શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે રવિવારે સિવિલમાં 4 નવા દર્દી તેમજ સોલા સિવિલમાં 2 નવા દર્દી દાખલ થયાં છે. જયારે આહના સાથે સંકળાયેલી ખાનગી હોસ્પિટલમાં પણ નવા 4 દર્દી દાખલ થયાં છે. પરંતુ, મહત્વની વાત એ છે કે, સિવિલની 1200 બેડમાં દાખલ બે દર્દી બાયપેપ પર છે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જયારે એક ડોઝ લેનાર વ્યકિત વેન્ટિલેટર માસ્ક પર છે. જેથી વેક્સિનના એક પણ ડોઝ ન લીધા હોય તેવાં લોકોએ વિશેષ તકેદારી રાખવાનું ડોકટરો જણાવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટ જણાવે છે કે, 1200 બેડ હોસ્પિટલમાં રવિવારે કોરોનાના નવા 4 દર્દી સાથે કુલ 17 દર્દી દાખલ છે, જેમાં ઓમિક્રોનના એક દર્દીનો સમાવેશ થાય છે.
હોસ્પિટલમાં દાખલ આ 17 દર્દીમાંથી જેમણે વેક્સિનનાં બંને ડોઝ લીધા છે તેવાં 12 દર્દીની સ્થિતિ ઘણી સ્થિર છે. જયારે બે દર્દી બાયપેપ પર અને 3 દર્દી વેન્ટિલેટર માસ્ક ઉપર છે. બાયપેપ મુકવામાં આવેલાં બંને દર્દીએ વેક્સિનનો એક પણ ડોઝ લીધો નથી, જયારે વેન્ટિલેટર પર માસ્ક પર રહેલા 1 દર્દીએ વેક્સિનનો 1 ડોઝ લીધો છે. મારી લોકોને અપીલ છે કે, જેમણે વેક્સિનનો એક પણ ડોઝ ન લીધો હોય તેવાં લોકોએ કોરોના સામે રક્ષણ માટે તાત્કાલિક વેક્સિન લેવી જોઇએ.
સિવિલના 1 ડૉક્ટરને ચેપ, અત્યાર સુધી 29 ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ સંક્રમિત થયા
રવિવારે સિવિલ અને સોલા સિવિલમાં દર્દીની સારવાર કરતાં ડોકટર્સની સાથે ફ્રન્ટ લાઇન વર્કર્સ પણ મળીને વધુ 7 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે. પોઝિટિવ આવેલાં 29 લોકોમાં 18 ડોક્ટર્સ અને 11 ફ્રન્ટ લાઇન વર્કર્સનો સમાવેશ થાય છે. જો કે, તમામની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક વિભાગના એક સિનિયર ડોકટર સાથે સિવિલમાં કોરોના પોઝિટિવ ડોકટર્સનો આંકડો વધીને 15 અને સોલા સિવિલમાં 3 ડોકટર સાથે કુલ 18 ડોકટર્સ તેમજ 4 નર્સ કોરોનાથી સંક્રમિત થયા છે. જ્યારે સોલા સિવિલમાં 3 ડોકટર અને 4 હોસ્પિટલ સ્ટાફ મળીને કુલ 7 લોકો કોરોના સંક્રમિત થયા છે.
IIM કેમ્પસમાં 9 દિવસમાં કોરોનાના 805 ટેસ્ટ કરવામાં આવ્યા, 54 પોઝિટિવ
આઇઆઇએમ કેમ્પસમાં 1 થી 9 જાન્યયુઆરી દરમિયાન 805 લોકોના કોરોના ટેસ્ટ કર્યા હતા, જેમાંથી 54 લોકો પોઝિટિવ આવ્યા હતા. પોઝિટિવ આવેલા લોકોમાં 28 વિદ્યાર્થીઓ, 6 ફેકલ્ટી અને 14 કમ્યુનિટી મેમ્બરનો સમાવેશ થાય છે. કોરોના પોઝિટિવ આવેલા ફેકલ્ટીમાં 1 ફેકલ્ટી કેમ્પસમાં જ્યારે કે અન્ય 5 ફેકલ્ટી કેમ્પસ બહાર ક્વોરન્ટાઇનમાં છે.
ધર્મસભામાં હાજર રહેલા ભાજપના મ્યુનિ. પ્રભારી ધર્મેન્દ્ર શાહ કોરોના પોઝિટવ
શહેરના રિવરફ્રન્ટ ખાતે યોજાયેલી ધર્મસભામાં હાજર રહેલા ભાજપના 40થી વધુ આગેવાનો કોરોના પોઝિટિવ આવ્યા છે. આમાંથી કેટલાક હોમ ક્વોરોન્ટાઇન થઈને સારવાર લઇ રહ્યા છે. ધર્મસભામાં હાજર રહેલા ભાજપના વધુ એક આગેવાન અને મ્યુનિ.માં ભાજપના પ્રભારી ધર્મેન્દ્ર શાહનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.