અપહરણનો પ્રયાસ:નારોલમાં બાકી રૂપિયા બાબતે સોનીના પુત્રનું અપહરણ કરાયું, કારમાં ખેડા લઈ જઈ માર મારી ઉતારી દીધો, 2 સામે ગુનો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • 8 માસ પહેલાં આપેલા પૈસા માગી મારી નાખવા ધમકી આપી

નારોલમાં રૂપિયાની લેતી-દેતી બાબતે સોનીના 23 વર્ષીય દીકરાનું કારમાં અપહરણ કરીને મૂઢ માર મારનાર બે આરોપી વિરુદ્ધ નારોલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નારોલના ગજાનંદ હિલમાં રહેતાં ભારતી બિન્દેશ જોષી પરિવાર સાથે રહે છે. બિન્દેશ સોની કામ કરે છે. તેમનો મોટો પુત્ર સની 12 ઓગસ્ટે રાતે બહાર નીકળ્યો ત્યારે વિશાલ ભરવાડ અને દિલીપ ભરવાડ કાર લઈને આવી સનીને કારમાં બેસાડી ખેડા લઈ ગયા હતા, જ્યાં 8 માસ પહેલાં આપેલા રૂપિયાની માગણી કરી, રૂપિયા નહીં આપે તો મારી નાખવાની ધમકી આપી મૂઢ માર માર્યો હતો.

આરોપીઓએ સનીના મોબાઇલ ફોનથી તેના પિતાને ફોન કરતાં ફોન પર સનીએ કહ્યું હતું કે, વિશાલ અને દિલીપ બ્રેઝા કારમાં મારું અપહરણ કરીને લઈ ગયા છે. બાકી રૂપિયાની માગણી કરી ગાળો બોલી માર મારી મને ખેડા પાસે ઉતારી દીધો છે. આ અંગે સનીની માતા ભારતીબેને નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

પોલીસને જાણ કરી હોવાની જાણ વિશાલ અને દિલીપને થતા સન્નીને ખેડા પાસેના રોડ પર ઉતારી દીધો હતો. જેથી સન્ની તેના ઘરે પરત આવી તેના પરીવારને જાણ કરી હતી કે, વિશાલ અને દિલીપ બંન્ને તેને જબરદસ્તી કારમાં બેસાડીને અપહરણ કરીને લઈ ગયા હતા અને અગાઉના બાકી નીકળતા પૈસા નહીં આપે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપવા લાગ્યા હતા. આ બંન્ને જણાએ ખેડા પાસેના એક રોડ પર તેને કારમાંથી ધક્કો મારીને ફેંકી દીધો હતો. આ અંગેની જાણ થયા બાદ સન્નીની માતા ભારતીબહેને નારોલ પોલીસ સ્ટેશનમાં વિશાલ અને દિલીપ ભરવાડના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, ધમકીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...