મોટી દુર્ઘટના ટળી:અમદાવાદથી સુરત જતી વોલ્વો બસના બે વ્હીલ નીકળી જતાં બસ 150 ફૂટ ઢસડાઈ, એક જ દિવસમાં એસ.ટીની 10 બસો ખોટકાઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસ.ટીની ચાલુ બસમાં ટાયર નીકળ્યું - Divya Bhaskar
એસ.ટીની ચાલુ બસમાં ટાયર નીકળ્યું
  • બસ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે ઘટના બની, 20 પેસેન્જર ઊગરી ગયા
  • બસના તમામ પેસેન્જરે 45 મિનિટ સુધી રોડ પર બેસી રહેવાનો વારો આવ્યો

ગુજરાત એસટી નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે વોલ્વો બસનું સંચાલન કરવામાં આવે છે, પરંતુ હાલમાં જાણે પ્રીમિયમ સર્વિસ લોકલ બસ કરતા પણ વધુ ખખડી ગઈ હોય તેમ વારંવાર દુર્ઘટના નોંધાઈ રહી છે. શનિવારે એસ.ટીની 10 જેટલી બસોમાં દુર્ઘટના સર્જાઈ હતી.

સુરત જતી વોલ્વો બસનું ટાયર રસ્તામાં નીકળી ગયું
શનિવારે સવારે 5.15 વાગે નેહરુનગરથી 20થી વધુ પેસેન્જરો સાથે સુરત જવા માટે વોલ્વો બસ રવાના થઈ હતી. આ બસ ભરૂચ હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે જ તેમાં પાછળના ડાબી બાજુના બે વ્હીલ બહાર નીકળી ગયા હતા, જેના કારણે બસ એક બાજુ નમી જવાની સાથે રોડ પર લગભગ 150 ફૂટ જેટલી ઘડસાઈ હતી. આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા પેસેન્જરોમાં ભયનું વાતાવરણ સર્જાયું હતું. જોકે ડ્રાઈવરે સાવચેતી દર્શાવી બસ અટકાવતા મોટી દુર્ઘટના ટળી હતી અને પેસેન્જરોએ હાશકારો અનુભવ્યો હતો.

GSRTCની બસની ફાઈલ તસવીર
GSRTCની બસની ફાઈલ તસવીર

પેસેન્જરો 45 મિનિટ સુધી રોડ પર બેસી રહ્યા
આ બસ ખોટકાતા પેસેન્જરોને લગભગ 45 મિનિટ સુધી રોડ પર બેસી રહેવાનો વારો આવ્યો હતો અને બીજી વોલ્વો બસ આવતા તેમને સુરત મોકલવામાં આવ્યા હતા. ત્યારે નિગમના ઉચ્ચ અધિકારીઓની વોલ્વો બસ ઓપરેટર સાથે મિલીભગત હોય તે રીતે ખામીયુક્ત બસો રોડ પર દોડાવવામાં આવતી હોવાનો લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

એક જ દિવસમાં 10 બસમાં ખામી સર્જાઈ
વોલ્વો બસમાં આ પહેલા 7 ઓક્ટોબરે નહેરુનગરથી સાપુતારા જતી બસમાં ખામી સર્જાતા રસ્તામાં બદલવી પડી હતી અને પેસેન્જરો 4 કલાક મોડા પહોંચ્યા હતા. આ સિવાય ભાવનગર રૂટમાં પણ એક બસમાં આગ, મોરબી ખાતે બસનું સ્ટિયરિંગ લોક થવા જેવી ખામી સર્જાઈ હતી. આવી રીતે એક જ દિવસમાં એસટીની 10 જેટલી બસોમાં ખામીની ફરિયાદ મળી હતી.