અકસ્માત:ભાડજ સર્કલ પર કાર ટ્રકમાં ઘૂસી જતાં બે વર્ષની દીકરી,માતાનું મોત અને પિતા ગંભીર

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોડી રાતે ઘરે લાઈટો ગઈ હોવાથી પત્ની અને દીકરીને ગોડાઉને લઈ જવા નીકળ્યો હતો

એસ.પી.રિંગ રોડ ઉપર ભાડજ સર્કલ પાસે બુધવારે મોડી રાતે કાર ટ્રકમાં ઘુસી જતા કારમાં સવાર દંપતી અને દીકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેમાંથી 2 વર્ષની દીકરી અને માતાના મોત નિપજયા હતા. જ્યારે પતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ઘરે લાઈટો ગઈ હોવાથી દીકરીને માતા - પિતા ઓગણજ ખાતેના ગોડાઉને લઈ જઈ રહ્યા હતા, ત્યારે બમ્પ નહીં દેખાતા ગાડી કુદીને ટ્રકમાં ઘુસી ગઈ હતી.

શેલા કલબ ઓ - 7 ની સામે આવેલા વિશ્વાસનાથ સારથ્યમાં રહેતા વિશાલ ઘનશ્યામભાઈ પાટડિયા ઈવેન્ટનું કામ કરે છે. બુધવારે રાતે 12.30 વાગ્યે વિશાલ અને તેની પત્ની રિધ્ધિબહેને અમિતભાઈના પત્ની હેમાંગીબહેન સાથે ફોન પર વાત કરીને કહ્યું હતંુ કે અમારા ઘરે લાઈટો ગઈ છે. જેથી દીકરી ચાહના(2) ને ગરમી લાગે છે એટલે અમે ઓગણજ ખાતે ગોડાઉન ઉપર જઈએ છીએ. બંનેએ વાત કર્યા બાદ હેમાંગીબહેન સુઈ ગયા હતા. ત્યારબાદ લગભગ 4.15 વાગ્યે અજાણ્યા વ્યકિતએ હેમાંગીબહેનને ફોન કરીને કહ્યું હતંુ કે ભાડજ સર્કલ ઉપર આવેલા એચ.પી.ના પેટ્રોલ પંપ પાસે એક કારને અકસ્માત થયો છે જેમાં 3 જણાં હતા. ત્રણેયને ગંભીર ઈજાઓ થવાથી સારવાર માટે કે.ડી.હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હોવાનું કહીને વિશાલ, રિધ્ધિ અને દીકરી ચાહના ને અકસ્માત થયો હોવાનું કહ્યું હતું. જેથી હેમાંગીબહેન અને અમિતભાઈ તાત્કાલિક હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે રિધ્ધિબહેન અને ચાહનાને મૃત જાહેર કર્યા હતા. જ્યારે વિશાલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

જ્યારે સ્થળ પર જઈને તપાસ કરતા જાણવા મળ્યું હતુ કે વિશાલ પત્ની રિધ્ધિ અને દીકરી ચાહનાને લઈને કારમાં ઓગણજથી ભાડજ સર્કલ જઈ રહ્યો હતા ત્યારે રસ્તામાં બમ્પ આવ્યો પરંતુ તેની કાર પૂરઝડપમાં હોવાથી બમ્પ નહીં દેખાતા કાર કૂદીને ટ્રકની પાછળ ઘૂસી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અંગે અમિતભાઈએ તેમના જ ભાઈ વિશાલ પાયડિયા વિરુધ્ધ પૂરઝડપે અને ગફલતભરી રીતે કાર ચલાવીને અકસ્માત કરી પત્ની અને દીકરીનું મોત નિપજાવ્યું હોવા અંગે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...