નવી પહેલ:અમદાવાદમાં ઉદગમ સ્કૂલ અને ઝેબર સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ માટે સૌપ્રથમ કોવિડ-19 કન્સલ્ટેશન હેલ્પલાઈનનો પ્રારંભ કરાયો

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • સ્કૂલના 100થી વધુ વાલીઓ કે જેઓ તબીબી પ્રેક્ટિશ્નર્સ છે તે તેમણે સ્વૈચ્છિક રીતે આ પહેલમાં જોડાઈ માનવતાના આ કાર્ય માટે મદદનો હાથ લંબાવ્યો છે.
  • જ્યાં સુધી બાળકો કોરોનાના સંક્રમણથી સંપૂર્ણ મુક્ત ના થઈ જાય ત્યાં સુધી ડોક્ટર્સ દ્વારા તેમને મફત તબીબી સલાહ પૂરી પડાશે
  • બાળકોના હોમ આઈસોલેશનના સમયગાળા દરમિયાન સ્કૂલ દ્વારા નિઃશુલ્ક યોગા ક્લાસિસ પણ હાથ ધરાશે

અમદાવાદમાં કોવિડ-19 મહામારીની બીજી લહેરે અનેક બાળકોને પોતાના ભરડામાં લીધા છે. એટલું જ નહીં બાળકોનું સ્વાસ્થ્ય બગડવાને લીધે વાલીઓની સ્થિતિ કફોડી બની જાય છે. ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન અને ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રને જૂથની અન્ય ચાર શાળાઓ સાથે મળીને રાજ્યમાં સૌપ્રથમવાર કોવિડ-19થી સંક્રમિત થયેલા વિદ્યાર્થીઓ માટે કન્સલ્ટેશન હેલ્પલાઈન શરૂ કરી છે. આ હેલ્પલાઈનની મદદથી આ શાળાઓના વાલીઓ તેમના બાળકો માટે બાળરોગ નિષ્ણાતો, મનોચિકિત્સક તથા યોગ પ્રશિક્ષકોની સારવાર સંબંધી સલાહ લઈ શકશે.

છ હેલ્પલાઇન નંબરની ફાળવણી કરાઈ
આ શાળાઓ દ્વારા છ હેલ્પલાઇન નંબરની ફાળવણી કરાઈ છે. જેની પર માતાપિતા તેમના બાળકોના વય જૂથના આધારે કોલ કરી શકે છે. વાલીઓ તરફથી કરનારા કોલને રિસીવ કરનાર વ્યક્તિ કોવિડ-19ના સંદર્ભમાં વિદ્યાર્થીના કેસને લગતી વિગતો ઉપરાંત પ્રાથમિક માહિતી લઈ તેને કેસ સંબંધિત ડોક્ટરને સોંપશે. લક્ષણોના આધારે, ઇન-હાઉસ ડોક્ટર વિદ્યાર્થી માટે જરૂરી કાર્યવાહી/સારવારના વધુ કોર્સ વિશે માતાપિતાની સાથે ચર્ચા કરશે. વધુ ગંભીર કેસોમાં સ્પેશિયાલિસ્ટની મદદ લેવામાં આવશે.

ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એન્ડ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનન ચોક્સી
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એન્ડ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનન ચોક્સી

બાળકને સંક્રમણ થાય તો વાલીઓ ચિંતિત બને છે
ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન એન્ડ ઝેબર સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે પોતાનું બાળક કોરોના વાયરસથી સંક્રમિત થયું હોવાનું જો માબાપને ખબર પડે તો તેઓ અત્યંત ચિંતિત બની જાય છે. ઘણાં કિસ્સાઓમાં તેમને સંક્રમણ થયું છે કે નહીં તેનું નિદાન કરવું મુશ્કેલ થઈ જાય છે. આવી અસમંજસભરી સ્થિતિમાં ઘણાં વાલીઓ બાળરોગ નિષ્ણાતોની સલાહ લેવામાં કે અન્ય કોઈ પગલાં લેવામાં નિષ્ફળ રહે છે. અમે અમારા વાલીઓનો સંપર્ક કર્યો હતો જેમાંથી 100 જેટલાં ડોક્ટર્સ છે. તેમની સાથે આ દિશામાં નક્કર પગલાં લેવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

લક્ષણોના આધારે કેસો હાથ ધરવામાં આવશે
મનન ચોકસીએ કહ્યું હતું કે પેનલના ડોકટરોમાં બાળચિકિત્સકો, બાળ મનોવૈજ્ઞાનિકો અને જનરલ પ્રેક્ટિશનરનો સમાવેશ કરાશે. લક્ષણોના આધારે કેસો હાથ ધરવામાં આવશે અને વાલીઓએ શું કરવું તેનું માર્ગદર્શન અપાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને પ્રાણાયામ, સરળ આસનો અને ધ્યાન શિખવાડવા માટે યોગ પ્રશિક્ષક દ્વારા દરરોજ ઓનલાઈન ક્લાસિસ પણ હાથ ધરાશે. ઘણાં વિદ્યાર્થીઓ માનસિક રીતે વ્યથિત છે. તેમને યોગ્ય સલાહની જરૂર છે જેથી તેઓ પુનઃ નોર્મલ જીવન જીવી શકે તથા પોતાની રચનાત્મકતા અને ક્ષમતા મુજબ કામ કરી શકે.