ચૂંટણીમાં બુલડોઝર દેખાયું:સુરતમાં JCBમાં બેસી યોગી આદિત્યનાથના સ્વાગતની તૈયારી, ચૂંટણીમાં હટકે પ્રચાર

અમદાવાદ4 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારી નોંધાવ્યા બાદ ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે. સુરતની ચોર્યાસી વિધાનસભા બેઠક પર ભાજપના કાર્યકરોમાં બુલડોઝર બાબા યોગી આદિત્યનાથના આગમનનો ઉત્સાહ હતો. યોગીના આગમન પૂર્વે આજે JCBની આગળ પાવડામાં 8થી 10 કાર્યકરો ચડીને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા.ચૂંટણી પ્રચારની સાથે જાણે કોઈ સ્ટંટબાજી કરવામાં આવતી હોય તે રીતે આ કાર્યકરો ચૂંટણી પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

બીટીપી અધ્યક્ષે પાછું ખેંચવું પડ્યું
ઝઘડિયા બેઠક પર પાંચ ઉમેદવાર વચ્ચે જંગ હતો, જેમાં બે વસાવા પૈકીના એક એટલે કે મહેશ વસાવાએ આજે ફોર્મ પાછું ખેંચ્યું છે. ગઈકાલે જ દિલીપ વસાવાએ ફોર્મ પાછું ખેંચી લીધું હતું. હવે માત્ર છોટુ વસાવા જ વસાવા પરિવારમાંથી ઉમેદવાર છે. એક જ પરિવારથી એક બેઠક પર 3 ઉમેદવાર હતા, જ્યારે અહીં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો પણ ચૂંટણી લડી રહ્યા છે.

પ્રથમ તબક્કાની ચૂંટણી માટે સ્ટાર પ્રચારકો સભાઓ કરશે
હવે આગામી દિવસોમાં સ્ટાર પ્રચારકો પ્રચારમાં જોડાશે. વડાપ્રધાન મોદી 19 નવેમ્બરે ગુજરાત આવશે અને 20મીએ ધોરાજીમાં જંગી જનસભાને સંબોધશે. એ ઉપરાંત પ્રથમ તબક્કાની 89 બેઠક પર 89 નેતાઓ પ્રચારનાં કામમાં લાગશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા ભાજપના પ્રમુખ જે.પી નડ્ડા પણ ગુજરાત આવશે અને જનસભાઓ સંબોધશે. બીજી બાજુ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 21મીએ રાજકોટમાં રાહુલ ગાંધી સભા સંબોધશે. બીજી બાજુ આજે ગાંધીનગર દક્ષિણ બેઠક પર અલ્પેશ ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. તેમણે ખુલ્લી જીપમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રોડ શો પણ કર્યો હતો.

મધુ શ્રીવાસ્તવે ખુલ્લી ધમકી આપી
ગઈકાલે ભાજપના પ્રમુખ પાટીલે વડોદરા એરપોર્ટ પર તેમને મનાવવાની કોશિશ કરી હતી, પરંતુ મધુ શ્રીવાસ્તવ માન્યા નહોતા. તેમણે આજે જાહેરમાં ધમકીભરી ચેતવણી આપી હતી કે આ ચૂંટણી છેલ્લી પાયરીની હશે. જો કોઈ મારા કાર્યકરની ફેંટ પકડશે તો હું ઘરે જઈને ગોળી મારી દઈશ. તેમના આ નિવેદનથી ભારે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

મધુ શ્રીવાસ્તવે કહ્યું, કાર્યકરોની ફેંટ પકડનારને ઘરમાં જઈ ગોળી મારી દઈશ.
મધુ શ્રીવાસ્તવે કહ્યું, કાર્યકરોની ફેંટ પકડનારને ઘરમાં જઈ ગોળી મારી દઈશ.

ભાજપે આઠમી વખત યોગેશ પટેલને રિપીટ કર્યા
ભાજપમાં વડોદરાની એકમાત્ર બેઠકને લઈને કોકડું ગૂંચવાયું હતું. આ બેઠક પર યોગેશ પટેલને ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર તરીકે રિપીટ કર્યા છે. યોગેશ પટેલે જણાવ્યું હતું કે સીઆર પાટીલ અને મુખ્યપ્રધાને મને ટિકિટ આપી, આજે હું ઉમેદવારી ફોર્મ ભરવા જઈશ. ઘણા સમયથી યોગેશ પટેલને ભાજપના નેતાઓ દ્વારા મનાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે જીદ પકડી રાખતાં ભાજપે આખરે તેમને માંજલપુર બેઠકની ટિકિટ આપી છે. બીજી બાજુ નરોડા બેઠક પરથી NCPના ઉમેદવાર નિકુલસિંહ તોમરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. તેમણે છેલ્લી ઘડીએ ફોર્મ પાછું ખેંચી લીધું છે. હવે આ બેઠક પરથી મેઘચંદ મોઢવાણી ચૂંટણી લડશે. આવતીકાલથી ભાજપ પ્રથમ તબક્કાની 89 બેઠકો પર ચૂંટણીપ્રચાર શરૂ કરશે.

