શહેરમાં યુવાધનને બરબાદ કરતા MD ડ્રગ્સનો કારોબાર વધતો જઈ રહ્યો છે. શહેરની SOG અને ક્રાઈમ બ્રાન્ચ જેવી એજન્સીઓ આવા ડ્રગ્સના વેપારને રોકવામાં નિષ્ફળ રહી છે. જેની વચ્ચે દાણીલીમડા પોલીસે હોટલ માલવા પેલેસમાંથી MD ડ્રગ્સ સાથે મુંબઈના બે શખ્સની ધરપકડ કરી છે. બંને આરોપીઓ અમદાવાદ ખાતે ડ્રગ્સની ડિલિવરી કરવા આવ્યા હતા. દરમ્યાનમાં પોલીસે બાતમીના આધારે આરોપીઓને ઝડપી લીધા હતા. ડ્રગ્સ રીસીવ કરવા આવનાર દાણીલીમડાના શખ્સની પણ પોલીસે ધરપકડ કરી લીધી છે. પોલીસે 62 ગ્રામ ડ્રગ્સ કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી છે.
હોટલમાં ડ્રગ્સની ડિલ પહેલા પોલીસનો દરોડો
દાણીલીમડા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી તડવીએ Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મુંબઈથી MD ડ્રગ્સ સાથે બે શખ્સ હોટલ માલવા પેલેસમાં રોકાયા છે. જે બાતમીના આધારે હોટલમાં દરોડો પાડી 62 ગ્રામ MD ડ્રગ્સ સાથે તેઓને ઝડપી લીધા છે. દાણીલીમડાના રજીન સૈયદને આ ડ્રગ્સ આપવા આવ્યા હતા. જેને પોલીસે ઝડપી લીધો છે. આરોપી રજીને પહેલા એકવાર આ જ લોકો પાસેથી ડ્રગ્સ લીધું હતું ને બીજી વાર ડ્રગ્સ આપવા આવ્યા અને પોલીસે ઝડપી લીધા હતા.
બે દિવસથી અમદાવાદમાં હતા આરોપીઓ
હોટલ માલવા પેલેસમાં મહારાષ્ટ્રના થાણેના જુબેર એપાર્ટમેન્ટમાં રહેતો ઇરફાન સૈયદ અને થાણેમાં જ રહેતા સર્જિલ સરગુરુ નામના શખ્સ બે દિવસથી MD ડ્રગ્સ સાથે રોકાયા હતા. દાણીલીમડાની છીપા સોસાયટીમાં રહેતા રજીન સૈયદ સાથે ડ્રગ્સની ડિલ કરવાના હતા. પોલીસે 62 ગ્રામ જેટલો MD ડ્રગ્સનો મુદામાલ જપ્ત કર્યો છે. રજીનને 25 ગ્રામ જેટલો માલ આપવાના હતા. બાકીનો મુદામાલ અમદાવાદમાં કોઈને આપવાના હતા કે કેમ તે અંગે દાણીલીમડા પોલીસે તપાસ શરૂ કરી છે. આરોપી રજીન સામે મારામારી અને છેડતીના ગુના પણ નોંધાયેલા છે તેમજ પાસા પણ થઈ ચૂકી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.