નવી સ્ક્રેપ પોલિસી:PM મોદીએ કહ્યું, 'જે જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સર્ટિફિકેટ મળશે, આ સર્ટિફિકેટથી નવા વાહનની ખરીદીમાં રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે, રોડ ટેક્સમાં ડિસ્કાઉન્ટ'

ગાંધીનગરએક વર્ષ પહેલા
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી.
  • કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે.
  • ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે
  • 15 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરી

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 15 વર્ષ જૂનાં વાહનો માટે સ્ક્રેપિંગ પોલિસીની જાહેરાત કરી છે. નવી દિલ્હી ખાતેથી વીડિયો-કોન્ફરન્સિંગથી જોડાયા બાદ PM મોદીએ સ્ક્રેપિંગ પોલિસીમાં મહત્ત્વની ઘોષણા કરી હતી કે જે પણ વ્યક્તિ પોતાના જૂના વાહનને સ્ક્રેપમાં આપશે તેને સ્ક્રેપ પર એક સર્ટિફિકેટ મળશે અને આ સર્ટિફિકેટ રજૂ કરવા પર નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશન ચાર્જ નહીં લાગે. એટલું જ નહીં, નવા વાહનની ખરીદી પર લાગુ થતા રોડ ટેક્સમાં પણ ડિસ્કાઉન્ટ મળશે. આ પ્રસંગે CM વિજય રૂપાણી ઉપરાંત કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરી ગાંધીનગર ખાતે ઉપસ્થિત રહ્યા હતા. ગડકરીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ભાવનગરના અલંગ ખાતે દેશનો પ્રથમ સ્ક્રેપ પ્લાન્ટ શરૂ થશે. કેન્દ્રની નવી નીતિ 1 ઓક્ટોબર 2021થી લાગુ થશે. જૂનાં વાહનોનું પ્રદૂષણ માત્ર 10થી 12 % વધારે છે. કચ્છમાં જૂનાં વાહનો સ્ક્રેપ કરવા પાર્ક સ્થપાશે.’હવે દેશભરમાં સ્ક્રેપ પોલિસી લાગુ થવા જઇ રહી છે.

આ પોલિસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે
આ પ્રસંગે વર્ચ્યુઅલ જોડાયેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે 75મા સ્વતંત્રતા દિવસ પહેલાં આજનો આ કાર્યક્રમ આત્મનિર્ભર ભારતના મોટાં લક્ષ્યોને સાકાર કરવામાં એક મોટું કદમ છે. આ પોલિસી નવા ભારતની મોબોલિટી ને ઓટો સેક્ટરને નવી ઓળખ આપશે. દેશમાં આ પોલિસીને કારણે સકારાત્મક પરિણામ આવશે. સ્ક્રેપિંગ પોલિસી સમયની માગ છે. આ પોલિસીમાં ઉદ્યોગકારોની મોટી ભૂમિકા છે. આ પોલિસી 10 હજાર કરોડથી પણ વધારે રોકાણ લાવશે. આગામી 25 વર્ષ દેશ માટે મહત્ત્વનાં છે. આ પોલિસી પર્યાવરણ માટે પણ જરૂરી છે. આગામી સમયમાં આપણા વ્યાપારી જીવનમાં મોટાં પરિવર્તનો આવશે.

‘રિસાઇક્લિંગ તો ગુજરાતનાં ઘરોમાં દાદીમા વર્ષોથી કરે છે'
વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્ક્રેપ પોલિસીની ઘોષણામાં પણ ગુજરાતનાં ઘરોની વર્ષો જૂની પરંપરાનું દૃષ્ટાંત આપતા ચૂક્યા નહોતા. તેમણે સસ્મિત ચહેરે જણાવ્યું હતું કે "રિસાઇક્લિંગનો કન્સેપ્ટ વિશ્વમાં તો ભલે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવ્યો, પરંતુ ગુજરાતનાં ઘરોમાં તો દાદીમાઓ વર્ષોથી રિસાઈક્લિંગ કરે છે. અમારા ગુજરાતનાં ઘરોમાં વર્ષોથી પહેરવાનાં કપડાં જૂનાં થઈ જાય તો એને ફેંકી દેવાતાં નથી, પરંતુ દાદીમા એ કપડાંની સિલાઈ ઉકેલીને એને ટેભાં લઈને સાંધા કરીને લાંબું કાપડ બનાવે છે. આ કાપડમાંથી હાથ વડે ટાંકા લઈ-લઈને ગોદડીઓ બનાવે છે, જે શિયાળામાં ઠંડીથી રાહત આપે છે. આમ, રિસાઇક્લિંગનો કન્સેપ્ટ તો અમારા ગુજરાતમાં દાદીમાઓ વર્ષોથી ચલાવી રહ્યાં છે."

કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરાઈ
તેમણે ઉમેર્યું હતું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં એનર્જી ક્ષેત્રમાં મહત્ત્વનાં કામો થયાં. પર્યાવરણના જતન સાથે વિકાસ પણ જરૂરી છે. આ પોલિસીથી સામાન્ય પરિવારોને સૌથી મોટો લાભ થશે. આ પોલિસીથી આપણા સ્વાસ્થ્ય પર પ્રદૂષણને કારણે જે અસર થાય છે એ ઓછી થશે. ગુજરાતના અલંગને શિપ રિસાઇકલિંગ હબ તરીકે ઓળખવામાં આવે છે. નવી પોલિસીને કારણે આગામી 25 વર્ષમાં ઘણા બદલાવ આવશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો નોંધાશે. આ પોલિસીથી સામાન્ય લોકોને ઘણો લાભ મળશે અને દેશમાં રોજગારી પણ વધશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આઝાદી બાદ આજે આત્મનિર્ભર ભારતની પોલિસી લોન્ચ કરવામાં આવી છે. કચરાથી કંચન સુધી પહોંચવા માટે આ પોલિસી લાગુ કરવામાં આવી છે.

રાજ્યમાં ચાર સ્થળે સ્ક્રેપ માટેના પાર્ક બનશે
કચ્છમાં જૂનાં વાહનના સ્ક્રેપ માટે પાર્ક બનશે. જૂનાં વાહનો પ્રદૂષણ વધારે છે અને રોડ સેફ્ટીની પણ સમસ્યા છે. સ્ક્રેપ પોલિસીને જાપાન અને બેલ્જિયમમાં લાગુ કરવામાં આવી છે. એશિયાના દેશો સ્ક્રેપિંગ માટે ગુજરાતમાં સ્ક્રેપ મોકલશે, જે કંડલાના માધ્યમથી ગુજરાતમાં આવશે. જૂનાં વાહનોનો નિકાલ કરવા માટે ગુજરાતમાં ચારથી પાંચ સ્થળે ભંગારવાડા બનાવવામાં આવશે. સ્ક્રેપમાં વાહન કાઢી નાખનારાઓને આપવામાં આવનારા પ્રમાણપત્ર પર તેમને નવા વાહનની ખરીદી બાદ રોડ ટેક્સમાં 25 ટકાની રાહત આપવામાં આવશે. કોમર્શિયલ વ્હીકલ માટે આ રાહતની ટકાવારી 15ની રાખવામાં આવશે. મોટર વ્હીકલ ટેક્સમાં પણ આ સર્ટિફિકેટ પર 25 ટકા સુધીની રાહત મળશે. નવી પોલિસીથી દેશમાં રોજગારીનું પ્રમાણ વધશે અને વાહન ઉદ્યોગને વધારે ગતિ મળશે.

