મારામારી:થલતેજમાં પાર્કિંગ મામલે બે યુવકે એજ્યુકેશન ઈન્સ્પેક્ટરને માર માર્યો

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ‘તને અને તારા ખાનદાનને પતાવી દઈશ’ કહી બંને યુવાન ભાગી ગયા

વતનથી પરિવારના સભ્યોને ઘરે લઈને આવ્યા બાદ સોસાયટીના પાર્કિંગમાં કાર પાર્ક કરી રહેલા એજ્યુકેશન ઈન્સ્પેકટર સાથે એક્ટિવા સવાર 2 યુવાને ઝઘડો કરી મારામારી કરી હતી. સોસાયટીના રહીશો ભેગા થઈ જતા તેઓ ભાગી ગયા હતા. જો કે જતા પહેલા તેણે એજ્યુકેશન ઈન્સ્પેકટરને ધમકી આપી હતી કે, તુ પતી જઈશ અને તારા ખાનદાનને પણ પતાવી દઈશ, તુ મને હજી ઓળખતો નથી. થલતેજ ભાવિન સ્કૂલની બાજુમાં શાંતિસદન એપાર્ટમેન્ટમાં રહેતા કલ્પેશકુમાર હર્ષદરાય રાવલ(40) વસ્ત્રાપુર બહુમાળી ભવન ખાતે એજ્યુકેશન ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. સોમવારે સાંજે તેઓ વતનથી પરિવારના સભ્યોને લઇને ઘરે આવ્યા હતા. ગાડીની સાઈડ લાઈટ ચાલુ રાખીને કલ્પેશકુમાર ગાડી એપાર્ટમેન્ટના ગેટ પાસેથી પાર્કિંગમાં પાર્ક કરી રહ્યા હતા. ત્યારે પાછળથી એક્ટિવા ઉપર એક યુવાન આવ્યો હતો અને તેણે ગાડીની બાજુમાંથી એક્ટિવા કાઢ્યું અને કલ્પેશકુમાર સામે હાથ લંબાવીને કંઈક બોલ્યો હતો. જો કે ગાડીનો કાચ બંધ હોવાથી કલ્પેશકુમારને કંઈ સંભળાયું નહીં. આથી તેમણે બહાર આવીને તે યુવકને કહ્યું, મારી ગાડીની સાઈડ લાઈટ ચાલુ છે, તુ જોતો ખરો’. આવું કહેતા તે યુવક કલ્પેશભાઈ અને તેમની પત્ની સાથે ગાળાગાળી કરવા લાગ્યો હતો ત્યારબાદ નજીકમાં પેડેલો પથ્થર લઈ કલ્પેશકુમારને મારવા જતો હતો. જોકે સોસાયટીના રહીશો આવી જતા તે યુવકનો પક્ષ લઈને નટુ  પટેલ દોડી આવ્યા હતા અને તે બંનેએ સોસાયટીના રહીશ હર્ષદભાઈ અને કલ્પેશભાઇ સાથે મારામારી કરી ત્યાંથી ભાગી ગયા હતા. આ અંગે કલ્પેશભાઇએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...