ધરપકડ:અમદાવાદમાં લાલદરવાજા પાસે રાત્રિ કર્ફ્યૂ દરમિયાન પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી ફરાર થયેલા બે શખ્સો ઝડપાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓ ઝડપાયા
  • આરોપી જે વિસ્તારમાંથી ફરાર થઈ ગયા હતાં ત્યાંના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેઓ દરિયાપુરના હોવાનું જાણવા મળ્યું હતું.
  • પોલીસે બાતમીદારોની મદદ લઈને બંને શખ્સોને ઝડપી લીધા અને વધુ કાર્યવાહી હાથ ધરી.

અમદાવાદ શહેરના લાલદરવાજા વિસ્તારમાં રાત્રી કરફ્યુ દરમિયાન પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી ફરાર થઈ જનાર બે શખ્સની કાંરજ પોલીસે ધરપકડ કરી છે. પોલીસે બંને આરોપી ફરાર થયા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા. જેમાં બંને શખ્સ દરિયાપુરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. બાદમાં બાતમીદારની માહિતીના આધારે સ્થાનિક પોલીસની મદદથી બંને આરોપીની ધરપકડ કરી હતી.

પોલીસે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા
શહેરમાં રાત્રી કરફ્યુ ચાલી રહ્યો છે. જેથી કારંજ પોલીસ દ્વારા લાલદરવાજા રૂપાલી ચેક પોસ્ટ પર ચેકિંગ કરવામા આવે છે. 19 મેના રોજ રાતે પોલીસ ચેકિંગ કરી રહી હતી. દરમિયાન માસ્ક વગર એકિટવા પર બે શખ્સ આવતા પોલીસે તેમને રોક્યા હતા. પરંતુ બંને શખ્સ પોલીસકર્મી પર એક્ટિવા ચડાવી અને ફરાર થઈ ગયા હતા. પોલીસકર્મી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. કાંરજ પોલીસે પોલીસકર્મીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી. કાંરજ PI ડી.વી તડવીએ જણાવ્યું હતું કે બનાવ બાદ પોલીસે જે રોડ પરથી બંને આરોપી ફરાર થયા હતા ત્યાંના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા.

દરિયાપુરમાંથી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા
દરિયાપુરમાંથી આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

આરોપી દરિયાપુરના રહેવાસી હોવાની ઓળખ થઈ
તમામ સીસીટીવી ફૂટેજ તપાસ કરી અને આરોપીઓની ઓળખ કરતાં તેઓ દરિયાપુર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. બાતમીદાર અને સ્થાનિક પોલીસની મદદ લઇ આરોપી મોહમ્મદ શાદ મકસુદ શેખ (ઉ.વ. 25) અને સોહિલ અબ્દુલ રસીદ ખલીફા (ઉ.વ.26) (બંને રહે. દરિયાપુર)ની ધરપકડ કરી હતી. બંને સાંજે લટાર મારવા નીકળ્યાં હતા અને રાત્રી કરફ્યુ દરમ્યાન ઘરે પરત જતા પોલીસે રોકતા તેઓએ પોલીસ પર એક્ટિવા ચડાવી નાસી ગયા હતા. બંનેની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.