તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાડુ વિતરણ યોજનાનો પ્રારંભ:કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે લાડુ વિતરણ યોજનાનો શુભારંભ કરાવ્યો

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં ગાંધીનગર લોકસભા મતવિસ્તારના સાંસદ તેમજ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્રની સગર્ભા મહિલાઓ માટે 'લાડુ વિતરણ યોજના'નો શુભારંભ સાણંદ તાલુકાના નિધરાડ ગામ ખાતેથી કરાવ્યો હતો. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ દ્વારા અમિત શાહનું પુષ્પગુચ્છ અને મોમેન્ટોથી સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે અમિતભાઇ શાહે પેરાલિમ્પિક્સમાં શાનદાર પ્રદર્શન કરી 1 ગોલ્ડ, 4 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેડલ જીતવા બદલ સૌ રમતવીરોને ભારતને ગૌરવ અપાવવા બદલ તેમની અથાગ મહેનતને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ગોલ્ડ મેડલ જીતનાર અવની લેખારા અને ગુજરાતની દીકરી ભાવિના પટેલને સિલ્વર મેડલ જીતવા બદલ અનેકાનેક શુભકામનાઓ પાઠવી હતી.

અમિત શાહના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લાડુ વિતરણ યોજનાનો પ્રારંભ કરાવતાં તેમણે જણાવ્યું હતું કે, શ્રી કૃષ્ણએ તેમની બાલ્યાવસ્થામાં બાળગોપાલ રૂપમાં અનેક અસુરોનો સંહાર કર્યો હતો, બાળકોનું સ્વાસ્થ્ય કેવું હોવું જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ 'બાળગોપાલ' છે. જન્માષ્ટમીના પાવન દિવસે સગર્ભા મહિલાઓ માટે 'લાડુ વિતરણ યોજના'નો શુભારંભ કરવાનું સૌભાગ્ય મળ્યું છે, તેનો મને વિશેષ આનંદ છે. તેમણે જણાવ્યું હતું કે, સ્વસ્થ સમાજ માટે સ્વસ્થ બાળકો અને સ્વસ્થ બાળકો માટે સગર્ભાવસ્થા દરમિયાન માતાઓનું ઉત્તમ સ્વાસ્થ્ય અને ગર્ભમાં રહેલા બાળકના સર્વાંગી વિકાસ માટે પોષણક્ષમ આહાર અતિઆવશ્યક છે.

શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં સ્વયંસેવી સંસ્થાઓના માધ્યમથી અને વહીવટી તંત્રના સહકારથી મતક્ષેત્રની 7000થી વધુ સગર્ભા બહેનોને કુપોષણ સામેની લડાઈ માટે દર મહિને 15 મગજના લાડુ વિતરિત કરવામાં આવશે. ચણાના લોટ, ઘી અને સાકરથી બનેલા ગુણકારી એવા મગજના લાડુ શારીરિક, માનસિક વિકાસ માટે જરૂરી તત્વોથી ભરપૂર હોય છે તેમજ ઉર્જાનો પણ સ્ત્રોત છે જેના સેવનથી સાગર્ભઓને યોગ્ય પોષણ પણ મળી રહેશે. સગર્ભા મહિલાઓના સારા આરોગ્ય માટે મગઝના લાડુ તૈયાર કરવા બદલ તેમણે સ્વયંસેવી સંસ્થાઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલ મંત્ર 'સહી પોષણ, દેશ રોશન'ને ધ્યાનમાં રાખી આપણે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ રાજસ્થાન ખાતેથી 8 માર્ચ 2018થી દેશવ્યાપી પોષણ અભિયાનની શરૂઆત કરી પૌષ્ટિક આહાર અંગે જાગરૂકતા ફેલાવવાનું અભિયાન શરૂ કર્યું જેના ભાગરૂપે કુપોષણ વિરુદ્ધ લડાઈનું આપણું અભિયાન જનઆંદોલનનું સ્વરૂપ લઈ રહ્યું છે.

શાહે જણાવ્યું હતું કે, સગર્ભા મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. છેલ્લા 3 વર્ષમાં દેશની 7.5 કરોડ ગર્ભવતી મહિલાઓ તેમજ સ્તનપાન કરાવતી 3.5 કરોડ માતાઓને ફોલિક એસિડ સપ્લીમેન્ટ આપવામાં આવ્યા છે તેમજ પ્રધાનમંત્રીએ 2016માં શરૂ કરેલ સુરક્ષિત માતૃત્વ અભિયાન હેઠળ 3 કરોડથી વધુ મહિલાઓની પ્રસવ પૂર્વ તપાસ કરવામાં આવી છે. આજે દેશમાં કુપોષણ સંબંધિત પ્રશ્નોના સમાધાન માટે સરકારના 18 મંત્રાલયો સામુહિક રીતે અભિયાન ચલાવી રહ્યા છે. ગુજરાત સરકારે પણ ગુજરાત કો. ઓપેરેટીવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સહાયથી ટેક હોમ રાશનના પેકેટ પોષણ માટે આપ્યા છે તે સરાહનીય છે.

શાહે દરેક ગામના સરપંચને સરકારી યોજનાનો લાભ મળવાપાત્ર કોઈ પણ વૃદ્ધ, વિધવા યોજનાના લાભથી વંચિત ન રહી જાય તેમજ આયુષમાન ભારત જેવી આશીર્વાદરૂપ યોજનાનો લાભ સૌ લાભાર્થીઓને મળે તેની ચિંતા કરવા આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, દેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસની સાથે સાથે નિર્બળ, ગરીબ, પછાત વર્ગ તેમજ મહિલાઓના સશક્તિકરણ માટે આપણે સૌ સજ્જ બનીએ, આપણાં દાયિત્વનું સંપૂર્ણતઃ નિર્વહન કરીએ.

શાહે સૌ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તેમજ સરકારી અધિકારીઓ અને વહીવટી તંત્રને સરકારની તમામ યોજનાઓને છેવાડાના માનવી સુધી લઈ જઈ મળવાપાત્ર તમામ લાભ નાગરિકને અપાવવા માટે આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આપણે સૌ સાથે મળી, આપણા સહિયારા પ્રયાસોથી ગાંધીનગર લોકસભા ક્ષેત્રને દેશનું સૌથી વિકસિત ક્ષેત્ર બનાવવામાં અવશ્ય સફળ થઈશું તેવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ પ્રસંગે અમિત શાહના હસ્તે આંગણવાડીની બહેનોને બાળકોને વિતરણ કરવા માટે પૌષ્ટિક ફ્રૂટ બાસ્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, ઉત્તમ ડેરીના ચેરમેન મોહન ભરવાડ, ગાંધીનગર જિલ્લાના પ્રભારી હર્ષદ પટેલ, જિલ્લા/તાલુકા પંચાયત/નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, અમદાવાદ તેમજ ગાંધીનગરના જિલ્લા કલેકટરો, જિલ્લા વિકાસ અધિકારીઓ, સરપંચો, સ્વયંસેવી સંસ્થાઓના અગ્રણીઓ તેમજ લાભાર્થી સગર્ભા બહેનો ઉપસ્થિત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...