પાલડીમાં સરકારી ઈલેક્ટ્રીક ઇન્સ્પેક્ટરના બંગલામાં બુધવારે બપોરે બાઈક પર આવેલા 3 લૂંટારુઓએ રિવોલ્વરની અણીએ ઘરમાં હાજર બે મહિલા નોકરને બંધક બનાવી રોકડા પચાસ હજાર, સોનાની બુટ્ટી સહિત બે લાખની કિંમતના દાગીના ચોરી ફરાર થઈ ગયા હતા.
પાલડી નૂતન સોસાયટીના એક બંગલામાં અલ્પનાબેન દાણી પતિ શ્રેયાંકભાઈ તેમજ દીકરી સાથે રહે છે. અલ્પનાબેન ગાંધીનગર ખાતે ઈલેક્ટ્રીક ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે જ્યારે તેમના પતિ સિવિલ એન્જિનિયર તરીકે વ્યવસાય કરે છે અને દીકરી કોમ્પ્યુટર એન્જિનિયર છે. બુધવારે બપોરે તેમના ઘરે કામ કરવા આવતા બે બહેન ઘરમાં હાજર હતા. ત્યારે ત્રણ લુંટારું રિવોલ્વર લઈને બંગલામાં ઘૂસ્યા અને તેમને બંધક બનાવી ડ્રોઈંગ રૂમમાં બેસાડી દીધા હતા. ત્યારબાદ તિજોરીમાંથી રોકડા રૂ.50 હજાર તેમજ સોનાની બુટ્ટી સહિત દાગીના મળીને બે લાખની મત્તા લૂંટી ભાગી ગયા હતા.
આ અંગે પાલડી પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે લૂંટારુંઓની શોધખોળ હાથ ધરી છે. સીસીટીવીમાં દેખાયેલી બાઇકના નંબરથી જાણવા મળ્યું હતું કે, લૂંટારુંઓએ આ બાઈક મણિનગર વિસ્તારમાંથી ચોરી કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.