વાહનો માટે ગુજરાતમાં ચાર સ્થળે ભંગારવાડા બનશે (ફાઈલ ફોટો)
વાહનો માટે ગુજરાતમાં ચાર સ્થળે ભંગારવાડા બનશે (ફાઈલ ફોટો)

પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો સ્ક્રેપમાં થશે
આ પોલિસી લાગુ થતાં જ જૂનાં વાહનો સ્ક્રેપમાં જશે. ગુજરાતમાં કુલ મળીને 16,43,218 વાહન ભંગારવાડે જશે. ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે અને હવામાં પ્રદૂષણની માત્રા ઘટે એ હેતુસર કેન્દ્ર સરકાર નવી સ્ક્રેપ પોલિસી લાગુ કરવા જઇ રહી છે. આ પોલિસી અમલમાં આવતાં જ ગુજરાત સહિત દેશભરમાં લાખો વાહનો ભંગારમાં જશે. લોકસભામાં રજૂ કરાયેલા રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 15-20 વર્ષ જૂનાં વાહનોની સંખ્યા 10,19,898 છે, જ્યારે 20 વર્ષથી વધુ જૂનાં વાહનોની સંખ્યા 5,01,979 છે. સ્ક્રેપ પોલિસી જાહેર થતાં જ આ લાખો વાહનો સ્ક્રેપ થઈ જશે. પોલિસીના નવા નિયમ મુજબ, વર્ષ 2005 પહેલાંનાં વાહનો સ્ક્રેપમાં જશે. કેન્દ્ર સરકારે પોલિસી જાહેર કરશે ત્યાર બાદ ગુજરાત સરકાર એમાં આંશિક ફેરફાર કરે એવી પણ શક્યતા છે.

નવી પોલિસીથી સરકારને શું ફાયદો?

  • મહામારીના સમયમાં સ્ક્રેપિંગ પોલિસી અર્થવ્યવસ્થા માટે સંજીવની જેવું કામ કરશે.
  • જૂની ગાડીઓ સ્ક્રેપમાં જવાથી પ્રદૂષણ ઘટી જશે. નવા એન્જિનવાળી ગાડીઓ ગ્રાહકો ખરીદવાથી ઈંધણનો વપરાશ ઘટશે, સાથે જ પ્રદૂષણ પણ ઓછું ફેલાવશે.
  • વિશેષજ્ઞ અનુસાર, જે વાહન સ્ક્રેપમાં જશે એને બદલે નવા વાહનની ખરીદી પર GST 50થી 100% છૂટ મળવાની શક્યતા છે. જોકે હાલ આ અંગેનો અંતિમ નિર્ણય GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવશે. નવી નીતિથી સરકારને GSTથી 9600 કરોડ રૂપિયા અને એ બાદ પાંચ વર્ષમાં 4900 કરોડનો લાભ થવાની શક્યતા છે. વિશેષજ્ઞો મુજબ, આ જૂનાં વાહન સ્ક્રેપમાં ગયાં બાદ વાહન-માલિક નવાં વાહન ખરીદશે, જે કેન્દ્ર અને રાજ્યોને GSTથી 38,300 કરોડ રૂપિયાનો લાભ થશે.
  • એક રિપોર્ટ મુજબ, જૂનાં વાહન હટવાથી અને નવાં વાહન આવવાથી 9,550 કરોડ રૂપિયાની બચતનું અનુમાન છે. આગામી વર્ષથી જ એનાથી 2400 કરોડ રૂપિયાનું ઈંધણ બચશે. કોઈ વાહનમાં સ્ટીલનો હિસ્સો 50થી 55 ટકા હોય છે. આ વાહનોના સ્ક્રેપથી લગભગ 6,550 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે અને આટલો સ્ક્રેપ વિદેશોમાંથી નહીં મગાવવો પડે એટલે કે સ્ટીલની આયાત ઓછી થશે, જેને કારણે ગાડીઓ સસ્તી થવાની પ્રબળ સંભાવના છે.
  • આગામી એક વર્ષમાં જ 1500 કરોડ રૂપિયાનો સ્ટીલ સ્ક્રેપ મળી જશે. હાલ ભંગારના માર્કેટમાં સ્ટીલને કાઢવા માટે સંગઠિત એકમો નથી, સાથે જ એવું પણ જોવા મળ્યું છે કે ભંગારમાં વાહનોમાંથી એન્જિન કાઢી લેવામાં આવે છે અને એનો ઉપયોગ બોગસ વાહનો બનાવવામાં કરવામાં આવે છે.
અન્ય સમાચારો પણ છે...