ગુજરાતને નવા CM મળ્યા:ભૂપેન્દ્ર પટેલે રાજ્યપાલને મળી સરકાર રચવા દાવો કર્યો, આજે બપોરે 2.20 વાગ્યે રાજભવનમાં શપથવિધિ, અમિત શાહ ગુજરાત આવશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • નવા મંત્રીમંડળની નિયુક્તિ અને શપથવિધિ બે દિવસ પછી યોજાશે, ગુજરાતના વિકાસનો સંકલ્પ વ્યક્ત કર્યો
  • અમિત શાહ ભૂપેન્દ્ર પટેલ મંત્રીમંડળના નામો સાથે આવીને અનઔપચારિક બેઠકમાં જાહેરાત કરશે
  • મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્ર પટેલે વિજય રૂપાણી અને નીતિન પટેલના આશીર્વાદ લીધા

રાજયના નવા મુખ્યમંત્રી તરીકે નિયુક્ત થયેલા ભૂપેન્દ્ર પટેલે આજે સાંજે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં તેમણે રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકારની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો. ભૂપેન્દ્ર પટેલની મુખ્યમંત્રી તરીકેની શપથવિધિ આજે બપોરે 2.20 વાગ્યે રાજભવન ખાતે યોજાશે. જેમાં હાજરી આપવા માટે દિલ્હીથી અમિત શાહ ગુજરાત આવશે. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના નિવાસસ્થાને જઇ તેમના પરિવારજનોના આશીર્વાદ લીધા હતા. દરમિયાન નારણપુરાના ધારાસભ્ય કાર્યાલયે દિવાળી જેવો માહોલ હતો. મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા હતા અને આતશબાજી કરી ઉજવણી કરી રહ્યા હતા. નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે અમદાવાદમાં જગન્નાથ મંદિરના દર્શને પહોંચ્યા હતા તેમજ પૂજા-અર્ચન કર્યા હતાં.

ગણેશજીની આરતી કરતા ભૂપેન્દ્ર પટેલ.
ગણેશજીની આરતી કરતા ભૂપેન્દ્ર પટેલ.

ભૂપેન્દ્ર પટેલ CM બની ગયા
બીજા ધારાસભ્યોની જેમ ભૂપેન્દ્રભાઈ પણ કમલમની બેઠકમાં સામેલ થવા નીકળ્યા. રસ્તામાં હતા ત્યારે ફોન આવ્યો કે તમને મોટી જવાબદારી સોંપાશે. કમલમ્ માં દાખલ થયા અને ધારાસભ્યોની પાંચમી લાઈનમાં જઇને બેસી ગયા. થોડી વાર પછી મંચ પરથી અેલાન થયું કે ભૂપેન્દ્ર પટેલ સીએમ હશે.

રવિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ આવશે. ત્યારબાદ નવનિયુક્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રી મંડળમાં કોને લેવા અને કોને પડતા મૂકવા તેનો શાહની હાજરીમાં નિર્ણય લેવાશે. અમિત શાહ નવા મંત્રીમંડળના લિસ્ટ સાથે જ આવશે અને અનઔપચારિક બેઠક મળશે. બેઠકમાં ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે અને નવા મંત્રી મંડળના નામોની મહોર લાગશે.

રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કર્યા બાદ તેઓ અડાલજ સ્થિતિ દાદાભગવાનના મંદિર પહોંચ્યા હતા અને દર્શન કર્યા હતા. આ અગાઉ નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા. ગાડીમાં આગળ ભૂપેન્દ્ર પટેલ પાછળ સીઆર પાટીલ બેઠા હતા. કમલમથી જ નવા મુખ્યમંત્રીને સરકારી ગાડીનો કાફલો મળી ગયો હતો. આ પ્રસંગે રૂપાણી ઉપરાંત પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો ભૂપેન્દ્ર યાદવ, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ જોશી તેમજ ભાજપના પ્રદેશ અગ્રણીઓ, સાંસદો વગેરે પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભૂપેન્દ્ર પટેલે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી
ભૂપેન્દ્ર પટેલે રાજભવન જઈ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે બેઠક કરી હતી

