અમદાવાદમાં છેતરપિંડીના અનેક કિસ્સાઓ બની રહ્યાં છે. ત્યારે શહેરમાં ફરીવાર ફ્લેટ વેચાણ અંગે બાના પેટેના નાણાં લઈને ફ્લેટ બીજાને વેચી મારવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો પ્રમાણે ક્રિષ્નાબેન તપોધન દ્વારા સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.
આ ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ ડોક્ટર છે અને પરિવાર સાથે હાલ ભાડાના મકાનમાં રહે છે. તેમને નવું મકાન ખરીદવાનું હોવાથી ત્રાગડ ખાતે મૂકેલી સ્કીમ ઉત્સવવેમાં મકાન જોવા ગયાં હતાં. મકાન પસંદ આવતાં ત્યાં 403 નંબરનો ફ્લેટ વેચાણ લેવાનું નક્કી કર્યું હતું. આ સમયે દિવ્યાંગ પારેગી અને પરેશ પટેલ હાજર હતાં.
તેમણે એક લાખ એડવાન્સ લઈને ફ્લેટનું વેચાણ લખાણ લખી આપ્યું હતું. ફરિયાદીએ આ માટે એક લાખનો ચેક આપ્યો હતો. ત્યાર બાદ ફરિયાદીને જણાવ્યું હતું કે, ચેક ક્લિયરીંગમાં વાર લાગશે, તમે ગૂગલ પેથી પૈસા ટ્રાન્સફર કરો નહીં, તો ફ્લેટ બીજા કોઈને વેચી દેવામાં આવશે. ત્યાર બાદ ફરિયાદીએ ચેક પાછો લઈને ગૂગલ પેથી એક લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યાં હતાં.
ત્યાર બાદ દિવ્યાંગ પારેગીએ સર્ટિફિકેટ બનાવી આપવા માટે પૈસા માંગતાં ફરિયાદીએ તેને ચાર લાખ રૂપિયા અને બેંક લોન પાસ કરાવવા માટેનું માર્જિન મની 2.70 લાખ રૂપિયા માગ્યું હતું. ત્યાર બાદ આ પૈસા મળ્યાની તેમણે એક ડાયરીમાં સહી કરી આપી હતી. ત્યાર બાદ બાકીની રકમ માટે બેંક લોન કરવામાં આવી હતી.
ત્યાર બાદ ફરિયાદી ફ્લેટ વાળા સ્થળે ગયાં તો ફ્લેટ બીજા કોઈના નામે ચઢી ગયો હતો. ત્યાર બાદ ફરિયાદીએ તરત જ લોન ક્લોઝ કરાવી દીધી હતી. બાદમાં છેતરપિંડી થઈ હોવાની તેમણે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.