ફરી ધમધમશે ધંધા-રોજગાર:રાજ્યના 36 શહેરમાં સવારના 9થી 6 વાગ્યા સુધી વેપાર-ધંધામાં છૂટ, 4 જૂનથી અમલ થશે, રાત્રિ કર્ફ્યૂના સમયમાં કોઈ ફેરફાર નહીં

અમદાવાદએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ એક અઠવાડીયા સુધી લંબાવ્યો
 • રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી રાતના 10 વાગ્યા સુધી થઈ શકશે
 • હોટેલ-રેસ્ટોરન્ટમાં ટેક અવે સુવિધા 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે

કોરોના મહામારીએ ગુજરાતમાં બેથી અઢી મહિના સુધી આતંક મચાવ્યા બાદ હવે નવા કેસો ઘટવા લાગ્યા છે. એક સમયે 14000થી વધુ કેસો નોંધાઈ રહ્યા હતા, જે હવે ઉત્તરોતર ઘટીને દરરોજ 1600 જેટલા કેસો સામે આવી રહ્યા છે. કોરોના કાબૂમાં આવવા લાગતા સરકારે દુકાનદારો અને લારી-ગલ્લા ધારકોને સવારના 9થી બપોરના 6 વાગ્યા સુધી ધંધા-રોજગાર ખુલ્લા રાખવાની છૂટ આપી છે. જો કે કોરોના હવે કાબૂમાં આવી રહ્યો હોવાથી રાજ્ય સરકારે નિયંત્રણોમાં વધુ છૂટ આપી છે. જ્યારે રાત્રિ કર્ફ્યૂ વધુ એક અઠવાડીયુ લંબાવ્યો છે અને તેમાં કોઈ છૂટ આપી નથી.

શોપિંગ કોમ્પ્લેક્સ સહિતના એકમો 6 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના 36 શહેરોમાં તમામ દુકાનો વાણિજ્યિક સંસ્થાઓ લારી ગલ્લા, શોપિંગ કોમ્પલેક્ષ, હેરકટિંગ સલૂન, બ્યુટી પાર્લર, માર્કેટિંગ યાર્ડ તેમજ અન્ય વ્યાપારિક ગતિવિધિ તા.4 જૂનથી સવારે 9 વાગ્યા થી સાંજે 6 વાગ્યા સુધી ખુલ્લા રાખવાની છૂટ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

મુખ્યમંત્રીએ કોર કમિટીમાં આ નિર્ણય કરવા સાથે અન્ય પણ કેટલાક નિર્ણયો કર્યા છે. તે મુજબ હવે રેસ્ટોરન્ટ દ્વારા કરવામાં આવતી હોમ ડિલિવરી પણ સવારના 9થી રાત્રે 10 વાગ્યા સુધી થઈ શકશે. જ્યારે ટેક અવે સુવિધા રાતના 9 વાગ્યા સુધી જ ચાલુ રહેશે.

36 શહેરોમાં 11 જૂન સુધી રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્યમાં હાલ 36 શહેરોમાં જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની મુદત પણ વધુ એક અઠવાડિયું વધારવાની મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે. એટલે કે આ 36 શહેરોમાં 4 જૂનથી 11 જૂન સુધીના દિવસો દરમ્યાન રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી આ રાત્રિ કર્ફ્યુ નો અમલ કરવાનો રહેશે.

