તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અપહરણ:અમદાવાદની સોલા સિવિલમાંથી એક દિવસની બાળકીનું અપહરણ, હાથમાં બાળકી લઈને જતી મહિલા CCTVમાં કેદ થઈ

અમદાવાદ18 દિવસ પહેલા
મધરાતે કોઈ અજાણ્યા શખસ દ્વારા બાળકીનું અપહરણ કરાયું હતું.
  • બુધવારે મધરાતે અઢીથી પોણાત્રણ વાગ્યાના અરસામાં બાળકીને અજાણ્યો શખસ લઈને જતો રહ્યો

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં એક દિવસની નવજાત બાળકીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. હોસ્પિટલના ત્રીજા માળે આવેલા વોર્ડમાંથી કોઈ અજાણ્યા શખસ દ્વારા અપહરણ કરાયું છે. આ વાતની જાણ થતાં જ હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ હતી. પોલીસે પણ માસૂમ બાળકીને શોધવા પ્રયાસો હાથ ધર્યા છે. સોલા સિવિલમાં બાળકી ગુમ થવાના પ્રકરણમાં એક મહિલાના સીસીટીવી સામે આવ્યા છે. આ મહિલા હાથમાં બાળકી લઈને જઇ રહી છે. પોલીસે આ સીસીટીવી જાહેર કરીને લોકોને અપીલ કરી છે કે કોઈ પણ કડી મળે તો જાણ કરવી જાણ કરનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે.

બાળકીના અપહરણના સમાચારો વહેતા થતાં હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ.
બાળકીના અપહરણના સમાચારો વહેતા થતાં હોસ્પિટલમાં ભાગદોડ મચી ગઈ.

31 ઓગસ્ટે બાળકીનો જન્મ થયો હતો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, સરસ્વતી રાજેન્દ્ર પાસી મૂળ અમેઠીના વતનીએ પોલીસને જાણ કરી હતી કે તેમણે 31 ઓગસ્ટે બાળકીને જન્મ આપ્યો હતો. તેમને સોલા સિવિલ હોસ્પિટલમાં ત્રીજા માળે સ્થિત PNB વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. બીજી સપ્ટેમ્બરે મધરાતે અઢીથી ત્રણ વાગ્યાના સુમારે કોઈ અજાણી વ્યક્તિ તેમની એક દિવસની બાળકીનું અપહરણ કરીને લઈ ગઈ હતી.

31 ઓગસ્ટે બાળકીનો જન્મ થયો હતો.
31 ઓગસ્ટે બાળકીનો જન્મ થયો હતો.

પોલીસે બાળકીને શોધવા ટીમો બનાવી
હોસ્પિટલના વોર્ડમાંથી બાળકીનું અપહરણ થતાં હોસ્પિટલમાં સિક્યોરિટી અને બાળકોની સલામતી સામે સવાલો ઊભા થયા છે. હાલમાં આ વાતની જાણ થતાં પોલીસે બાળકીના ફોટો વહેતો કરીને તેને શોધવા માટે ખાસ ટીમ બનાવી છે. એ ઉપરાંત હોસ્પિટલમાં પણ અલગ અલગ જગ્યાએ લગાવવામાં આવેલા CCTV કેમેરા દ્વારા બાળકીને લઈ જનારને શોધવા માટે વિગતો મગાવવામાં આવી છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને બાળકીની શોધખોળ શરૂ કરી દીધી છે.

પરિવારના કોઈએ અપહરણ કરાવ્યું હોવાની શંકા
આ અંગે સોલા હાઈકોર્ટ પીઆઈ જે.પી.જાડેજાએ કહ્યું હતું કે, સરસ્વતીને 2 દીકરી પછી ત્રીજી દીકરીનો જન્મ થયો હતો. જેથી કદાચ તેના કુટુંબને દીકરી ગમતી નહીં હોવાથી કોઇએ તેનું અપહરણ કરાવ્યું હોવાની શંકા છે. આ ઉપરાંત બાળ તસ્કરી કરતી ટોળકીએ પણ એ બાળકીનું અપહરણ કર્યું હોવાની શંકા પોલીસે નકારી નથી. પોલીસને CCTVમાં એક મહિલા શંકાસ્પદ હાલતમાં જતી દેખાઈ છે.

વોર્ડની બહાર લગાવેલો કેમેરો પાંચ વર્ષથી બંધ
પીએનસી વોર્ડની બહાર દરવાજા ઉપર જ મોટો કેમેરો લગાવેલો છે. પરંતુ તે કેમેરો બંધ હોવાથી બાળકીની ચોરી કરનારની તસ્વીરો કેદ થઇ શકી નથી. આ કેમેરો છેલ્લા 5 વર્ષથી બંધ હોવાનું સામે આવ્યું. હોસ્પિટલમાં લગાવેલા 70 કેમેરામાંથી મેઇન ગેટ સિવાયના મોટા ભાગના કેમેરા લાંબા સમયથી બંધ હાલતમાં છે.

ઓગસ્ટના અંતમાં અપહરણની ઘટનાઓ

  • 28 ઓગસ્ટે નરોડામાં નજીવી તકરારમાં બે વ્યક્તિએ એક યુવકને માર મારી કારમાં અપહરણ કર્યું હતું. ત્યાર બાદ પોલીસ ફરિયાદ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી કારમાંથી ઉતારી દીધો હતો.
  • 22 ઓગસ્ટે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતી સગીરાને યુવકે અપહરણ કરી તેના પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવી દીધી હતી. બાદમાં સગીરાને પેટમાં દુખાવો થતાં સગીરા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. ગર્ભમાં રહેલી બાળકીનું મોત થયું હતું, જ્યારે સારવાર દરમિયાન સગીરાનું પણ મોત થયું હતું.
  • 21 ઓગસ્ટે અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં બે ભાઈ સહિત ચાર લોકોએ વૃદ્ધનું અપહરણ કરી પાઇપો અને લાકડીઓ વડે માર મારતાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.
અન્ય સમાચારો પણ છે...