રેશ્મા પટેલ હવે ચૂંટણી નહીં લડે, AAP માટે પ્રચાર કરશે
NCP પક્ષમાંથી રાજીનામું આપીને બુધવારે આમ આદમી પાર્ટીમાં જોડાયેલાં રેશ્મા પટેલ હવે ચૂંટણી નહીં લડે. તે આમ આદમી પાર્ટી માટે પ્રચાર કરશે. તેણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે હું વિરમગામથી ચૂંટણી નથી લડવાની. પાર્ટી દ્વારા હું ચૂંટણી લડું એવી વાત ચાલતી હતી, પરંતુ હવે આમ આદમી પાર્ટીએ મને સ્ટાર પ્રચારક તરીકેની જવાબદારી આપી છે, જેથી હવે હું આમ આદમી પાર્ટી માટે જ્યાં કહેશે ત્યાં હું પ્રચાર કરીશ. હું ચૂંટણી લડવા માટે જ આમ આદમી પાર્ટીમાં જોડાઈ હતી એવું નથી.

નરોડા બેઠક પર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચ્યું.
નરોડા બેઠક પર નિકુલસિંહ તોમરે ફોર્મ પાછું ખેંચ્યું.

નરોડા બેઠક પર છેલ્લી ઘડીએ પેચ ફસાયો
અમદાવાદની નરોડા બેઠક પર NCPનું કોંગ્રેસ સાથે ગઠબંધન છે. આ બેઠક પર NCPએ નિકુલસિંહ તોમરને ટિકિટ આપી હતી. છેલ્લી ઘડીએ નિકુલસિંહે ચૂંટણી લડવાની ના પાડી દેતાં હવે તેમની જગ્યાએ મેઘચંદ મોઢવાણી ચૂંટણી લડશે. નિકુલસિંહને ચૂંટણી લડવી હોય તો AMCના કોર્પોરેટરપદેથી રાજીનામું આપવું પડે એમ હોવાથી તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. હવે નરોડા બેઠક પર પેચ ફસાયો છે.

યોગેશ પટેલનું નામ જાહેર થતાં જ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.
યોગેશ પટેલનું નામ જાહેર થતાં જ સમર્થકોએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.

વડોદરા શહેર ભાજપ-પ્રમુખે પુષ્ટિ કરી
વડોદરા શહેર ભાજપ-પ્રમુખ ડો. વિજય શાહે જણાવ્યું હતું કે યોગેશ પટેલને માંજલપુરની ટિકિટ મળી છે. હું તેમના નિવાસસ્થાને મળવા જઈ રહ્યો છું. બીજી તરફ અમેરિકામાં રહેતી દીકરી ચિરાઞીએ પિતા યોગેશ પટેલને વીડિયો કોલ કરી શુભેચ્છા પાઠવી હતી. ચિરાઞીએ જણાવ્યું હતું કે હું પપ્પાને શુભેચ્છા પાઠવું છું. મારા પપ્પાની ઉંમર થઈ ગઈ છે, પરંતુ તેઓ હાર્ડ વર્કિંગ કરે છે. તેમનાં કામ બોલે છે. આ વખતે પણ તેઓ સારા મતોથી જીત મેળવશે. હું પ્રચારમાં આવવાની નથી. આવતા વર્ષે આવવાની છું.

સાબરમતી બેઠક પરથી ડો. હર્ષદ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું.
સાબરમતી બેઠક પરથી ડો. હર્ષદ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું.

ડો. હર્ષદ પટેલે સાબરમતી વિધાનસભા પર ઉમેદવારી નોંધાવી
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ત્યારે સાબરમતી વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હર્ષદ પટેલે આજે સવારે રાણીપથી કેસરિયા મહારેલી મારફત ખાનપુર પહોંચ્યા હતા. ત્યાર બાદ ત્યાંથી તેઓ જિલ્લા પંચાયત ખાતે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા. ડો. હર્ષદ પટેલે ધારાસભ્ય અરવિંદ પટેલની હાજરીમાં ફોર્મ ભર્યું હતું.

મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ અપક્ષ ઉમેદવારી કરશે
વાઘોડિયા બેઠક પર છ વખત ધારાસભ્ય રહેલા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવને આ વખતે ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી નથી. ભાજપની યાદી જાહેર થવાની સાથે મધુ શ્રીવાસ્તવે બળવો શરૂ કરી દીધો હતો. મધુ શ્રીવાસ્તવને મનાવવા માટે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ તેમની સાથે વડોદરા એરપોર્ટ પર બેઠક કરી હતી. બંને વચ્ચે એક કલાકથી વધુ સમય બેઠક ચાલી હતી, પરંતુ પાટીલનો આ પ્રયાસ પણ નિષ્ફળ રહ્યો છે. મધુ શ્રીવાસ્તવે કહ્યું હતું કે સતીષ નિશાળિયા ભલે માન્યા, પરંતુ હું મધુ શ્રીવાસ્તવ છું, હું અપક્ષમાંથી ચૂંટણી લડવાનો છું. બીજી બાજુ, પાદરા બેઠક પરથી દિનેશ પટેલ અને વાઘોડિયાથી મધુ શ્રીવાસ્તવ આજે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરશે.

