શાહે પ્રચાર-મોરચો સંભાળ્યો:'ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવી કહ્યું- ઘરે-ઘરે જઈને આ યાત્રા ભાજપના ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપશે

2 મહિનો પહેલા

કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધૂકાના ઝાંઝરકા ગામથી‘ગુજરાત ગૌરવ યાત્રા’ને પ્રસ્થાન કરાવ્યું હતું. આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ જોડાયા હતા. આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધીના 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલાં કામો લોકોને બતાવશે.

ગુજરાતની જનતાના ધન્યવાદની યાત્રા
અમિત શાહે ઝાંઝરકા સવૈયાનાથથી ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં તેમણે સભાને સંબોધીને જણાવ્યું હતું, સવૈયાનાથના પવિત્ર ધામ અને ઉનાઈ માતાના પવિત્ર ધામથી 3 યાત્રા શરૂ થશે, જે ગુજરાતની 182 સીટને ખૂંદીને ગુજરાતનાં ઘરે-ઘરે જઈ જન જન સુધી ભાજપની ભરોસાની સરકારનો હિસાબ-કિતાબ આપવાનું કામ કરશે. આજે ગુજરાત ગૌરવ યાત્રા ચાલુ થઈ રહી છે, ત્યારે કેટલાક લોકો મને પૂછતા હતા કે ગૌરવ શેનું અમિતભાઈ? હું આજે આ મંચ પરથી કહેવા માગું છું, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વરસમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો, ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા એનું ગૌરવ. એ ગુજરાતની જનતાના ધન્યવાદની આ યાત્રા છે.

આજે ઝાંઝરકાથી શાહે પ્રસ્થાન કરાવ્યું
આજે 13 ઓક્ટોબરે સંત સવૈયાનાથજી ઝાંઝરકાથી સોમનાથની યાત્રાને ગૃહમંત્રી અમિત શાહે પ્રસ્થાન કરાવ્યું છે, જે 9 જિલ્લાની 24 વિધાનસભા બેઠકમાં પસાર થઇ 8 દિવસમાં કુલ 1070 કિમીનો પ્રવાસ કરશે. 13 ઓક્ટોબર ઉનાઇ માતાથી ફાગવેલ સુધીની યાત્રા અમિત શાહની હાજરીમાં 13 જિલ્લાની 35 વિધાનસભા બેઠક આવરી લઇ 9 દિવસમાં આશરે 990 કિમીનું અંતર કાપશે. 13 ઓક્ટોબર બિરસામુંડા આદિવાસી ગૌરવ યાત્રા - ઉનાઇ માતાથી અંબાજી સુધી 14 જિલ્લામાં પસાર થઇ 31 વિધાનસભા બેઠકોને આવરી લેતી 1068 કિમી પ્રવાસ કરશે અને એમાં અમિત શાહ જોડાયા હતા.

12 ઓક્ટોબરથી યાત્રાનો પ્રારંભ થયો છે
12 ઓક્ટોબર બહુચરાજીથી માતાના મઢ સુધીની યાત્રાનો પ્રારંભ થયો છે, જે 9 જિલ્લાના 33 વિધાનસભા બેઠક પર 9 દિવસમાં 1730 કિમીનો પ્રવાસ કરશે, જેના શુભારંભમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાજર રહ્યા હતા. 12 ઓક્ટોબરે નડ્ડાએ દ્વારકાથી પોરબંદરની યાત્રા શરૂ થઈ છે, જે 21 વિધાનસભા વિસ્તારમાં ફરશે, એ દરમિયાન 22 જાહેરસભાનું આયોજન કરાશે. જેપી નડ્ડાની આગેવાનીમાં સાત દિવસમાં કુલ 876 કિલોમીટર પ્રવાસ કરશે.

અન્ય સમાચારો પણ છે...