વૈભવી લાઈફસ્ટાઈલની લ્હાયમાં ગુનેગાર બન્યા:અમદાવાદમાં ચાની કીટલી ચલાવતા અને ઈસ્ત્રી કરતા પિતાના પુત્રોએ ધમકી આપી લાખો પડાવ્યા, ખંડણીના પૈસાથી BMW ખરીદી

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ખંડણીના પૈસાથી ખરીદેલી BMW - Divya Bhaskar
ખંડણીના પૈસાથી ખરીદેલી BMW
  • ગુમાસ્તાનું લાઇસન્સ કઢાવી આપવાના બહાને કર્મચારીએ મિત્ર સાથે મળી માલિકને ઠગ્યા
  • કીટલી અને ઇસ્ત્રી કરતા શ્રમજીવીઓના પુત્રોએ ખંડણી લઈ પૈસા મોજશોખમાં ઉડાવ્યા

અમદાવાદ જેવા વિકસિત શહેરમાં વૈભવી જીવન જીવવા માટે ચાની કીટલી અને ઈસ્ત્રીકામ કરી ગુજરાન ચલાવતાં પરિવારના બે પુત્રો આરિફ અને યુસફે લોકોને ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ તેમજ ગુમાસ્તાધારા-લાયસન્સ કઢાવવાના બહાને ખંડણી માંગી લાખો રૂપિયા પડાવ્યા હતા. સરખેજ પોલીસે આ બંને યુવકોની ધરપકડ કરી છે. બંને યુવકોએ ખંડણીના પૈસાથી BMW કાર પણ ખરીદી હતી. જે પોલીસે કબ્જે કરી હતી. આરોપીઓએ અન્ય શખસો પાસેથી પણ ખંડણી માગી છે અને કેટલા રૂપિયા પડાવ્યા છે તે અંગે તપાસ શરૂ કરી છે.

ધમકીઓ આપી કુલ રૂ. 31.50 લાખ પડાવ્યા
સરખેજના જુહાપુરા વિસ્તારમાં રહેતા જાવેદભાઇ ગેલેરીયા નામના વેપારીની સરખેજ ક્રોસિંગ પાસે રૂબી પેકેજિગ નામની ફેકટરીનું ગુમાસ્તાધારા લાયસન્સ કઢાવી આપવાના બહાને 2018થી આરીફ ઘાંચી (રહે. આશિયાના રો હાઉસ, મકરબા) અને યુસુફ ઘાંચી (રહે. ઘાંચી વાસ, સરખેજ)એ રૂ. 3.50 લાખ પડાવ્યા હતા. બાદમાં લાયસન્સ અપાવ્યું ન હતું. જો પોલીસ ફરિયાદ કરશે તો ખોટા પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, તેમજ હાથ પગ તોડી નાંખવાની ધમકીઓ આપી કુલ રૂ. 31.50 લાખ પડાવ્યા હતા. આમ છતાં વધુ પૈસાની માગણી કરતા તેઓએ પોલીસનો સંપર્ક કર્યો અને સરખેજ પોલીસે ગુનો નોંધી બંને શખ્સની ધરપકડ કરી હતી.

વૈભવી લાઈફ જીવવા માગતા હતા
બંનેની પૂછપરછ કરતા આરીફના પિતા ઈસ્ત્રીકામ કરે છે અને યુસુફના પિતા ચાની કીટલી ચલાવે છે. બંને મધ્યમ ગરીબ વર્ગના હોવાથી તેઓ વૈભવી લાઈફ જીવવા માગતા હતા. જેથી બંને મિત્રોએ ભેગા મળી આ રીતે ખોટા કેસમાં ફસાવવા અને ગુનાહિત કાવતરા રચી ખંડણી ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. ખંડણીના પૈસામાંથી બંનેએ BMW કાર પણ ખરીદી હતી.

અન્ય લોકો પાસેથી પણ પૈસા પડાવ્યા છે કે કેમ તેની તપાસ?
યુસુફે 2018ના જયેશ અને જયંતી ભરવાડ પાસેથી ઉછીનાં રૂપિયા લીધા હતા જે પરત આપવા ન પડે તેના માટે ખોટી રીતે દવા પી અને સરખેજ પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. તેમ કરી પૈસા પડાવ્યા હતા. અન્ય કોઈ લોકો પાસેથી પણ પૈસા પડાવ્યા છે કે કેમ તેની પોલીસ રિમાન્ડ મેળવી પૂછપરછ કરશે.

વેપારીઓને ધમકાવી પૈસા પડાવતા હતા
આરીફ ઘાંચી અને યુસુફ ઘાંચીએ જાવેદ ગેલેરિયા પાસેથી રૂ.31.50 લાખની ખંડણી વસૂલી હોવા અંગે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. આ ઉપરાંત બીજા ઘણાં બધા વેપારીઓને ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપીને યુસુફે પૈસા પડાવ્યા હતા. યુસુફ સામે અડધો ડઝન જેટલા ગુના નોંધાવાની શક્યતા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...