‘તમે ફોન કરીને ગાયોને ભગાડી દો છો’ તેવો આક્ષેપ કરીને ઢોર પાર્ટીને ઘાટલોડિયા સીપી નગર પાસે રોકીને સેનેટરી સબ ઈન્સ્પેકટર ઉપર પાઈપ થી હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે સેનેટરી ઈન્સ્પેકટરે ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.
સાબરમતી રામનગર ડાહ્યાભાઈની ચાલીમાં રહેતા રામચંદ્ર ચીમનભાઈ વાઘેલા(45) મ્યુનિ.કોર્પો.માં સેનેટરી સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવે છે. સોમવારે સવારે રામચંદ્ર ઢોર પાર્ટી અને એસઆરપીના જવાનો સાથે શહેરના રસ્તાઓ ઉપર રખડતા ઢોર પકડવા નીકળ્યા હતા. એસજી હાઈવે કર્ણવતી કલબ પાસેથી 1 અને બોડકદેવમાંથી 1 રખડતી ગાય પકડીને ઢોર પાર્ટી ઘાટલોડિયા સીપી નગર ચાર રસ્તા પહોંચી હતી. ત્યારે એકટીવા ઉપર 2 માણસ આવ્યા હતા. તેમણે ઢોર પાર્ટીના વાહનો રોકીને રામચંદ્ર વાઘેલાને કહ્યું હતુ કે તમે ફોન કરીને ગાયોને ભગાડી દો છો. તેઓ આક્ષેપ કરીને બુમો પાડીને લોકોને ભેગા કરીને પાઈપ લાવો તેવી બુમો પાડતા હતા.
દરમિયાનમાં એકટીવાની પાછળ બેઠેલ માણસ ક્યાંકથી પાઈપ લઈને આવ્યો હતો અને રામચંદ્ર વાઘેલાને પગલના ભાગે મારી દીધી હતી. જો કે આ ઘટનાના પગલે ઢોર પાર્ટીના માણસો ભેગા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસની ગાડી આવી ત્યારસુધીમાં એકટીવા સવાર 2 માણસ તેમજ ત્યાં ભેગા થયેલા માણસો ભાગી ગયા હતા. આ અંગે રામચંદ્ર વાઘેલા એ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.