અમદાવાદ-ધાનેરા રૂટ પરની એસટી વોલ્વો બસનું ટાયર ધડાકાભેર ફાટતાં બસનું તળિયું અને સીટ તૂટી ગયાં હતાં, જ્યારે સીટ પર બેઠેલા પેસેન્જરને ઇજા થતાં તેમને સારવાર લેવી પડી હતી. 45 પેસેન્જર સાથેની આ બસ અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે પાલનપુર પાસે આ ઘટના બની હતી.
આ ઘટના બાદ બસ રદ કરવામાં આવતા કેટલાક પેસેન્જરોએ ખાનગી વાહન કરીને તો કેટલાક પેસેન્જરોએ સાદી એસટી બસમાં આગળની મુસાફરી કરવી પડી હતી. એસટી નિગમે પ્રીમિયમ સર્વિસ માટે આદિનાથ બલ્ક ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપનીની કેટલીક વોલ્વો બસો ભાડે લીધી છે, જેમાંની આ બસમાં દુર્ઘટના સર્જાઈ હતી. ઉલ્લેખનીય છે કે, મેન્ટેનન્સ વગર દોડતી વોલ્વો બસનું કોઈ મોનિટરિંગ ન થતું હોવાથી સરેરાશ રોજની એકાદ બસ બ્રેકડાઉન થાય છે છતાં જવાબદાર અધિકારીઓ સામે કોઈ પગલાં લેવામાં આવતાં નથી.
પ્રીમિયમ બસોમાં બ્રેકડાઉનની રોજની એક ઘટના બને છે
એસટી નિગમ ખાનગી કંપનીઓ પાસેથી વોલ્વો, એસી સહિતની પ્રીમિયમ બસો ભાડે લઈ સંચાલન કરે છે, પરંતુ આ તમામ બસોની યોગ્ય દેખરેખ ન થતા પ્રીમિયમ બસોમાં લગભગ રોજ નાના-મોટા અકસ્માત કે બ્રેકડાઉનની એક ઘટના બને છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.