અમદાવાદમાં ગુનેગારો બેફામ:પોલીસ કમિશનર રહે છે તે વિસ્તારમાં 24 કલાકમાં બે હત્યા, માથાભારે શખ્સોએ હથિયાર લઈને ગરબા બંધ કરાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદ શહેરમાં સતત લો એન્ડ ઓર્ડરની સ્થિતિ કથળી રહી છે, જે વિસ્તારમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર રહે છે, ત્યાં જ 24 કલાકમાં બે હત્યાના બનાવ બનતા ખૂબ જ ચિંતાજનક સ્થિતિમાં પોલીસ વિભાગ મુકાયો છે. શહેરમાં નવરાત્રિનો તહેવાર ચાલી રહ્યો છે, ત્યારે વિસ્તારમાં ગુનેગારો એટલા માથાભારે છે કે હથિયારો લઈને ગરબામાં ઘૂસી ગયા અને ગરબા બંધ કરાવી દીધા હતા. આ સમગ્ર મામલે સીસીટીવી પણ સામે આવ્યા છે.

દંડા તથા તીક્ષ્ણ હથિયાર લઈને આતંક મચાવ્યો
અમદાવાદ શહેરના મેઘાણીનગર વિસ્તારમાં ગુનેગારોને સહેજ પણ ડર ન હોય તેવી છાપ ઊપસી રહી છે. સ્થાનિક પોલીસ શું કરી રહી છે, તેની કોઈને ખબર ન હોય તેવી સ્થિતિ સર્જાય છે. કારણ કે બે દિવસમાં બે હત્યાના બનાવો બન્યા છે. જ્યારે એક યુવક ઉપર જીવલેણ હુમલો પણ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર એક સિનિયર સિટીઝન મહિલાની હત્યા તેમજ એક પોસ્ટર ફાડવા બાબતે એક યુવકની હત્યા 24 કલાકમાં પોલીસ ચોપડે નોંધાઈ છે. જે અંગે પોલીસ તપાસ કરી રહી છે, ત્યારે એક ચોંકાવનારી ઘટના એવી પણ સામે આવી રહી છે કે, આ વિસ્તારમાં એક જગ્યાએ ચાલીમાં ગરબા રમાઈ રહ્યા હતા. ત્યારે કેટલાક ટપોરીઓ પોતાના હાથમાં દંડા અને તીક્ષ્ણ હથિયાર લઈને ઘૂસી ગયા હતા. જેનાથી તેમણે આતંક મચાવ્યો હતો અને ગરબા બંધ કરાવી દીધા હતા અને પોલીસ ચોપડે ફરિયાદ પણ નોંધાઈ છે.

તહેવારોમાં હત્યાના બનાવથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ
આ બધાની વચ્ચે મેઘાણીનગર વિસ્તારમાં જ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ રહે છે, જેમના પર સમગ્ર શહેરની સુરક્ષા વ્યવસ્થાની જવાબદારી છે. ત્યારે તે જે વિસ્તારમાં રહે છે, ત્યાં જ તહેવારના દિવસોમાં હત્યા અને જો કોઈ ગરબે રમતું હોય તો ગુનેગારો ત્યાં ધસીને ગરબા બંધ કરાવી દે છે. ત્યારે જો પોલીસ કમિશનરના રહેઠાણનો વિસ્તાર જ સલામત ના હોય તો અમદાવાદ શહેરમાં બીજા વિસ્તારોમાં કેટલી ખરાબ પરિસ્થિતિ હશે, તે અંગે હાલ શહેરીજનો ચર્ચા કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...