36 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન આ નિયંત્રણો લાગુ રહેશે

 • રાત્રિ કર્ફ્યૂ અમલમાં હોય એ શહેરોમાં વાણિજ્યિક સંસ્થાઓ, દુકાનો, લારી ગલ્લાઓ, સલૂન અને અન્ય વ્યાપારિક ગતિવિધિઓ રાતના 9 વાગ્યા સુધી જ થઈ શકશે
 • અઠવાડીક ગુજરી બજાર, હાટ,શૈક્ષણિક સંસ્થાઓ, સિનેમા ઘરો, ઓડિટોરિયમ, એસેમ્બલી હોલ,વોટર પાર્ક, બાગ બગીચા, જીમ, સ્વિમિંગ પૂલ, કોચિંગસેન્ટરો બંધ રહેશે
 • આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ 50 વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીની જોગવાઈ યથાવત
 • અંતિમક્રિયા, દફનવિધિ માટે મહત્તમ 20 વ્યક્તિઓની મંજૂરી રહેશે
 • સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, ફિનટેક, સ્ટોક એક્સચેન્જ, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ ખાનગી ઓફિસોમાં 50 ટકા જ કર્મચારીઓ હાજર રહી શકશે. આવશ્યક સેવાઓ આ જોગવાઈમાં બાકાત રહેશે.
 • પ્રેક્ષકોની ઉપસ્થિતિ વિના સ્પોર્ટ્સ સંકુલ, સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં રમત-ગમત ચાલુ રાખી શકાશે
 • તમામ ધાર્મિક સ્થાનો જાહેર જનતા માટે બંધ રહેશે.
9થી 6 દુકાનો ખુલી રાખવાની છૂટ મળતા વેપારીઓને રાહત થઈ છે
9થી 6 દુકાનો ખુલી રાખવાની છૂટ મળતા વેપારીઓને રાહત થઈ છે

હાલ સવારે 9થી 3 સુધી લારી-ગલ્લા-વેપારીઓને છૂટ
કોરોનાની બીજી લહેરમાં સંક્રમણ ચિંતાજનક હદે વધી જતાં સરકારે લગાવેલા આંશિક લોકડાઉનમાં કેસ ઘટતાં આંશિક અનલોકની શરૂઆત કરવામાં આવી છે. 36 શહેરના તમામ પ્રકારની દુકાનો, શોપિંગ કોમ્પ્લેક્સ, લારી-ગલ્લાને સવારે 9થી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લાં રાખવાની મંજૂરી અપાઇ હતી, જેને કારણે વેપારીઓને રાહત થઇ છે.

હાલમાં રાજ્યનાં 36 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલમાં
ગુજરાતમાં 6 મેથી વધુ 7 શહેર સાથે કુલ 36 શહેરમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાગુ કરાયો હતો. આ અગાઉ 8 મહાનગર સહિત 28 શહેરમાં પહેલેથી રાત્રિ કર્ફ્યૂ હતો. ત્યાર બાદ તેમા વધુ 8 શહેરોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આમ 36 શહેરોમાં 11 જૂન સુધી રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ યથાવત રહેશે.

આવશ્યક સેવા/ પ્રવૃત્તિઓ કોઈપણ નિયંત્રણ વગર ચાલુ રહેશે

 • COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ ચાલુ રહેશે.
 • મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.
 • ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.
 • ડેરી, દૂધ-શાકભાજી,ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા એની હોમડિલિવરી સેવા.
 • શાકભાજી માર્કેટ તથા ફ્રૂટ્સ માર્કેટ ચાલુ રહેશે.
 • કરિયાણું, બેકરી,બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને એ વેચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ..
 • અનાજ તથા મસાલા દળવાની ઘંટી.
 • ઘરગથ્થુ ટિફિન સર્વિસીસ અને હોટલ / રેસ્ટોરાંમાંથી Take away facility આપતી સેવાઓ.
 • ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.
 • પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.
 • પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.
 • પોસ્ટ અને કુરિયર સર્વિસ.
 • ખાનગી સિક્યોરિટી સેવા
 • પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.
 • કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.
 • આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.
 • તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાંનો પુરવઠો સતત જળવાઇ રહે એ અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
 • તમામે ફેસ કવર, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્‍સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • સંબંધિત પોલીસ કમિશનરશ્રીઓ/જિલ્લા મેજિસ્ટ્રેટોએ તેમના અધિકારક્ષેત્રમાં આ હુકમના અમલ માટે Cr.P.C.તથા ગુજરાત પોલીસ એકટની જોગવાઇ હેઠળ જાહેરનામા બહાર પાડવાના રહેશે
અન્ય સમાચારો પણ છે...