બીજા તબક્કામાં 93 સીટો પર થશે મતદાન
ગુજરાતમાં કુલ 182 વિધાનસભા બેઠક પર બે તબક્કામાં મતદાન યોજાવાનું છે. પ્રથમ તબક્કાની 89 સીટો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. પ્રથમ તબક્કા માટે તમામ રાજકીય પક્ષોના ઉમેદાવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી છે, જ્યારે બીજા તબક્કામાં 93 સીટ પર મતદાન થશે. બીજા તબક્કા માટે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આજે બાકી રહેલા તમામ ઉમેદવારો ફોર્મ ભરશે.

કોંગ્રેસના 37 ઉમેદવારની યાદી જાહેર થતાં જ ભડકો
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના બીજા તબક્કાના મતદાનવાળી 37 બેઠક પર ઉમેદવાર ઘોષિત કર્યા, જે પછી દહેગામ કોંગ્રેસમાં ભડકો થયો છે. અહીંથી કામિનીબા રાઠોડને બદલે વખતસિંહ ચૌહાણને ટિકિટ અપાતાં ભડકો થયો છે. કામિનીબાના સમર્થનમાં કાર્યકરો રોડ પર ઊતરી આવ્યા હતા અને 'જગદીશ ઠાકોર હાય હાય'ના નારા લાગ્યા હતા. માતરમાં કોંગ્રેસે સંજય પટેલને ટિકિટ આપી છે. અહીં પણ કાર્યકરોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. આ તરફ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરના ભાઈ અમૃત ઠાકોરને કાંકરેજથી ટિકિટ મળી છે. કોંગ્રેસે બાયડમાં શંકરસિંહના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપી છે. વિરમગામમાં હાર્દિક પટેલ સામે કોંગ્રેસે લાખા ભરવાડને ટિકિટ આપી છે. ઊંઝામાં અરવિંદ પટેલ, વીસનગરમાં કીર્તિભાઈ પટેલ, બેચરાજીમાં ભોપાજી ઠાકોર, મહેસાણા પી કે પટેલ, ગાંધીનગર ઉત્તરમાં વીરેન્દ્રસિંહ મફતસિંહ વાઘેલા પર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

ઈસુદાન ગઢવીનાં પત્ની પણ પ્રચારમાં જોડાયાં.
ઈસુદાન ગઢવીનાં પત્ની પણ પ્રચારમાં જોડાયાં.

ઈસુદાન ગઢવીનાં પત્ની હીરલબેને ખંભાળિયામાં પ્રચાર કર્યો
આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીપદના ઉમેદવાર માટે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું હતું. ઈસુદાન જામ ખંભાળિયાથી ચૂંટણી લડશે. આ માટે તેમણે ઉમેદવારીપત્રક પણ ભર્યું છે. હવે તેમને જિતાડવા માટે તેમનાં પત્ની હીરલબેન ગઢવી પણ ચૂંટણીપ્રચારમાં જોડાયાં છે. કાર્યકર્તા સાથે ડોર ટુ ડોર લોકો પાસે જઈ તેમની સમસ્યા જાણી રહ્યા છે. જામ ખંભાળિયા બેઠક પર ભાજપના મૂળુભાઈ બેરા, કોંગ્રેસના વિક્રમ માડમ અને આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવી વચ્ચે ખરેખરો જંગ જામશે.

રાહુલ ગાંધી પણ પ્રચાર કરવા ગુજરાત આવશે.
રાહુલ ગાંધી પણ પ્રચાર કરવા ગુજરાત આવશે.

કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી બાદ કોંગ્રેસે પણ 40 સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે. સ્ટાર પ્રચારકોની યાદીમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડરા, અશોક ગેહલોત, ભૂપેશ બઘેલ, રમેશ ચેનિથલા, દિગ્વિજય સિંઘ, કલમનાથ, ભૂપેન્દ્ર સિંઘ હુડા, અશોક ચવ્વાન, તારીક અનવર, બીકે હરિપ્રસાદ, મોહન પ્રકાશ, શક્તિસિંહ ગોહિલ, રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, સચિન પાઇલટ, શિવાજી રાવ મોઘે, ભરતસિંહ સોલંકી, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, અમિત ચાવડા, નારણભાઈ રાઠવા, જિજ્ઞશ મેવાણી, પવન ખેરા, ઈમરાન પ્રતાપગરી, કનૈયા કુમાર, કાંતિલાલ ભૂરિયા, નસીમ ખાન, રાજેશ લીલોઠિયા, પરેશ ધાનાણી, વિરેન્દ્રસિંહ રાઠોડ, ઉષા નાયડુ, રામકિશન ઓઝા, બીએમ સંદીપ, અનંત પટેલ, અમરિન્દરસિંહ રાજા અને ઈન્દ્રવિજયસિંહ ગોહિલનો પણ સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...