અમદાવાદ / ગૃહમંત્રી અમિત શાહ કોરોનાગ્રસ્ત, એક દિવસ પહેલા મળવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો ટેસ્ટ કરાવશે, ક્વોરન્ટીન થશે

X

  • ડોક્ટરની સલાહને પગલે અમિત શાહ મેદાંતા હોસ્પિટલમાં દાખલ
  • ટ્વિટ દ્વારા સંપર્કમાં આવનારને ટેસ્ટ કરાવવા વિનંતિ કરી
  • પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સાથીઓએ જલ્દી સાજા થવા પ્રાર્થના કરી

દિવ્ય ભાસ્કર

Aug 02, 2020, 06:03 PM IST

અમદાવાદ. કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ કોરોનાગ્રસ્ત બન્યા છે. ડોકટરોની સલાહ મુજબ મેદાંતા હોસ્પિટલમાં ભરતી થયા છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર સૌને આઈસોલેશનમાં રહેવા અને ટેસ્ટ કરાવવા શાહે વિનંતી કરી છે. આ અંગે ગૃહમંત્રીએ ટ્વિટ કરીને માહિતી આપી હતી. તેમને એક દિવસ મળવા પહોંચેલા કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયોએ પણ ટ્વિટ કરી કહ્યું કે, હું ટૂંક સમયમાં જ ટેસ્ટ કરાવીશ અને મારી જાતને પરિવારથી દૂર રાખીશ. પ્રોટોકોલ મુજબ સાવચેતીના તમામ પગલા લઈશ.

સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિતના મંત્રીઓએ ટ્વિટર પર સાજા થવા પ્રાર્થના કરી
જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ સહિત મંત્રી મંડળના અન્ય સાથીઓએ ટ્વિટ કરી તેમના સ્વસ્થ થવાની કામના કરી હતી. ઉલ્લેખનીય છે કે, તેઓ આ પહેલા અષાઢી બીજે અને 13 જુલાઈના રોજ ગુજરાત આવવા હતા. પરંતુ મહામારી કોરોનાને પગલે આ બન્ને મુલાકાત રદ કરી હતી. આમ તેઓ છેલ્લે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં હાજરી આપવા માટે ગુજરાત આવ્યા હતા.

અનલોકથી લઈ કોવિડ 19ની તમામ ગતિવિધિ પર સતત બેઠકો કરતા હતા
ગૃહમંત્રી અમિત શાહ કોવિડ 19ના આઉટબ્રેકની શરૂઆતથી જ સતત બેઠકો કરી રહ્યા છે અને મોનિટરિંગમાં વ્યસ્ત છે. ખાસ કરીને રાજધાની દિલ્હીમાં સ્થિતિ વધુ વણસી હોવાથી તેઓ અંગત રીતે સતત નજર રાખી રહ્યાં હતા. આ ઉપરાંત ગૃહ મંત્રાલય અને આરોગ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠકો યોજીને અપડેટ લેતા હતા. લોકડાઉન બાદ દેશમાં અનલોકની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન્સ તૈયાર કરવામાં પણ અમિત શાહ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે.

બુધવારે કેબિનેટની બેઠકમાં સામેલ થયા હતા
અમિત શાહના સ્વાસ્થ્યની તપાસ એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાની ટીમ કરી રહી છે. રિપોર્ટ્સ મુજબ, બુધવારે મળેલી કેબિનેટની બેઠકમાં પણ અમિત શાહ સામેલ થયા હતા. આ બેઠકમાં PM મોદી, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ સહિતના કેબિનેટ મંત્રીઓ સામેલ થયા હતા. જો કે આ તેમાં સોશિયલ ડિસ્ટન્સિગનો ચોક્સાઈ પૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું હતું.

શનિવારે એક કાર્યક્રમમાં સામેલ થયા હતા
અમિત શાહ કોરોના પોઝિટિવ આવ્યાના એક દિવસ પહેલા જ એટલે કે શનિવારે ICCR(ઈન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સ) દિલ્હીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. જ્યાં લોકમાન્ય તિલકની 100મી પૂણ્યતિથિ પર ‘લોકમાન્ય તિલક-સ્વરાજ સે આત્મનિર્ભર ભારત’ પર એક વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ વિનય સહસ્ત્રબુદ્ધે પણ સામેલ થયા હતા.

બંગાળના મુખ્યમંત્રીથી લઈ મંત્રીમંડળના સાથીઓએ સ્વસ્થ થવા કામના કરી
અમિત શાહને કોરોના હોવાની જાણ થતા જ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી, કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કેન્દ્રીયમંત્રી મંડળના સાથીઓએ ટ્વિટ કરી તેમના સ્વસ્થ થવાની કામના કરી હતી.

13 જુલાઈએ લોકસભા મત વિસ્તારમાં કોરોના સંદર્ભે સ્થિતિની સમીક્ષા કરી હતી
આ પહેલા અમિત શાહ 13 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવવાના હતા. જો કે બાદમાં તેમની આ મુલાકાત રદ થઈ હતી. જો કે 13 જુલાઈના રોજ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોરોના મહામારીના સંદર્ભમાં તેઓના મતક્ષેત્રમાં પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ગૃહમંત્રીએ મતક્ષેત્રના વિવિધ વિકાસ કાર્યોની પણ સમીક્ષા કરી હતી. જેમાં વૃક્ષારોપણની કામગીરી, વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા, મહાનગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ નવા વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા, કેરોસીન મુક્ત ક્ષેત્ર, 100 ટકા શૌચાલયની સુવિધા, નલ સે જલ અને આયુષ્માન ભારત યોજના ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની અમલવારી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી.

ગુજરાતના 12 MLA, એક પૂર્વ કેન્દ્રીયમંત્રી અને પૂર્વ CM પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે
અમિત શાહ પહેલા ગુજરાતના 12 ધારાસભ્ય, એક પૂર્વ મુખ્યમંત્રી અને એક પૂર્વ કેન્દ્રીય મંત્રી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જેમાં ભાજપના ધારાસભ્યો કિશોર ચૌહાણ, પૂર્ણેશ મોદી, બલરામ થાવાણી, જગદીશ પંચાલ, કેતન ઈનામદાર, વી.ડી. ઝાલાવાડિયા અને મંત્રી રમણ પાટકર કોરોનાનો ભોગ બન્યા હતા.જ્યારે કોંગ્રેસમાંથી ઈમરાન ખેડાવાલા, નિરંજન પટેલ, કાન્તિ ખરાડી,ચિરાગ કાલરિયા અને ગેનીબેન ઠાકોરને કોરોના થયો હતો. આ ઉપરાંત પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને પૂર્વ કેન્દ્રીયમંત્રી ભરતસિંહ સોલંકી પણ કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે. જોકે આ તમામ નેતાઓમાંથી હાલ ભરતસિંહ સોલંકી જ સારવાર હેઠળ છે. જ્યારે બાકીના તમામ નેતા સાજા થઈ ચૂક્યા છે. આ ઉપરાંત અમદાવાદ અનેક શહેરોના નગરસેવકોને પણ કોરોના થયો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી