તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વૃદ્ધ દંપતીની ઘાતકી હત્યા:પાડોશીએ કહ્યું-કાકા આજે કેમ ગીતો વગાડતા નથી, છેલ્લી વાત બાદ વૃદ્ધની હત્યા, કાકીએ કહ્યું હતું- નાહી લે, પછી ચકરી પાડીશું; આમ કહીને અંદર ગયા ત્યાં જ ચોકીદારે બૂમ પાડી

અમદાવાદ7 મહિનો પહેલા
  • આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ
  • ઘરઘાટી હાજર હોવાથી પોલીસને હવે કોઈએ રેકી કરીને આ કૃત્ય કર્યું હોવાની આશંકા છે
  • મૃતક જ્યોત્સના બેન પૂર્વ ગૃહમંત્રી પ્રફૂલ્લ પટેલના પારિવારિક બહેન

ચેતન પુરોહિત, આનંદ મોદી: અમદાવાદ શહેરના સોલા વિસ્તારમાં શાંતિવન પેલેસમાં સવારમાં લૂંટના ઈરાદે બે સિનિયર સિટિઝન એવા અશોક પટેલ અને જ્યોત્સ્નાબેન પટેલ નામના દંપતીની ઘાતકી હત્યા કરી દેવામાં આવી છે. શુક્રવારે સવારે બનેલી આ ઘટનામાં પોલીસે હાલ ચોરી કે લૂંટના ઈરાદે હત્યા કરાયાની શંકાથી પ્રાથમિક તપાસ શરુ કરી છે. આ કેસમાં જાણભેદુ શખસોએ હત્યા કરી હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. આ હત્યા મામલે સ્થાનિક પોલીસ અને અન્ય એજન્સી દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે ઘટના સ્થળે ડોગ સ્ક્વોડની ટીમ પણ પહોંચી હતી.પોલીસ દ્વારા પણ આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.હાલ ઘટના સ્થળે પોલીસનું પંચનામુ અને FSLની પ્રક્રિયા પૂર્ણ થઈ છે જેથી બંને મૃતદેહને પાઇલટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા છે.પોલીસ દ્વારા હવે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરવામાં આવશે.

આ ડબલ મર્ડરને લઈ આસપાસની સોસાયટીઓમાં ભયનો માહોલ છે. શાંતિવન પેલેસના 2 નંબરના બંગલોમાં હત્યાનો બનાવ બન્યો ત્યારે એક નંબરમાં રહેતા પાડોશી મનિષાબેને જણાવ્યું હતું કે, હું રોજ સવારે ચાલવા જતી હતી ત્યારે ચાલીને પરત આવું ત્યારે અશોક કાકા ગાડી જ સાફ કરતા હોય છે અને ગાડીમાં જૂના ગીતો પણ વગાડતા હોય છે, આજે પણ હું ચાલીને આવી ત્યારે અશોક કાકા ગાડી સાફ કરતા હતા પણ ગીતો નહોતા વાગતા જેથી મેં તેમને પૂછ્યું કે ગીતો કેમ બંધ છે તો તેમણે કહ્યું કે ગાડીમાં મચ્છર આવી જાય છે.

દંપતીના પાડોશી મનીષાબેન.
દંપતીના પાડોશી મનીષાબેન.

નાહીને જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીઃ મનીષાબેન
મનીષાબેને આગળ કહ્યું, બાદમાં જોશના કાકી સાથે આજે ચકરી પાડવાની હતી તો તેમને પણ પૂછ્યું કે કાકી ચકરી પાડવી છે કે પછી? તો કાકીએ કહ્યું કે તું નાહી લે પછી ચકરી પાડીએ, જેથી હું નાહવા ગઈ હતી. નાહીને જેવી બહાર આવી તરત ચોકીદારે મને બૂમ પાડીને જણાવ્યું કે મનીષાબેન બહાર આવો કાકાના ઘરે કંઈક થયું છે, જેથી મેં બહાર આવીને જોયું તો કાકાના ઘરના પડદા જે ક્યારેય બંધ નથી હોતા તે બંધ જોયા. પછી મેં વિચાર્યું કે કાકા અને કાકી ઉતાવળમાં બહાર ગયા હશે. પરંતુ બંને વાહનો પણ પડ્યા હતા. જેથી મેં ચોકીદારને કહ્યું કે તમે અંદર જઈને જોવો તો ચોકીદારે રસોડાના પાછલા બારણે જઈને જોયું ત્યારે અંદર સામાન વેરવિખેર હતો જેથી ચોકીદારે મને બૂમ પાડીને બોલાવી જે બાદ હું ઘરમાં ગઈ અને જોયું તો સામાન વેર વિખેર પડ્યો હતો.

બંને મૃતદેહને પાઇલટ પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા.
બંને મૃતદેહને પાઇલટ પોસ્ટ મોર્ટમ માટે સોલા સિવિલ મોકલવામાં આવ્યા.

કાકા લોહીથી લથબથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા ​​​​​​હતા​: મનીષાબેન
બાદમાં નીચેના બેડરૂમમાં કાકા લોહીથી લથબથ હાલતમાં હતા અને કાકી સીડીમાં પડેલા હતા. બનાવ જોતા જ મને ધ્રાસ્કો લાગ્યો અને મેં આસપાસના લોકોને બોલાવ્યા અને મારા મોબાઈલમાંથી એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરી. મારે કાકા-કાકી સાથે ઘર જેવા સબંધ હતા બનાવ બન્યા બાદ હું હચમચી ગઈ છું.