મુખ્યમંત્રી નક્કી કરવા માટે કેન્દ્રમાંથી બે નિરીક્ષક મોકલવામાં આવ્યા હતા. જેમાં આજે સવારે કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પ્રહલાદ જોશી ગાંધીનગર પહોંચી ગયા હતા. સાથે જ કાર્યકારી મુખ્યમંત્રી વિજય રૂપાણી, કાર્યકારી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ સીઆર પાટીલ કમલમ્ પહોંચ્યા હતા. ગુજરાત પ્રભારી ભુપેન્દ્ર યાદવ અને સંગઠનમંત્રી રત્નાકર સહિતના નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. કોર કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. ધારાસભ્યોની બેઠક શરૂ થઈ હતી. બેઠક પૂર્ણ થયા બાદ આનંદીબેન પટેલના વિશ્વાસુ એવા ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે.

નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા
નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલ કમલમથી જ સરકારી ગાડીમાં બેસી અને રાજભવન પહોંચ્યા હતા

પાટીલના ઘરે નેતાઓની બેઠક
ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલના નિવાસસ્થાન પર બેઠક બાદ નેતાઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપના કાર્યાલય કમલમ પર સવારથી હલચલ વચ્ચે પોલીસની લગભગ 20થી વધારે ગાડીઓ તૈનાત કરવામાં આવી હતી.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા પાઠવી

કમલમ્ ખાતે પોલીસનો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો હતો
ગાંધીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બહારથી આવતા તમામ લોકોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવ્યો હતો.કમલમ ખાતે અત્યારે મીડીયા કર્મીઓનો જ જમાવડો જોવા મળ્યો હતો.મુખ્યમંત્રીની જાહેરાત માટેની તૈયારીના ભાગ રૂપે શુભેચ્છા પાઠવવા બુકે પણ મંગાવવામાં આવ્યા હતા. જ્યારે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી પણ આજે ગુજરાત પહોંચી ગયા હતા. ભાજપના ધારાસભ્ય દળની બેઠકમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા માટે સૂચના અગાઉથી આપી દેવામાં આવી હતી. બેઠક બાદ ભાજપ તરફથી ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા
ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા

CMની રેસ માટે કોણ કોણ હતું દાવેદાર?
રૂપાણીના રાજીનામા બાદ પાટીદાર નેતા અને કેન્દ્રીય મંત્ર મનસુખ માંડવિયા ગુજરાતના નવા સીએમ બને એવી વાતો વહેતી થઈ હતી. જોકે શનિવાર સાંજ સુધીમાં ભાજપે બાજી ફરેવી છે. વિશ્વાસપાત્ર વર્તુળોના જણાવ્યા મુજબ દીવ, દમણ અને દાદરા નગર હવેલીના એડમિનીસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલ CMપદ માટે હુકમનો એક્કો બનશે તેવી પણ ચર્ચા ચાલી રહી હતી. જ્યારે નીતિન પટેલ અને ગોરધન ઝડફિયાનું નામ પણ આ લિસ્ટમાં ચર્ચા રહ્યું હતું. જોકે છેલ્લા ધારાસભ્યોની બેઠકમાં જ નવા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલનું નામ બહાર આવતા તમામ લોકો અચંબિત થયા હતા.

પાટીલે કહ્યું, હું સીએમ પદની રેસમાં નથી
વિજય રૂપાણીના રાજીનામા બાદ CMના પદ માટે કેટલાક નામોમાં સી.આર પાટીલનું નામ પણ સામે આવ્યું હતું. જેના પર પાટીલે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, મુખ્યમંત્રી રૂપાણીના રાજીનામા બાદ કેટલાક નામો મુખ્યમંત્રીના પદ માટે હાલમાં ચર્ચામાં આવ્યાં છે. જેમાં એક નામ મારુ પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે મારે સ્પષ્ટતા કરતાં કહેવું છે કે હું મુખ્યમંત્રી પદની રેસમાં નથી. પાર્ટી જેને પણ મુખ્યમંત્રી બનાવશે તેની સાથે તેમજ વિજયભાઈની સાથે રહીને આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ દ્વારા નક્કી કરવામાં આવેલો 182 સીટો મેળવવાનો ટાર્ગેટ પુરો કરીશું.

ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાંચમાં પાટીદાર સીએમ બન્યાં
ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના પાંચમાં પાટીદાર સીએમ બન્યાં
અન્ય સમાચારો પણ છે...