્રમાં 5 માર્ચથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટા પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
હવામાન વિભાગના આંકડાઓ મુજબ, શહેરમાં વહેલી સવારથી 8થી 10 કિલોમીટરની ગતિના ઠંડા પવનો શરૂ થયા હતા. જેને કારણે વહેલી સવારથી લઇને બપોરના 2.00 વાગ્યા સુધી લોકોએ ગરમીથી રાહત મળી હતી પરંતુ, બપોર પછી ગરમીનો પારો વધતાં અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3.7 ડિગ્રી વધીને 37.7 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 1.0 ડિગ્રી વધીને 18.0 ડિગ્રીએ પહોંચ્યું હતું. જેને પગલે બપોર પછી ગરમીમાં સામાન્ય વધારો થયો હતો. શુક્રવારથી શહેરમાં 3થી 6 માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવ્યા બાદ વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ 4 અને 5 માર્ચના રોજ વરસાદી છાંટી પડી શકે છે.
રાજ્યના વાતાવરણમાં પલટો આવશે
રાજ્યમાં પવનની દિશા બદલાઇને ઉત્તરથી ઉત્તર-પૂર્વના ઠંડા પવનો શરૂ થયા છે જેને કારણે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર ન થવા છતાં ઠંડા પવનોથી લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. જો કે, રાજ્યનાં 11 શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રીથી વધુુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 38.8 ડિગ્રી સાથે સુરેન્દ્રનગરમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. આગામી ચાર દિવસો દરમિયાન રાજ્યમાં વાતાવરણમાં પલટો આવશે, તેમજ વાદળિયા વાતાવરણ વચ્ચે વરસાદની શક્યતા છે.
3થી 6 માર્ચ વરસાદી છાંટાથી વરસાદની શક્યતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા ટ્રફનો છેડો ગુજરાત સુધી લંબાયો છે, સાથોસાથ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થયું છે. જેને કારણે વાતાવરણમાં અપર લેવલે ભેજવાળા પવનો અને નીચલા લેવલે ગરમ સૂકા પવનો ભેગા થશે. જેની અસરોથી 3થી 6 માર્ચ દરમિયાન વાદળિયું વાતાવરણ સર્જાશે. દક્ષિણ-ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારો અને સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે 4 અને 5 માર્ચે વરસાદી છાંટા પડી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.