શહેરના હેબતપુર ચાર રસ્તા પાસે આવેલ શાંતિ પેલેસ બંગલોઝમાં સિનિયર સિટિઝન દંપતી અશોકભાઈ કરસનદાસ પટેલ અને જ્યોત્સ્નાબેન અશોકભાઈ પટેલના ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી તેમની હત્યા કરાઈ હતી. પોલીસને આ મામલે ઘરઘાટી અથવા તો જાણભેદુ શખસોએ હત્યા નીપજાવી હોવાની આશંકા છે.

મૃતક જ્યોત્સ્નાબેન પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલના પારિવારિક બહેન
ઉલ્લેખનીય છે કે તેમનો દીકરો હેતાર્થ પટેલ હાલમાં દુબઈ રહે છે તેમજ મૃતક દંપતી પણ લોકડાઉનના સમયગાળામાં દુબઈ હતું. તેમનો ઘરઘાટી હાલ અહીં જ છે. એ ઉપરાંત તેમના ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે. તેમની દીકરી મેઘા હાલમાં અમદાવાદમાં નારણપુરામાં રહે છે.મૃતક જ્યોત્સનાબેન રાજ્યના પૂર્વ ગૃહમંત્રી પ્રફુલ્લ પટેલના પારિવારિક બહેન હોવાનું સામે આવ્યું છે.

વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનની લાશ સીડીમાં પડી હતી
વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનની લાશ સીડીમાં પડી હતી

ઉચ્ચ પોલીસ અધિકારી સ્પોટ પર હાજર
શહેરમાં પોલીસ એક તરફ સિનિયર સિટિઝનને મદદ કરવાની વાતો કરે છે ત્યારે શહેરના પોશ વિસ્તરમાં આજે સવારે વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરવામાં આવી છે. મૃતક વૃદ્ધને ગળું કાપીને રહેંસી નાખવામાં આવ્યા છે. વૃદ્ધ અશોકભાઈની લાશ બેડરૂમમાંથી મળી આવી હતી, જ્યારે તેમનાં પત્ની જ્યોત્સ્નાબેનની લાશ સીડીમાં પડી હતી. ઘરમાં સામાન અસ્તવ્યસ્ત પડ્યો છે. જ્યારે ઘરનો મુખ્ય દરવાજો તોડી નાખવામાં આવ્યો છે. અગાઉ ઘરઘાટી પર શંકા હતી, પણ તે અહીં જ છે, જેથી હવે પોલીસને શંકા છે કે કોઈએ રેકી કરીને હત્યા કરી હશે. બીજી તરફ, આ સમગ્ર મામલે હાલ ઉચ્ચ પોલીસ અધિકારી અને અન્ય એજન્સીઓ પણ સ્પોટ પર હાજર થઈ ગયાં છે

મૃતક દંપતીનો પુત્ર દુબઈમાં રહે છે, હાલ તેમની પુત્રી મેઘા દંપતીના ઘરે પહોંચી ગઈ છે.
મૃતક દંપતીનો પુત્ર દુબઈમાં રહે છે, હાલ તેમની પુત્રી મેઘા દંપતીના ઘરે પહોંચી ગઈ છે.

વેજલપુરમાં 80 વર્ષીય વૃદ્ધાની હત્યાનો બનાવ
અમદાવાદ શહેરમાં એકલા રહેતા સિનિયર સિટિઝનની સુરક્ષા સામે સવાલ ઊભો કરતો બનાવ સામે આવ્યો છે. વેજલપુર ગામમાં 80 વર્ષની વૃદ્ધાની માથામાં બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. એકલવાયું જીવન ગુજારતાં વૃદ્ધા બે દિવસથી બહાર દેખાયાં ન હતાં, જેથી ભાડૂઆતે જોતાં સમગ્ર હકીકત બહાર આવી હતી. તેણે વૃદ્ધાના દીકરાને જાણ કરી હતી તેમજ મૃતદેહ પરથી ઘરેણાં પણ ગાયબ હતાં. અંગત અદાવત અથવા પારિવારિક સંબંધોમાં ખટરાગને લઈ હત્યા કરાઈ હોવાની શંકા પોલીસે એ સમયે વ્યક્ત કરી હતી.

ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે.
ઘરનો દરવાજો પણ તોડી નાખવામાં આવ્યો છે.

બહેરામપુરામાં વૃદ્ધની આંખમાં મરચું નાખીને લૂંટ કરાઈ
શહેરના બહેરામપુરા વિસ્તારમાં રહેતા NRI સિનિયર સિટિઝન 72 વર્ષીય નરેન્દ્રભાઈ શાહ મૂળ અમેરિકન નાગરિકત્વ ધરાવે છે તેમજ તેમનાં પત્ની હાલ અમેરિકામાં છે. આઠ વર્ષથી નરેન્દ્રભાઈ અમદાવાદમાં રહે છે. 25મી તારીખે તેઓ રાતના બે વાગ્યા સુધી ઘરમાં જાગતા હતા. ત્યાર બાદ તેઓ સૂઈ ગયા અને ત્રણ વાગ્યાની આસપાસ તેમના ઘરનો ડોરબેલ વાગ્યો હતો. નરેન્દ્રભાઈએ દરવાજો ખોલતાં તેઓ કાંઈ સમજી શકે એ પહેલાં જ તેમની આંખમાં મરચાની ભૂકી કોઈએ નાખી દીધી હતી. જેને કારણે તેઓ દેખી શક્યા નહીં. થોડીવારમાં આ લોકોએ નરેન્દ્રભાઈના મોઢા પર અને હાથ પર ટેપ વીંટી દીધી હતી. ત્યાર બાદ આ શખસોએ ઘરમાંથી ટીવી, ચાંદીની વીંટી અને અન્ય વસ્તુઓ લઈને ફરાર થઇ ગયા હતા.