અમદાવાદમાં ખૂણે ખૂણે પેટ્રોલિંગ:શહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવ, લો એન્ડ ઓર્ડર સામે સવાલો ઊભા થયા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં હાલ ચૂંટણી આચારસંહિતા ચાલી રહી છે જે દરમિયાન લો એન્ડ ઓર્ડરની મહત્વની ભૂમિકા હોય છે. આ સમયે અમદાવાદ શહેરમાં લો એન્ડ ઓર્ડરની સામે સવાલો ઊભા થયા છે. કારણ કે શહેરમાં એક જ દિવસમાં બે જગ્યાએ હત્યાના બનાવ બન્યા છે. જ્યારે કરોડોની લૂંટની ઘટના બની છે. આ બધાની સાથે ગઈકાલે દૂધના વાહનમાં દારૂ પકડાયો તો શાહીબાગમાં દારૂનું ગોડાઉન પકડાયું હતું. રાણીપમાં દારૂ પકડાયો, રામોલમાં દારૂ પકડાયો, બાપુનગર-રખયાલ તમામ જગ્યાએ વિજિલન્સ દરોડા પાડ્યા હવે આ બધી સ્થિતિ વચ્ચે ચૂંટણી પંચ દ્વારા સમગ્ર સ્થિતિનો તાગ મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. 24 કલાકની અંદર શહેરના વાસણા અને રિવરફ્રન્ટ ઈસ્ટ વિસ્તારમાં હત્યાના બે બનાવ બન્યા છે.

અમદાવાદમાં એક દિવસમાં હત્યાના બે બનાવ
રિવરફ્રન્ટ ઈસ્ટ પોલીસ સ્ટેશનની યાદમાં ફરિયાદ નોંધાય છે કે, 55 વર્ષના આધેડની હત્યા કરાયેલી લાશ દૂધેશ્વર સ્મશાન ગૃહ પાસે બાકડા પરથી મળી આવી હતી. આ અંગેની જાણ થતા પોલીસે મૃતકના પરિવારને શોધવા પ્રયાસ કર્યો હતો. ત્યારે મૃતક વ્યક્તિનું નામ દુલાજી હરજીભાઈ નીનામા ઉંમર વર્ષ 55 હોવાનું જાણવા મળ્યું છે. ઘણા વર્ષોથી તે અહીંયા મજૂરી કામ માટે આવ્યા હતા. કોઈ અગમ્ય કારણસરથી કોઈ તેમની હત્યા કરીને ફરાર થઈ ગયું છે. ત્યારે ઉતરાયણમાં નોંધાયેલી ફરિયાદના આધારે હાલ રીવરફ્રન્ટ ઈસ્ટ પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગઇકાલે મોડીરાતે વાસણામાં એક પાન પાર્લર ચલાવતા યુવકની ઘાતકી હત્યા થઇ જતા ચકચાર મચી ગઇ છે.

ઉધાર લીધેલા રૂપિયા આપવાનો ઇન્કાર કરતા હત્યા
પાન પાર્લરના માલિકે મિત્રો પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા, જે પરત આપવાનો ઇન્કાર કરતા મોડી રાતે મામલો બિચક્યો હતો. ત્રણેય મિત્રોએ યુવકને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધો છે. પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરીને વધુ પુછપરછ શરૂ કરી છે. વાસણા વિસ્તારમાં આવેલા સોરાઇનગરમાં રહેતા દેવેન્દ્ર રાજપુત નામના યુવકની મોડી રાતે ઘાતકી હત્યા કરવામાં આવી છે. દેવેન્દ્ર રાજપુત મૂળ યુપીનો છે અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદના વાસણા ખાતે પરિવાર સાથે રહે છે અને સોરાઇનગર ખાતે પાન પાર્લર ચલાવે છે. દેવેન્દ્ર રાજપુતે થોડાક સમય પહેલા તેના મિત્ર પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા હતા.

યુવતને માર મારી છરી ના ઘા ઝીંક્યા
ગઇકાલે પાર્લર પર તેના મિત્રો બેઠા હતા. ત્યારે રૂપિયાની લેતીદેતી મામલે બબાલ થઇ હતી. મિત્રોએ દેવેન્દ્ર પાસે 500 રૂપિયા પરત માંગ્યા હતા, જે આપવાનો ઇન્કાર કરી દેતા મામલો બિચક્યો હતો. દેવેન્દ્રએ 500 રૂપિયા આપવાની ના પાડી દીધી હતી. જેથી મિત્રોએ તેને થપકો આપ્યો હતો. જોતજોતામાં મામલો એટલી હદે ગરમાયો કે દેવેન્દ્રએ તેના મિત્રોને ગાળો બોલીને લાકડી મારી દીધી હતી. ત્રણેય મિત્રો પૈકી એકને લાકડી વાગતા તમામ લોકોએ દેવેન્દ્રને મારમાર્યો હતો અને બાદમાં છરી ના ઘા ઝીંકી દીધા હતા.

યુવકની હત્યા કરી ત્રણેય મિત્રો ફરાર
દેવેન્દ્રને છરીના ઘા ઝીંકી દેતા તે જમીન પર તરફડીયા મારવા લાગ્યો હતો. જ્યારે ત્રણેય મિત્રો નાસી ગયા હતા. આ ઘટના જોઇને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સને ફોન કરીને બોલાવી દીધી હતી. 108 પહોંચે તે પહેલા દેવેન્દ્રનું મોત થયુ હતું. હત્યાની જાણ વાસણા પોલીસને થતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને દેવેન્દ્રની લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.

ત્રણેય મિત્રોની મોડી રાતે અટકાયત
ઘટનાની જાણ એસીપી તેમજ ડીસીપીને થતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. વાસણા પોલીસે ત્રણેય મિત્રો વિરૂદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી મોડી રાતે તેમની અટકાયત કરી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...